પ્રશાંત દયાળ (શિવા. ભાગ-27): 15મી નવેમ્બર 2015નો દિવસ હતો, વડોદરા (Vadodara) દિવ્ય ભાસ્કરમાં મારો છેલ્લો દિવસ હતો. ભાસ્કર મૅનેજમેન્ટે મારો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો નહોતો. મારી પાસે બુલેટ હતુ. છેલ્લો દિવસ હોવાને કારણે મારું થોડું લગેજ હતું, તે બુલેટ ઉપર લોડ કર્યું હતું. મને મૂકવા માટે મારા કેટલાક સાથીઓ અને વડોદરા ભાસ્કરમાં પ્યૂન તરીકે કામ કરતો એક સાથી ઑફિસની નીચે આવ્યા હતા. અમારી વચ્ચે કોઈ સંવાદ નહોતો. ખબર નહીં કેમ! અચાનક અમે બધા વળગીને રડવા લાગ્યા. મને યાદ આવ્યું… જ્યારે હું વડોદરા આવ્યો ત્યારે રડ્યો હતો. આજે હું વડોદરા છોડી રહ્યો હતો ત્યારે પણ રડી રહ્યો હતો! કારણ, મને પ્રેમ કરનારા સાથીઓને છોડીને મારે જવાનું હતું. મારું બુલેટ હવે વડોદરા–અમદાવાદ નેશનલ હાઇ–વે ઉપર દોડી રહ્યું હતું, પણ બુલેટની ઝડપ કરતાં મારા વિચારો વધુ ઝડપે દોડી રહ્યા હતા. કારણ કે હવે અમદાવાદ (Ahmedabad)પહોંચી શું કરવું? તેની મને ખબર નહોતી. મારી પાસે હવે નોકરી જ નહોતી!
હું અમદાવાદ પહોંચી ગયો. મારો ચહેરો જોઈ શિવાનીએ (Shivani Dayal)તરત કહ્યું, “લો! ફરી વિચારોનું ટોળું તમને ઘેરીને બેઠું.”
હું હસ્યો. કંઈ બોલ્યો નહીં. તે મારી પાસે આવીને બેઠી; તેણે મારો હાથ પકડતાં કહ્યું, “જરા પણ ચિંતા કરવાની નહીં. મને પ્રશાંત ઉપર પૂરો ભરોસો છે. તેને ચોક્કસ કામ મળશે.”
ખબર નહીં, મારો ભરોસો અંદરથી ધ્રુજી ગયો હતો પણ શિવાનીના ભરોસાની કાંગરી પણ ખરી નહોતી! હવે રોજ સવાર પડે હું કામની શોધમાં નીકળી પડતો હતો. સાંજે ઘરે પહોંચું ત્યારે શિવાની મારો ચહેરો જોતી. તે મને કોઈ સવાલ પુછતી નહીં, પણ તે સમજી શકતી હતી કે મારી અંદર શું ચાલી રહ્યું છે? આમ કરતાં કરતાં મહિનો–બે મહિના થઈ ગયા, પણ ક્યાંયથી કામ મળે તેવો આસાર નહોતો મળી રહ્યો. આ દરમિયાન એક–બે વખત મારા ફૉટોગ્રાફર મિત્ર અને નવજીવન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને મળવાનું થયું. તે મારી પરિસ્થિતિથી વાકેફ હતો. 2003માં દિવ્ય ભાસ્કર અમદાવાદની શરૂઆત થઈ, ત્યારે હું અને વિવેક સાથે કામ કરતા હતા. વિવેકે મને કહ્યું, “જો તું ઇચ્છે તો નવજીવન ટ્રસ્ટમાં જોડાઈ શકે છે.”
