પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. સુરત):સુરતમાં એક પછી એક હત્યાની ઘટના ઘટી રહી છે, તેના કારણે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી થઈ રહી છે કારણે હર્ષ સંઘવી સુરતના છે. તેવી જ રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુરતના પોલીસ કમિશનર અજય તોમર સહિત તેમની ટીમ નિષ્ફળ જઈ રહી છે તેવો આરોપ પણ થઈ રહ્યો છે. આ કઈ પહેલી ઘટના નથી હમણાં સુધી આવેલી અનેક સરકારો અને પોલીસ અધિકારીઓ આવી સ્થિતિમાં આરોપોનો ભોગ બન્યા છે, પણ જયારે આરોપો થાય ત્યારે વાસ્તવીકતા ચકાસવાની કોઈ પરવા કરતુ નથી. હું માનુ છુ કે પોલીસ ધારે તો પણ હત્યા સહિતના અનેક ગુના એવા છે કે પોલીસ અટકાવી શકે જ નહીં.
(1) ગુજરાતની વસ્તી છ કરોડની પાર થવા આવી છે, જેની સામે ગુજરાત પોલીસના સંખ્યાબળમાં વધારો થયો નથી. આપણે સરકાર ભલે દાવો કરતી હોય કે તેઓ મોટી સંખ્યામાં પોલીસમાં ભરતી કરી રહ્યા છે, પણ આંકડા ઉપર નજર કરીએ તો હાલમાં ગુજરાત પોલીસનું મંજુર મહેકમ 1.30 લાખનું છે, પણ વાસ્તવમાં હાજર પોલીસની સંખ્યા 95 હજારની છે. આમ હાલમાં 35 હજાર પોલીસની ઘટ છે. આપણે ત્યાં ત્રણ ચાર વર્ષે 25થી30 હજાર જવાનોની ભરતી થાય છે તેની સામે દર વર્ષે 10 હજાર પોલીસવાળા નિવૃત્ત થાય છે, જેના કારણે જે ઘટ છે તે યથાવત રહે છે. એટલે જયારે ત્રીસ હજારની ભરતી થાય તેની સામે 30થી40 હજાર નિવૃત્ત થઈ ગયા હોય છે.
(2) માની લઈએ કે આવતીકાલે કોઈ ચમત્કાર થાય અને પોલીસની તમામ ખાલી જગ્યાઓ ભરાઈ જાય તો પણ દરેક માણસની સલામતી માટે એક એક પોલીસવાળો રાખી શકાય તેવી સ્થિતિ કયારેય નિર્માણ થવાની નથી કારણ આપણી વસ્તી અને પોલીસની સંખ્યા પ્રમાણે હાલમાં 600 માણસે એક પોલીસ જવાન છે. તેવા સંજોગોમાં એક વ્યકિતની સલામતી માટે પોલીસ રાખી શકાય તેવી સ્થિતિ નથી.
(3) હત્યા કરનાર- લુંટ કરનાર અથવા અન્ય ગુનો આચરનાર પોલીસને અગાઉથી જાણ કરી હત્યા કે લુંટ કરતો નથી એટલે આવી કોઈ ઘટના ઘટે ત્યારે પોલીસ ત્યાં હાજર જ હશે તેવુ બનવાનું નથી. સુરતનું જ ઉદાહરણ લઈએ તો સુરતમાં જેટલી હત્યા થઈ તેની આગોતરી જાણકારી જો સુરત પોલીસને હોત તો ચોક્કસ પોલીસ અને ગૃહમંત્રીની જવાબદારી નક્કી થતી કે તેમને ખબર હતી કે હત્યા થવાની હતી છતાં તેઓ હત્યાના બનાવને અટકાવી શકયા નહીં. આવા સંજોગોમાં માત્ર મંત્રી અને પોલીસ ઉપર આરોપ લગાવી દેવો સહેલો છે.
