અત્યારે એક ઔંસ સોનાના ભાવથી ૮૮ ઔંસ ચાંદી ખરીદી શકાય છે
જાન્યુઆરીમાં ૧૦ ટકા કરતા વધુની વૃદ્ધિ સાથે ચાંદી નવા ઐતિહાસિક ભાવ કંડારવા તરફ અગ્રેસર
જો સોનાના ભાવ ૩૦૦૦ કે ૩૩૦૦ ડોલર થાય તો તે સંયોગમાં ચાંદીના ભાવ ૪૨ કે ૪૭ ડોલર થવા જોઈએ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચાંદીના (Silver) વર્તમાન ભાવ એપ્રિલ ૨૦૧૧ની ૪૯.૫૪ ડોલર ઓલ ટાઈમ હાઈથી ભલે દુર હોય, પણ જાન્યુઆરીમાં ૧૦ ટકા કરતા વધુની વૃદ્ધિ સાથે નવા ઐતિહાસિક ભાવ કંડારવા તરફ અગ્રેસર છે. સોમવારે ચાંદીના હાજર ભાવ ઓક્ટોબર ૨૦૧૨ પછીની નવી ઉંચાઈએ ૩૨.૪૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાયા, ભાવ હવે ૩૫ ડોલરના રેસીસ્ટન્ટ પાર કરવાનાં સ્ટેજ ઉપર સવાર થઇ ગયા છે. ચાંદીના ભાવની વર્તમાન સરેરાશ ૧૯૭૨ને આંબી ગઈ છે. ભાવનો મજબુત સપોર્ટ (વધુમાં વધુ ઘટાડો) ૨૯ ડોલર જોઈ શકાય. કીમતી ધાતુનો પ્રાગેતીહાસિક રાજા સોનું જાન્યુઆરીમાં ૭ ટકા કરતા વધુ વધ્યું હતું. સોમવારે હાજર ભાવ ઓલ ટાઈમ હાઈ ૨૮૯૨.૭૨ ડોલર બોલ્યો હતો. આથી જો તમે રોકાણકાર હોવ તો શેરબજારની ચાલ સામે સોના (Gold) ચાંદી કઈ રીતે વધે ઘટે છે તે પણ અચૂક જોવું જોઈએ.
જો ચાંદીના તેજીના ચાર્ટનો સમાંતર અભ્યાસ કરીએ તો સરેરાશ વૃદ્ધિ કરતા ખુબ ધીમીગતિએ ભાવ વધારો થઇ રહ્યો છે, ભાવની વર્તમાન ગતિ સૂચવે છે કે ૫૦ ડોલરનો ભાવ વટાવતા તેને ૧૩ મહિનાનો સમય લાગશે. રસપ્રદ વાત તો એ છે કે, ૨૦૧૧મા ૫૦ ડોલરના ભાવને ટચ કરવા તેજીમંદીની ચાર સાયકલની આવશ્યકતા રહી હતી. ૩૮ ડોલરને વટાવવા સરેરાશ ૪ મહિના લાગ્યા હતા. અને ૪૫ ડોલર વટાવતા ૧૦ મહિનાનો સમય લાગ્યો હતો. જો શેરબજાર અને ક્રીપ્તોકરન્સી બજારમાંથી નીકળેલા નાણા સોના અને ચાંદીમાં આવશે તો, ભાવ વૃદ્ધિના લક્ષ્યાંક એકદમ ઝડપી બની જશે.