મેં હા પાડી, પણ મારું મન મને કહી રહ્યું હતું— અરે પ્રશાંત! ગાંધીની સંસ્થામાં તું શું કરીશ? કારણ કે તારે અને ગાંધીને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. આમ નવજીવન ટ્રસ્ટમાં જોડાવવાના વિચારને મેં કોઈ દિવસ ગંભીરતાથી લીધો જ નહીં. બીજી તરફ મને કોઈ કામ આપવા તૈયાર નહોતું. કારણ સ્પષ્ટ હતું, માલિક સામે લડે તેવો પત્રકાર કોઈ અખબારને પરવડે તેમ નહોતો. મારો અભિયાનનો સાથી ઉર્વીશ કોઠારી— શિવાની પછી જે વાતો મારા બહુ ઓછા મિત્રોને ખબર હોય તે પૈકી એક ઉર્વીશ કોઠારી હતો. આમ તો અમારા સ્વભાવ અને પ્રકૃતિમાં ખૂબ વિરોધાભાસ છતાં અમારી મિત્રતા વર્ષોથી અકબંધ રહી છે. ઉર્વીશ પણ મારી પરિસ્થિતિથી વાકેફ હતો. એક દિવસ તે મને મળી ગયો. તેણે મને સવાલ કર્યો, “વિવેક તને નવજીવનમાં કામ આપવા તૈયાર છે; તો તું કેમ ના પાડે છે?”
હું હસ્યો અને પેટ છૂટી વાત કરતાં કહ્યું, “ભાઈ! મારે અને ગાંધીજીને શું લેવા દેવા?”
તેણે મને તરત રોકતાં કહ્યું, “ના, લેવાદેવા છે! તારી અંદર બીજા કરતાં વધુ મજબુતીથી ગાંધી બેઠો છે અને તે જે કંઈ કામ લોકો માટે કર્યાં છે; તે ગાંધીનું જ કામ છે.”
મને કંઈ સમજાયું નહીં. તેણે ફોડ પાડતાં કહ્યું, “ગાંધીજી આઝાદીની લડાઈ ન લડ્યા હોત તો તેમની પાસે ભરપૂર પૈસા હતા. તેમને કોઈ ફેર પડતો નહોતો છતાં તે બીજા માટે લડ્યા. તે પણ મજેઠિયાના મુદ્દે જે કંઈ કર્યું; તે ક્યાં તારી લડાઈ હતી? તું પણ બીજા માટે જ લડ્યો હતો. આમ આ પ્રકારે તે ઘણા કામ ગાંધીના રસ્તે પાર કર્યા છે.”
આખરે ઉર્વીશ મને નવજીવન સાથે જોડાઈ જવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યો હતો. જૂન 2016થી હું ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બન્યો. હું જોડાયો ત્યારે વિવેકે મને કહ્યું, “જો, મને ખબર છે, તું પત્રકાર જીવ છે. તને લખ્યા વગર અને લોકો માટે લડ્યા વગર ચાલશે નહીં. એટલે તું તારું પત્રકારત્વ ચાલું રાખે તેની સામે મને કોઈ વાંધો નથી.”
આમ વડોદરા ભાસ્કરની નોકરી છૂટી તેના આઠ મહિના સુધી મને કોઈએ નોકરી આપી નહીં. આ એક માનસિક પીડાનો સમય હતો, જે હવે પૂરો થયો. કારણ કે મને નવજીવન ટ્રસ્ટમાં કામ મળ્યું હતું. મને નવજીવન ટ્રસ્ટમાં કામ મળ્યું; તેના સમાચાર શિવાનીને આપ્યા ત્યારે તેણે ઘરમાં રહેલાં મંદિર તરફ ચહેરો ફેરવી, બે હાથ જોડી ઈશ્વરનો આભાર માન્યો. હું જીવનની પચાસીમાં પહોંચ્યો હતો. આખી જિંદગી ક્રાઇમ અને પોલિટિકલ રિપોર્ટિંગ કર્યા પછી હવે ગાંધી સંસ્થામાં કામ કરવું મારા માટે અઘરું તો હતું, પણ શિવાની ખુશ હતી. કારણ, નવજીવનમાં જોડાયા પછી હું સાંજે ઘરે વહેલો આવવા લાગ્યો હતો.
