Bilkis Bano Expresses Shock Over Supreme Court Order : સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.એમ. સુંદરેશ (M.M. Sundresh) અને પ્રસન્ના બી વરાલે (Prasanna B. Varale) ની ખંડપીઠે ગત 28 ઓક્ટોબરે આપેલો આદેશ 16 નવેમ્બરના રોજ મીડિયામાં પ્રકાશિત થયો. બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના 14 સભ્યોની હત્યાના કેસમાં 11 શખ્સોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતની આજીવન કેદની સજા સ્થગિત કરી તેમને જામીન આપ્યા છે. આ મામલે બિલ્કીસ બાનોએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં સુનાવણી માટે બોલાવ્યા નહોતા કે આદેશ આપતા પહેલા તેમની વાત સાંભળી ન હતી. તેમને આ આદેશની જાણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા થઈ હતી નહીં કે કોર્ટ દ્વારા. સુપ્રીમ કોર્ટના આ આદેશ સામે લડાઈ ચાલુ રહેશે (Fight against the Supreme Court’s order will continue) તેવું બિલ્કીસ બાનોએ જણાવ્યું છે.
બિલ્કીસ બાનોએ પોતાના વકીલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં વર્ષ 2002ના સામૂહિક બળાત્કાર અને 14 લોકોની હત્યાના કેસમાં 11 દોષિતોમાંથી બેને સજા સ્થગિત કરવા અને જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. 11 દોષિતમાંથી બેને જામીન આપવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા બિલ્કીસ બાનોએ કહ્યું હતું કે તેઓ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. બિલ્કીસ બાનો વતી વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા (Shobha Gupta) એ આ નિવેદન જારી કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે તેમના દર્દ અને આંસુ વચ્ચે તેમના શબ્દો ખૂટી રહ્યા છે. “મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે બીજી વખત સુપ્રીમ કોર્ટે મને બોલાવ્યા વિના કે મને સાંભળ્યા વિના આદેશ આપ્યો હતો. વર્ષોથી તેઓ કોર્ટમાં જઈ રહ્યા છે અને જ્યારે પણ તેમને ન્યાય મળ્યો છે ત્યારે ન્યાય વ્યવસ્થામાં તેમનો વિશ્વાસ પાછો આવ્યો છે. હવે તે શાંતિથી જીવવાનું અને હસવાનું શીખી રહ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેમનો જૂનો ડર ફરી જાગ્યો છે. તેમણે કહ્યું કે તેમને ફરી એકવાર પોતાની અને પોતાના પરિવારની ખાસ કરીને પોતાના બાળકોની સલામતીનો ડર છે. તેમને એ પણ ડર છે કે ન્યાય વ્યવસ્થામાંથી તેમનો વિશ્વાસ ઉઠી જશે.








