Delhi hotel fire: નવી દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં આવેલા હૌજરાની વિસ્તારમાં સ્થિત ફ્લોરિશ ઇન હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આગની આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, આગ લાગ્યા બાદ ફાયર વિભાગે હોટલમાંથી કુલ 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શરૂઆતમાં આગ લાગવાની જાણ દક્ષિણ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનું કહીને કરવામાં આવી હતી. સવારે આશરે 9:45 વાગ્યે ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હૌજરાનીની સાંકડી ગલીઓમાં આવેલી આ પાંચ માળની હોટલમાં આશરે 25 રૂમ હતા, જેમાં 50થી વધુ લોકો રોકાયા હતા. હોટલના બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટ પણ કાર્યરત હતું. હોટલમાં રોકાયેલા લોકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા, જે સારવાર માટે દિલ્હી આવ્યા હતા.
અહેવાલો મુજબ આગ લાગી ત્યારે હોટલમાં રોકાયેલા મોટાભાગના લોકો ઊંઘમાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યુ પામનારાઓમાં હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનો અને અટેન્ડન્ટ્સનો પણ સમાવેશ થાય છે.
હોટલના રેસ્ટોરન્ટમાં કામ કરતા શેફ કેસર સિંહે જણાવ્યું હતું કે સવારે આશરે 8 વાગ્યે તેઓ ઇલેક્ટ્રિક ચૂલો શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ત્યારબાદ તેમને જાણ થઈ હતી કે આગ પહેલેથી જ હોટલમાં ફેલાઈ ચૂકી હતી. તેમણે તાત્કાલિક પોતાના સહકર્મચારીઓને જાણ કરી હતી અને કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં હોટલના અનેક ભાગોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાને પગલે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર રીતે મૃતકોની ઓળખ અને આગ પાછળના ચોક્કસ કારણ અંગેની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.








