નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકન ડૉલર સામે જે રીતે ભારતીય રૂપિયો ઘસાઈ રહ્યો (Indian rupee depreciates against US dollar) છે તેને લઈને સમયાંતરે ચર્ચાઓ ઊઠે છે, પરંતુ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા આ મામલે નિશ્ચિંત છે. આરબીઆઈ ગર્વનર સંજય મલ્હોત્રા (RBI Governor Sanjay Malhotra) કહે છે કે, બેંક 100 રૂપિયા પ્રતિ ડૉલર બચાવવા માટે લડી નથી રહી. જો જરૂર પડશે તો વધારે ઉતાર-ચઢાવને રોકવા માટે દખલગીરી કરશે. નાના-મોટો ઘટાડો-વધારો RBI માટે સામાન્ય છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2026માં ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે લગભગ 7 ટકા નબળો (ઘસાયો) છે.
તાજેતરમાં રૂપિયો ડોલર સામે ઘણો ઘટ્યો છે અને 100ની નજીક (Rupee falls near 100 against US dollar) પહોંચી ગયો છે. જો કે ગવર્નર કહે છે કે, બજારની તાકાતો જ નક્કી કરે છે કે રૂપિયાની સાચી કિંમત કેટલી હોવી જોઈએ. આ ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની વધતી માંગ છે. વિદેશી રોકાણકારો પૈસા ખેંચી રહ્યા છે અને ક્રૂડ ઑઈલ અને ગેસ જેવા આયાત મોંઘા થઈ રહ્યાં છે. RBIના ગવર્નરે મિન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં આ અંગે માહિતી આપતા કહ્યું કે, તાજેતરના ઘટાડા પછી રૂપિયો નૉમિનલ અને રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ બંને રીતે ઓછી કિંમતવાળો થઈ ગયો છે. હવે રૂપિયો પહેલાં કરતા સસ્તો થઈ ગયો છે. અગાઉ કેટલાક લોકો માનતા હતા કે રૂપિયો મોંઘો છે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સ્થિતિ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર પણ હોઈ શકે છે. સસ્તો રૂપિયો નિકાસને પ્રોત્સાહન આપી શકે (cheap rupee could boost exports) છે. વિદેશી માલ મોંઘો પડવાથી સ્થાનિક ઉત્પાદકોને તેનો ફાયદો થશે, પરંતુ આયાત પર આધારિત કંપનીઓને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.