બુલિયન બજારની એક પેઢીએ આગાહી કરતા કહ્યું કે આ વર્ષે સોનાના ભાવ વેગથી વધીને ૩૩૦૦ ડોલરની સપાટી કુદાવી જશે, આથી રોકાણકારોએ અન્ય બુલિયન મેટલ તરફ પણ ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે. બુટીક પ્રેસીયસ મેટલના એનાલીસ્ટ એરિક સ્ટ્રાન્ડ કહે છે કે સોનું ૨૦૨૫મા ખુબ ઉંચે જવાની શક્યતા છતાં અમારું માનવું છે કે સોના કરતા ચાંદીનો વૃદ્ધિદર વેગવાન રહેશે. તેમણે ચાંદીમાં કરેલી તેજીની આગાહીમાં કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૫૦ ડોલર પ્રતિ ઔંસની ૨૦૧૧ની ઐતિહાસિક ઊંચાઈ વટાવી જશે. ચાંદીએ ૩૨ ડોલરનો સપોર્ટ લેવલ વટાવી દીધો હોવાથી, એરિક સ્ટ્રાન્ડ આવી આગાહી નજીક પહોચ્યા હતા. બરાબર આ જ સમયે સોનાના ભાવ સોમવારે ૨૮૯૨ ડોલર ઐતિહાસિક સપાટી ટચ કરી ત્યારે, સોનાની સહોદર ધાતુ ચાંદી તેના પડછાયામાંથી બહાર નીકળી જવાના પ્રયાસ કરશે. ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદી અથવા સોનાનાં ભાવ ભાગ્યા ચાંદીના ભાવ) એક વર્ષની ઊંચાઈએથી સહેજ પાછો ફરી સોમવારે ૧:૮૮.૭૫ની ઉંચી સપાટીએ મુકાયો હતો. આ રેશિયોની લાંબાગાળાની સરેરાશ લગભગ ૧:૬૦ની છે.
વર્તમાન ગોલ્ડ સિલ્વર રેશિયો ૧:૮૮.૭૫ ખુબજ ઉંચો હોવાથી ચાંદીમાં રોકાણ માટે આકર્ષણ પેદા કરે છે. એરિક સ્ટ્રાન્ડ કહે છે કે ૨૦૨૫નો અમારો રેશિયો લક્ષ્યાંક ૧:૭૦નો છે, ત્યાર પછી તબક્કાવાર ઘટીને ૧:૫૦ અને ત્યાર પછી કેટલાંક વર્ષો બાદ ૧:૩૦ રેશિયો થઇ શકે છે. જો સોનાના ભાવ ૩૦૦૦ કે ૩૩૦૦ ડોલર થાય તો તે સંયોગમાં ચાંદીના ભાવ ૪૨ કે ૪૭ ડોલર થવા જોઈએ, જે વાર્ષિક અનુક્રમે ૪૫ અને ૬૨ ટકા જેટલો નફો આપી શકે છે.
એનાલિસ્ટો કહે છે કે ચાંદી આ વર્ષે ઔદ્યોગિક મેટલ અને કરન્સી બંને ભૂમિકા ભજવશે, તેથી અમે તેજી ધ્યાને જ ધંધો કરીશું. સંઘર્ષ કરી રહેલા જાગતિક અર્થતંત્રોને ટેકો પૂરો પાડવા અમેરિકાની આગેવાનીમાં સરકારી ખર્ચ ઘટાડવાના રહેશે, પરિણામે ચાંદીની નાણાકીય ભૂમિકા વધી જશે, તેથી તે ફુગાવા સામે રક્ષણ (હેજ) પણ પૂરું પડશે. જો ચાંદીનું ઔદ્યોગિક મુલ્ય જોઈએ તો સોલાર પેનલમાં માંગનું આકર્ષણ જળવાઈ રહેશે.
બરાબર આ જ સમયે ચાંદીની અનિશ્ચિત માંગ સામે ખાણ ઉત્પાદન કે સપ્લાય કદમ નથી મેળવી રહી. માંગની તુલનાએ કેટલાય વષોથી માંગની સામે પુરવઠા અછત જોતા, હવે સ્થિતિ એવી આવી છે કે જે ભાવને મોટાપાયે અસર કરશે. ચાંદીની ફીઝીકલ અછત ટૂંકાગાળામાં ભાવને ડબલ કરવાનો બજારમાં જુસ્સો પેદા કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796