GSRTC set a record in revenue and seat bookings in a single day : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ રેકોર્ડ બનાવ્યો છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સાથે GSRTC એ સળંગ 7મા વર્ષે આ સિદ્ધિ જાળવી રાખી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ ST ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંતર્ગત 11 નવેમ્બરે ભાઈ બીજના દિવસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ દિવસે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટોનું બુકિંગ થયું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ ઉપરાંત માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99,402 સીટોનું બુકિંગ નોંધાયું છે.
ડિજિટલ બુકિંગની સાથે-સાથે આવકના મામલે પણ GSRTC એ નવી સિદ્ધિ સર કરી છે. આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ રૂ. 3.55 કરોડની ડિજિટલ આવક થઈ છે. આ આવકમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ. 2.27 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જ્યારે એક જ દિવસની કુલ આવક 13 કરોડ રૂપિયાથી વધુ થઈ છે.








