પ્રશાંત દયાળ (શિવા. ભાગ-26): હવે મારું કાર્યક્ષેત્ર વડોદરા (Vadodara)થઈ ગયું હતું. ત્યાં એક નાનકડું ઘર ભાડે લીધું હતું. રવિવારે રજા હોય એટલે શનિવારે રાતે અમદાવાદ (Ahmedabad) આવી જતો અને સોમવારે વહેલી સવારે નીકળી પાછો વડોદરા પહોંચી જતો હતો. હું પહેલા દિવસે સાંજે વડોદરા પહોંચ્યો ત્યારે વડોદરા એડિશનના તંત્રી તરીકે મારો જ મિત્ર સ્તવન દેસાઈ હતો. તે હજી ઑફિસ આવ્યો નહોતો એટલે હું વેઇટિંગ એરિયામાં બેસી સ્તવનના આવવાની રાહ જોતો હતો. ત્યારે એક યુવાન મારી પાસે આવી સોફા ઉપર બેસે છે. મને જોતાં તેના ચહેરા પર ગજબની ખુશી હતી. તેણે મારી સાથે વાતની શરૂઆત કરતાં કહ્યું, “આવી ગયા કાકા?”
મને બધા જ પત્રકારો દાદા કહીને બોલાવે, આ છોકરાએ મને પહેલી વખત કાકા કહ્યું! મેં કહ્યું, “આવી ગયો.”
પણ તે મારા ચહેરા પરનો ભાવ જોઈ સમજી ગયો. તેણે તરત કહ્યું, “કાકા! હું પણ અમદાવાદનો છું. તમને હું અમદાવાદ મળ્યો હતો. મારું નામ ઉર્વીશ પટેલ છે.”
સવા પાંચ ફૂટની ઊંચાઈ, મધ્યમ કાઠી કદનો એ છોકરો હતો. વડોદરા ગયો અને મને કોઈએ આવકાર્યો હોય; તેવો આ પહેલો હતો. ઉર્વીશે મને તરત પુછ્યું, “એક વાત પૂછું?”
મેં તેની સામે જોયું. હું કંઈ જવાબ આપું તે પહેલાં જ તેણે મને પુછ્યું, “તમે વડોદરા કામ કરશોને?”
હું તેને જોઈ રહ્યો. મને ખબર ન પડી કે, તે કેમ આવો સવાલ પૂછે છે? પણ તરત વિચાર આવ્યો કે મજેઠિયાના સમાચારને લઈ કદાચ આ વાત પુછતો હશે. મેં તેના ખભા પર હાથ મુકતાં કહ્યું, “મૅનેજમેન્ટે અહીંયાં મોકલ્યો છે તો કામ તો કરીશ જને!”
તે મારો જવાબ સાંભળી ખુશ થયો. તેણે આસપાસ જોયું, કોઈની હાજરી તો નથીને? પછી તેણે શર્ટનાં ઉપરના ખિસ્સામાં હાથ નાખ્યો ને એક કાગળ કાઢીને મારા હાથમાં મુક્યો. મને આશ્ચર્ય થયું, આ કાગળમાં શું હશે? ઘડી કરેલો કાગળ હતો. મેં કાગળની ઘડી ખોલી વાંચવાની શરૂઆત કરી. ઉર્વીશે તંત્રીને સંબોધી કાગળ લખ્યો હતો. એ કાગળ રાજીનામાનો હતો! ત્યારે 15મી નવેમ્બર 2014નો દિવસ હતો. ઉર્વીશ ભાસ્કરમાંથી રાજીનામું આપી જવાનો હતો. મને આશ્ચર્ય થયું કે, ઉર્વીશ કેમ રાજીનામું આપી રહ્યો છે! મેં તેને કાગળ પાછો આપ્યો. તેને સવાલ પૂછું કે, કેમ રાજીનામું આપી રહ્યો છે? તે પહેલાં તેણે મને સામો સવાલ કર્યો, “પાક્કુંને? તમે અહીંયાં કામ કરવાના છો?”
મેં કહ્યું, “પાક્કું.” તેણે તરત પોતાનું રાજીનામું ફાડી નાખતાં કહ્યું, “જો તમે વડોદરા કામ કરવાના છો; તો મારે તમારી પાસે કામ શીખવું છે. હવે એક વર્ષ તો હું અહીંયાં જ રોકાઈશ.”
આમ મને વડોદરાએ પહેલો મિત્ર આપ્યો, તે ઉર્વીશ હતો. આમ તો ઘણા મિત્રો આપ્યા પણ હું તેમના નામનો ઇરાદાપૂર્વક અહીંયાં ઉલ્લેખ કરતો નથી. કારણ કે મારી સાથેની મિત્રતાને કારણે અનેકોએ નુકસાન પણ વેઠ્યું છે એટલે તેઓ મુશ્કેલીમાં મુકાય તેવું હું ઇચ્છતો નથી.
આમ વડોદરા આવ્યો ત્યારે દુઃખી હતો, પણ વડોદરાએ મને ખૂબ મિત્રો આપ્યા અને પછી એવું થયું કે, હું વડોદરાનાં પ્રેમમાં પડી ગયો! અમે ઘણા બધા મિત્રો વડોદરાની આસપાસના વિસ્તારમાં મારા બુલેટ પર જતાં. પાવાગઢ અને જાંબુઘોડાનાં જંગલોમાં ફરતા. આમ કરતાં કરતાં ક્યારે વર્ષ પૂરું થવાં આવ્યું તેની ખબર જ રહી નહીં.