(4) માની લઈ કે મંત્રી અને પોલીસની બેદરકારીને કારણે જ હત્યા થઈ રહી છે, જો સુરતની ગ્રીષ્માની હત્યા વખતે ત્યાં અનેક માણસો ઉભા હતા, પણ હત્યા કરનારના હાથમાં ચાકુ હોવાને કારણે કોઈ તેને બચાવવાની હિંમત કરી નહીં, આમ ખુલે આમ થયેલી હત્યા માટે ત્યાં હાજર લોકોને આપણે જવાબદાર માનવા પડે પણ આપણે તેવુ કરતા નથી.
(5) કોઈ પણ ગુનાને સ્થળ, કાળ અને સ્થિતિ સાથે સંબંધ હોય છે. કચ્છ પોલીસ એવો દાવો કરી શકે નહીં કે કચ્છના રણમાં એક પણ હત્યા થઈ નથી કારણ રણમાં માણસ જ રહેતો નથી તો હત્યા થાય કેવી રીતે? આમ સ્થળ અગત્યનું હોય છે, સુરતની સ્થિતિ રાજ્યના બીજા ભાગ કરતા અલગ છે. સુરત ગુજરાતનું મુંબઈ છે, જેના કારણે કામ ધંધા માટે બીહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં ગરીબ મજુરો આવે છે, તેમના માટે નાની રકમ પણ બહુ મોટી હોય છે એટલે સામાન્ય તકરાર પણ મોટી બની જાય અને હત્યા થઈ જાય છે. આવુ જ અમદાવાદના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં પણ બને છે થોડા દિવસ પહેલા અમરાઈવાડીમાં ગેસ સીલેન્ડર જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ હતી.
(6) તેવી જ રીતે કાળ પણ અગત્યનો છે, ગુજરાતમાં કોરોનાનો બીજો તબ્બકો આવ્યો ત્યારે મોટો સમય લોકડાઉનનો હતો જેના કારણે વાહનોની અવરજવર બંધ હતી એટલે અકસ્તામ થતાં જ ન્હોતા, તો કોઈ પણ પોલીસ તેવો દાવો કરી શકે નહીં કે અમારા કારણે અકસ્માત બંધ થઈ ગયા છે. અકસ્માત ન્હોતા થતાં તેની પાછળ કાળ અને સ્થિતિ કારણભુત હતી. ઉત્તર ગુજરાતમાં આંગડીયા લુંટ એટલા માટે થાય છે આંગડીયાનું હબ છે.
(7) પોલીસને આપણે ત્યારે જવાબદાર માની શકીએ કે જ્યારે લુંટ-અપહરણ અને હત્યા જેવી ઘટના ઘટે ત્યાર બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકે નહીં તેવા સંજોગોમાં ચોક્કસ પોલીસ અને રાજ્યની જવાબદારી છે પણ હમણાં સુધી થયેલી હત્યાના આરોપી પોલીસે પકડી લીધા છે.
(8) અમદાવાદમાં એક એવો સમય હતો કે લતીફ ગેંગનું સામ્રરાજ્ય ઉભુ થયુ હતું. પોલીસ દરિયાપુરમાં પ્રવેશ કરી શકતી ન્હોતી અને લતીફની ગેંગ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરી રહી હતી. આ સ્થિતિમાં રાજ્ય સરકાર અને પોલીસ બંન્ને નિષ્ફળ ગઈ હતી, પણ ગુજરાતના ગૃહમંત્રી તરીકે સી ડી પટેલ આવ્યા પછી ગુજરાત પોલીસને લીલી ઝંડી મળી અને લતીફને પોલીસની તાકાત ખબર પડી.
(9) હાલની સ્થિતિ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગ રહી નથી. પોલીસનો ભ્રષ્ટ અધિકારી પણ પોતાના તાબાના વિસ્તારમાં હત્યા-લુંટ અને અપહરણ થાય તેવુ ઈચ્છે નહીં અને ભ્રષ્ટ હોવા છતાં તેને પોતાના વિસ્તારની શાંતિ જળવાઈ રહે તે માટે કામ કરવુ જ પડે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