આ દરમિયાન મારી સાથે ભાસ્કરમાં કામ કરી ચુકેલો મારો મિત્ર અનિલ પુષ્પાંગદન મળે છે. અનિલ મૂળ કેરલિયન છે, પણ તેની ગુજરાતી ભાષા સાંભળી તમને ખબર પડે નહીં કે તે દક્ષિણ ભારતીય છે. અનિલ મને મળવા આવ્યો. તેણે કહ્યું, “મારા એક મિત્ર છે. તેમને ન્યૂઝ પોર્ટલ શરૂ કરવું છે. તમારે જ સંભાળવાનું છે. ચાલો, આપણે તેમને મળવા જઈએ.”
મારે પત્રકાર તરીકે તો કામ જોઈતું જ હતું એટલે હું અને અનિલ ગાંધીનગર જવા લાગ્યા. ન્યૂઝ પોર્ટલ શરૂ કરવા માટેની મીટિંગો શરૂ થઈ હતી. હવે શિવાનીની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી. તે થોડું કામ કરે એટલે થાકી જતી હતી. તેને બહાર જવાનું બહુ ગમતું હતું, પણ બહારથી આવ્યા પછી ત્રીજામાળે જતાં સીડીમાં તેને એક વખત તો પગથિયે બેસી જ જવું પડતું હતું. હવે તે ત્રણમાળ એક સાથે ચઢી શકતી નહોતી. મેં પત્રકાર કોલીનીમાં 2001માં ઘર લીધું ત્યારે તે ખૂબ ખુશ હતી. તેને આ મારું પોતાનું ઘર છે; તેનું બહુ અભિમાન હતું. આ ઘર બનાવવા માટે મેં કરેલી મહેનતની તે સાક્ષી રહી હતી. એક એક પૈસો ભેગો કરી મેં ઘર બનાવ્યું હતું. આ ઘરને તેણે સજાવ્યું હતું. મેં તો માત્ર દિવાલો બનાવી હતી, પણ તે દિવાલોને ઘર બનાવવાનું કામ શિવાનીએ કર્યું હતું. તેને આ ઘર સાથે બહુ લગાવ હતો, પણ ઘર ત્રીજા માળે હતું અને લિફ્ટની વ્યવસ્થા નહીં હોવાને કારણે તે કહેતી, “આપણી પાસે ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર હોય તો કેટલું સારું!”
હું તેને કહેતો, “કંઈ વાંધો નહીં. આ વેચી નીચેનું ઘર લઈશું.”
તે તરત કહેતી, “ના હોં! આ ઘર નહીં વેચવાનું. મને ખબર છે, આ ઘર બનાવવા માટે તમે કેટલી મહેનત કરી છે!”
હું કહેતો, “આ ઘર વેચીશું નહીં તો નીચેનું ઘર કેવી રીતે થશે?”
તેને પણ વાસ્તવિકતા તો ખબર જ હતી. પછી અમે જ્યારે પણ મોટર સાઇકલ લઈ બહાર નીકળીએ ત્યારે તે કહેતી, “ચાલોને નીચેનાં ઘરની તપાસ કરીએ.”
અમે નીચેનું ઘર જોવાં જતાં હતાં અને કેટલાંય નીચેનાં ઘર જોઈ નાખ્યાં, પણ તે અમારાં બજેટની બહારનાં હતાં. મારો ફ્લેટ વેચું તો 65-70 લાખ જ મળતા હતા. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર કરોડ–સવા કરોડથી શરૂ થતું હતું. આમ મને અને શિવાનીને ખબર પડી કે, ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર શક્ય નહીં બને. પણ શિવાનીની તબિયતને કારણે અમે નીચેનું ઘર શોધતાં હતાં. આમ કરતાં કરતાં એક વર્ષ ઘર શોધવામાં નીકળી ગયું. પણ ઈશ્વર પણ અલગ અલગ રીતે તમારી પાસે મદદ મોકલતો હોય છે! અને 2016ના અંત ભાગમાં મને વિવેક દેસાઈનો ફોન આવ્યો, “ઑફિસ આવજેને. એક કામ છે.”
હું વિવેકને મળવા તેની ઑફિસે પહોંચ્યો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








