Ahmedabad Plane crash case: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના (Ahmedabad Plane crash)ના 412 દિવસ બાદ કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે એર ઈન્ડિયા (Air India)ના બોઇંગ ડ્રીમલાઈનર (Boeing Dreamliner) વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ (Fuel Control Switch)માં કોઈ ખામી મળી નથી. બીજી તરફ, કેપ્ટન સુમિત સભરવાલ (Sumit Sabharwal)ના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં થયેલી સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસ, અંતિમ રિપોર્ટમાં વિલંબ અને રેમ એર ટર્બાઈન (Ram Air Turbine – RAT) સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
સિવિલ એવિએશન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે (Murlidhar Mohol)એ લોકસભામાં જણાવ્યું હતું કે વિમાન કંપની દ્વારા કરવામાં આવેલા એડવાન્સ ટેસ્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમમાં કોઈ ખામી મળી નથી. જોકે થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલ (Thrust Control Module)ની તપાસ હજુ પણ ચાલુ છે. આ મોડ્યુલ પાયલટના ઇનપુટને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવી એન્જિનના થ્રસ્ટને નિયંત્રિત કરે છે.
સરકારના આ નિવેદન બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (Aircraft Accident Investigation Bureau – AAIB)ના પ્રાથમિક રિપોર્ટને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. AAIBએ જાહેર કરેલા પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે ટેકઓફ બાદ થોડા જ સમયમાં બંને ફ્યુઅલ કટ-ઓફ સ્વિચ કટ-ઓફ સ્થિતિમાં પહોંચી ગયા હતા, જેના કારણે બંને એન્જિનમાં ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો અને થ્રસ્ટ ઝડપથી ઘટ્યો હતો. કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાયલટને ફ્યુઅલ સ્વિચ બદલવા અંગે પૂછતો સંભળાય છે, જ્યારે બીજો પાયલટ જવાબ આપે છે કે તેણે સ્વિચ બદલી નથી. ત્યારથી ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ, તે મુદ્દે સવાલો ઊભા થયા છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કેપ્ટન સુમિત સભરવાલના પિતા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ (Federation of Indian Pilots) તરફથી વકીલ ગોપાલ શંકર નારાયણન (Gopal Shankar Narayanan)એ દલીલ કરી હતી કે ફ્લાઇટના રેકોર્ડમાં કેટલીક વિસંગતતાઓ છે. તેમણે જણાવ્યું કે વિમાન ગ્રાઉન્ડ પર હતું ત્યારે જ રેમ એર ટર્બાઈન બહાર લટકતી જોવા મળી હતી, જે તેમના મતે ટેકઓફ પહેલાંની ચેતવણી સમાન હતી. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાની એક સંસ્થાએ આ ઘટનાને લઈને 10 સિમ્યુલેશન ટેસ્ટ કર્યા છે અને ભારતમાં પણ વધુ સિમ્યુલેશન ટેસ્ટ થવા જોઈએ.
તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta)એ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation – DGCA), AAIB અને અન્ય તપાસ એજન્સીઓ મળીને ચારથી વધુ સિમ્યુલેશન ટેસ્ટ કરી ચૂકી છે અને તે તમામ રેકોર્ડ પર ઉપલબ્ધ છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલા બાગચી (Justice Joymalya Bagchi)એ જણાવ્યું કે અમેરિકાની સંસ્થાએ કરેલા સિમ્યુલેશન ટેસ્ટનો અભ્યાસ AAIBએ કરવો જોઈએ અને તે યોગ્ય છે કે નહીં તે અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ.
અંતિમ રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ અંગે અરજીકર્તા પક્ષના વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)એ કોર્ટમાં દલીલ કરી હતી કે જાન્યુઆરી 2026માં AAIBએ ત્રણ અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ રજૂ કરવાની વાત કરી હતી, પરંતુ જુલાઈ સુધી પણ રિપોર્ટ રજૂ થયો નથી.
અહેવાલ મુજબ હવે સુપ્રીમ કોર્ટમાં સમયમર્યાદા રજૂ કરવામાં આવી છે અને AAIB ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં અંતિમ રિપોર્ટ રજૂ કરી શકે છે. આ મામલે આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થવાની છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની માંગ છે કે અંતિમ રિપોર્ટ ભલે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે, પરંતુ તેના તારણો જાહેર થવા જોઈએ.








