નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદર ખાતે બિપોરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) પગલે 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. જેના પગલે નવાબંદર મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત મુકી દેવાયો છે. ઉપરાંત આ વિસ્તારના દરિયા કિનારા પર નહીં જવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. સાથે જ દરિયાકાંઠે વસતા કેટલાક પરિવારોને પણ સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ સ્થળ પર દરિયાકાંઠે આવેલી પ્રોટેક્શન વોલ તૂટેલી હોવાના કારણે દરિયાનું પાણી ગામ તરફ ઘુસતું હોય તેવું જણાય રહ્યું છે. સ્થાનિકો જણાવે છે આ પ્રોટેક્શન વોલ તૌક્તે વાવાઝોડા (Cyclone Tauktae) સમયે જ તૂટી પડી હતી પરંતુ તેનું સમારકામ આજસુધી નહીં થતા બિપોરજોય વાવાઝોડા સમયે દરિયાના પાણી ગામમાં ઘુસે તેવી સ્થિતી જોવા મળી રહી છે.

મળતી વિગતો અનુસાર આજે સવારના સમયથી જ બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. ત્યારે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ખાતે તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે. જે લાપરવાહીના કારણે દરિયામાં ઉછળતા વિશાળ મોજાના પાણી ગામ તરફ આવતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતી પેદા થવાનું કારણ ગ્રામજનો જણાવે છે કે દરિયાકાંઠે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. પરંતુ તૌક્તે વાવાઝોડા સમયે તેમાંનો કેટલાોક હિસ્સો તૂટી ગયો હતો. પરંતુ તંત્ર દ્વારા બેદરકારી ભર્યું વલણ રાખી તેનું સમારકામ આજસુધી કરાવવામાં નથી આવ્યું. પરિણામે કાંઠા વિસ્તારથી આગળ સુધી દરિયાના મોજા પહોંચવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તૌક્તે વાવાઝોડાના બે-બે વર્ષ બાદ પણ પ્રોટેક્શન વોલનું સમારકામ તંત્ર દ્વારા કરાવી શકાયું નથી. જેના પરિણામે આજે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળતા દરિયાના પાણી ગામ તરફ ગતિ કરતા જોવા મળ્યા છે. હાલ આ વિસ્તારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને દરિયાકાંઠે કોઈ પણ વ્યક્તિને નહીં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
(ઈનપુટ: ધર્મેશ જેઠવા)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








