Vande Bharat train pelted with stones again : દેશની પ્રીમિયમ અને હાઈ-સ્પીડ ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર થતા પથ્થરમારાની ઘટનાઓએ મુસાફરોની સાથે સાથે રેલવે પોલીસની ચિંતામાં વધારો કર્યો છે. મુંબઈથી અમદાવાદ, ગાંધીનગર અને ઉદયપુર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. અસામાજિક તત્વો વંદે ભારત ટ્રેનને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. છેલ્લાં 4 મહિનામાં દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસ પથ્થરમારાની ત્રણ ઘટના ઘટી છે. જે પૈકી એક કેસમાં જ રેલવે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શક્યા છે. ગત 8 નવેમ્બરના અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.
17 નવેમ્બર મંગળવારની સાંજે ગાંધીનગરથી મુંબઈ તરફ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) સુરત નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણકારી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીએ આપી હતી. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ની ટીમ ટ્રેનના C4 કોચમાં પહોંચી ત્યારે વિન્ડોની બહારનો કાચ તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જો કે, અંદરનો કાચ સલામત રહ્યો હતો. આ મામલે ઉધના રેલવે પોલીસે (Udhna Railway Police) અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ (Anandiben Patel) 25 ઓગસ્ટના રોજ મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે કોચ નંબર C6 અને C10ના કાચ પથ્થરમારામાં તૂટ્યા હતા. ગત 23 ઓક્ટોબરના રોજ ઉદયપુરથી સુરત જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર ઉતરાણ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે થયેલા પથ્થરમારામાં C6 કોચ અને પેન્ટ્રી કારના કાચ તૂટ્યા હતા. આ કેસમાં રેલવે પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણ યુવકની ધરપકડ કરી હતી.








