નવજીવન ન્યૂઝ. વડોદરા: દેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ, એલજીપી ગેસ સહિત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાંધણ ગેસ તો 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે. મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે હવે લોકો પણ મોંઘવારીથી ત્રાસીને નેતાઓને સવાલ પૂછવાની હિમ્મત બતાવી રહ્યા છે. ગઈ કાલે વડોદરામાં યોજાયેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના કાર્યક્રમમાં એક વૃદ્ધએ જાહેરમાં જ એવું કઈક કહી દીધું કે તરત જ તેની પાસેથી માઇક લઈ લેવામાં આવ્યું.
વડોદરાના પાદરાથી ભાજપે શરૂ કરેલા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે પાદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ઉપરાંત સંગઠનના પદાધીકારીઓ, ધારાસભ્યો, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કરી કાર્યકર્તાઓની ફરિયાદી કે સુચનો સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એક વૃદ્ધએ માઇક લઈને સીધો સી.આર.પાટિલને સવાલ કરી દીધો હતો કે, રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? તમારે પ્રજાનું નહીં વિચારવાનું. મને જવાબ આપો. વૃદ્ધના આ સવાલથી કાર્યક્રમમાં હાજર કેટલાક લોકોએ તેમને તાળીઓના ગળગળાટથી તેમની હિંમતને દાદ આપી હતી. પરંતુ જેવો જ સવાલ પૂછાતા 14 સેકેન્ડમાં જ તેમના હાથમાંથી માઇક લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે અહી સવાલ થાય કે શું સામાન્ય જનતાને કોઈ સવાલ પૂછવાનો અધિકાર છે કે નહીં..? વૃદ્ધના સવાલથી સી.આર.પાટિલ પણ એક ક્ષણ વિચારમાં પડી ગયા હતા. ઉપરાંત સ્ટેજ પર બેઠેલા નેતાઓના પણ મો સિવાઇ ગયા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ વિવિધ કાર્યક્રમો યોજી પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હવે જનતા પણ જાણી ગઈ છે કે હવે ચૂંટણી નજીક આવી હોવાથી આવા વિવિધ કાર્યક્રમો યોજાતા રહેવાના છે. જો કે હવે આવા કાર્યક્રમમાં નેતાઓને પણ પ્રજાના પ્રશ્ન માટે તૈયારી રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
વડોદરા: સી.આર.પાટીલના કાર્યક્રમમાં વૃદ્ધનો સવાલ "ગેસના ભાવ 1 હજાર કેમ, તમારે પ્રજાનું નહીં વિચારવાનું જવાબ આપો" કહેતા જ માઇક લઇ લેવાયું #vadodara #padra #gujaratbjp #crpatil pic.twitter.com/8j3bbZBiMl
— Navajivan News (@NavajivanNews) May 26, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











