Jantar Mantar Student Protest: જંતર-મંતર (Jantar Mantar) પર પેપર લીક (Paper Leak) મુદ્દે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ફરી એકવાર સરકારને ચેતવણી આપી છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકા (Ashutosh Ranka)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે સરકારે સમજૂતી મુજબના મુદ્દાઓ પર હજુ સુધી કાર્યવાહી કરી નથી. તેમણે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda) અને જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)ને ટેગ કરીને આ અંગે સ્પષ્ટતા માગી છે. બીજી બાજુ ઘણા સ્થાનો પર વિદ્યાર્થીઓ સામે વિવિધ રુપે કાર્યવાહી કરવામાં આવતી હોવાની બાબતો સામે આવવા લાગી છે. જોકે આ બાબતો અંગે નેતાઓએ પોતાના મંતવ્યો મુક્યા છે જેને લઈને ફરી વાત એ જ ઊભી થાય છે કે શું સરકારે કોક્રોચોને મુર્ખ બનવ્યા? શું તેમણે આંદોલન આટોપી લેવામાં ઉતાવળ કરી? શું તેમને માત્ર આશ્વાસનની લોલીપોપ આપી દેવાઈ? કે પછી સરકાર પોતે કરેલા વાયદાઓ પર કામ કરવા માટે સમય માગી રહી છે? ઘણા સવાલો ઊભા થયા છે.
આશુતોષ રાંકાના જણાવ્યા મુજબ, સરકાર સાથે થયેલી સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમ છતાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓની અટકાયત થઈ હોવાનો તેમજ દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી હોવાના અને કથિત હેરાનગતિના આરોપ તેમણે લગાવ્યા છે.
તેમણે માંગ કરી છે કે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને ભવિષ્યમાં પણ આ આંદોલન સાથે જોડાયેલા કોઈપણ વિદ્યાર્થી સામે નવા કેસ નોંધવામાં ન આવે. તેમણે સરકારને આવતીકાલ સુધીમાં આ મુદ્દે સ્પષ્ટ માહિતી આપવા પણ કહ્યું છે કે ભારત સરકાર આ અંગે ક્યારે અને શું કાર્યવાહી કરશે.
CJPએ ચેતવણી આપી છે કે જો કેસ પાછા નહીં ખેંચવામાં આવે અને પોલીસ કાર્યવાહી ચાલુ રહેશે તો તેઓ ફરીથી જંતર-મંતર પર ધરણા શરૂ કરવા માટે મજબૂર બનશે.
ઉલ્લેખનીય છે કે 25 જુલાઈએ સરકાર અને CJP વચ્ચે સમજૂતી થયા બાદ આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ રાજીનામું આપ્યું હતું અને સરકાર તરફથી વિદ્યાર્થીઓ સામે નવા કેસ નહીં થાય તેમજ અગાઉ નોંધાયેલા કેસ પાછા ખેંચવાની વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા.
CJPએ આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પોતાની માંગ પુનરાવર્તિત કરી હતી. આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની વાતચીત દરમિયાન તમામ કેસ પાછા ખેંચવા અને નવા કેસ નોંધવામાં નહીં આવે તે અંગે સહમતિ થઈ હતી. આ અંગે સરકારને લેખિત ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો અને બુધવાર સુધીમાં લેખિત સમજૂતીની નકલ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.








