Gang committing fraud under the guise of an online ‘Angadia’ service busted : અમદાવાદ શહેરની ઘાટલોડિયા પોલીસે (Ghatlodiya Police Ahmedabad) આંગડિયા પેઢીના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઓનલાઈન આંગડિયા પેઢીના નામે રૂ. 500ના દરની ‘ચિલ્ડ્રન બેન્ક ઑફ ઈન્ડિયા’ (Children Bank of India) લખેલી નકલી ચલણી નોટોના બંડલ પધરાવી ઠગાઈ કરવા આવેલી ગેંગના બે શખસોને ઘાટલોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. 19 નવેમ્બર 2026 ગુરૂવારના રોજ ઘાટલોડિયા પારસનગર પેટ્રોલ પંપ પાસે રોડ પર પોલીસે એક ટ્રેપ ગોઠવી બે આરોપીને ઝડપી નકલી ચલણી નોટો (Counterfeit currency notes) ના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ મામલામાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય ત્રણ શખ્સોની ભૂમિકા પણ સામે આવી છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ફરિયાદીના મામા સાથે આવી જ રીતે રૂ. 40 લાખની છેતરપિંડી (Fraud of 40 lakhs in Unjha) થઈ હતી અને આવા આરોપીઓને પકડવા માટે આ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત 17 નવેમ્બરના રોજ ઊંઝાના વેપારી રોહિત પટેલ 40 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. બી.બી. ટ્રેડર્સના નામે જીરૂં અને વરિયાળીનો વેપાર કરતા રોહિતભાઈએ નાગપુરથી વેપારના રૂપિયા 40 લાખ મગાવવા માટે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. બે શખ્સો નોટોના બંડલ ભરેલો થેલો રોહિતભાઈને આપતા તેમણે ચલણી નોટોના બંડલ પર બેંકની પટ્ટીઓ જોઈને તેને અસલી માની લીધી હતી. બીજી તરફ નાગપુર ખાતે 40 લાખનું પેમેન્ટ થઈ ગયા બાદ રોહિતભાઈને માલૂમ પડ્યું હતું કે તેમને ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નકલી ભારતીય ચલણી નોટો (FICN) પધરાવામાં આવી છે.
નકલી નોટો આપીને લાખોની ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કરવા માટે નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને પેમેન્ટ મોકલવાનું એક નાટક રચવામાં આવ્યું હતું. ઊંઝા ખાતે છેતરપિંડીમાં સફળ રહેલા ગઠીયાઓેને ભરોસો હતો કે અમદાવાદમાં પણ તેઓ સફળ રહેશે, પરંતુ પોલીસ અને ફરિયાદીના પિતાએ ગોઠવેલા છટકામાં બે આરોપીઓ આબાદ રીતે ઝડપાઈ ગયા છે. રૂપિયા 5 હજારના કમિશન માટે ઠગાઈ કરવા આવેલા રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર (ઉ. 23 રહે. દિલ્હી) અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા (ઉ. 30 રહે. બિકાનેર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં સામેલ નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણને પોલીસે આરોપી તરીકે દર્શાવ્યા છે.