દિવ્ય ભાસ્કર જૂથ સાથે મજેઠિયા પંચની લડાઈ લડ્યા પછી મને વડોદરાનો ઓર્ડર આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ એક વર્ષનો જ હતો. મને તેની ચિંતા નહોતી, મને મારા કામ ઉપર ગુમાન હતું! મને ખાતરી હતી કે, નવી નોકરી શોધવી અને મળવી મારા માટે મુશ્કેલ કામ નથી. મારી ઇચ્છા તો ભાસ્કર જૂથ જ મારા કોન્ટ્રાક્ટની મુદત વધારી આપે તેવી હતી. કારણ, મને આ અખબાર ગમતું હતું. મારે એમાં કામ કરવું હતું એટલે તત્કાલીન સ્ટેટ એડિટરને મેં મારો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરો; તેવી વિનંતી પણ કરી હતી. પણ મારો નિર્ણય હવે ભોપાલથી મૅનેજિંગ ડિરેક્ટર સુધીર અગ્રવાલ લેવાના હતા. મને જાણકારી મળી, જ્યારે જ્યારે સુધીર અગ્રવાલ સામે મારો ઉલ્લેખ થતો ત્યારે તેઓ નારાજ થઈ જતા હતા. તેમની નારાજગી પણ વાજબી હતી. હજારો કરોડની કંપનીના માલિકને પડકારવાની મેં ગુસ્તાખી કરી હતી. આમ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યું હતું કે, મારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે નહીં.
સાધુ તો ચલતાં ભલા! તેવું માની મેં બીજાં અખબારમાં પ્રયત્ન શરૂ કર્યા. અમદાવાદનાં તમામ મોટાં અખબારોના તંત્રીઓ હતા તેઓ મારા મિત્રો હતા. એક સમય હતો… જ્યારે આ તંત્રી મિત્રો માત્ર પત્રકાર હતા ત્યારે લાંબો સમય અમે સાથે રિપોર્ટિંગ કરતા હતા. તેમને તંત્રી થવું હતું અને મારે મૃત્યુપર્યંત રિપોર્ટર જ રહેવું હતું. આમ ધીરે ધીરે મારા મિત્રો અલગ અલગ અખબારમાં તંત્રી થઈ ગયા હતા. એટલે મને ભરોસો હતો કે, હું કોઈપણ મારા મિત્રને ફોન કરીશ એટલે તેઓ મને જરૂર નોકરી આપશે.
એક વર્ષ પછી હું મારા મિત્રોને ફોન કરી રહ્યો હતો. મને આશ્ચર્ય થયું કે, એક જ રિંગમાં મારો ફોન ઉપાડી લેતા મારા મિત્રો હવે ચાર–પાંચ ફોન પછી મારો ફોન લેવા લાગ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે, મારે નોકરી જોઈએ છે, ત્યારે તેમનો પ્રતિભાવ એટલો ઠંડો અને અજાણ્યો લાગ્યો; જાણે તેઓ મને ઓળખતા જ નથી! છતાં મને ખાતરી હતી કે, કોઈક તો વીરલો હશે; જે મને નોકરી આપશે! એક મારો મિત્ર… જે પણ તંત્રી હતો. તેને તો એટલો ડર લાગ્યો કે, હું તેને નોકરી માટે જ ફોન કરું છું તેવું માની તેણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું!
હવે મારું ટેન્શન વધી રહ્યું હતું. મારો કોન્ટ્રાક્ટ પૂરો થવામાં હવે માંડ પંદર દિવસ બાકી હતા ને હું અમદાવાદ આવ્યો હતો. મને ટેન્શનમાં જોઈ મારા એક બહુ જૂના મિત્ર ઇલેશ પટેલે કહ્યું, “કેમ ટેન્શનમાં છે?”
મેં મારી ચિંતા જણાવી. તેણે કહ્યું, “ચાલ, મને એક બહેન ઓળખે છે. ખૂબ સારાં જ્યોતિષ છે. તેમને મળી આવીએ.”
અમે તે જ્યોતિષ બહેન પાસે ગયા. મને નોકરી ક્યારે મળશે? તેવો પ્રશ્ન પુછ્યો. તેમણે મારા હાથની હસ્તરેખાઓ જોઈ. એક ક્ષણ મારા ચહેરા સામે જોયું અને પછી ગંભીર ચહેરે માથું હલાવી કહ્યું, “તમને નોકરી મળે તેવી કોઈ શક્યતા નથી.”
આ સાંભળી મને ફાળ પડી! નોકરી નહીં મળે તો શું કરીશ? આ બહેને જતાં જતાં એટલું જ કહ્યું, “નોકરી તો નહીં મળે, પણ ઈશ્વર તમારી વ્યવસ્થા કરશે.”
હું વ્યથિત થઈ ગયો. આંખ સામે અંધારું નજરે પડતું હતું. આ દરમિયાન શિવાનીની (Shivani Dayal)તબિયતમાં મને ગરબડ જોવા મળી. હું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પત્રકાર કોલોનીમાં રહેતો હતો. મારું ઘર ત્રીજા માળે હતું. લિફ્ટ નહોતી, સીડી ચઢવી પડતી હતી. પહેલાં સડસડાટ સીડી ચઢી જતી શિવાની હવે સીડી ચઢતાં થાકી જતી હતી. હવે ઘર સુધી પહોંચતાં તેને એક વખત સીડીમાં બેસવું પડતું હતું. આમ તેની તબિયત બગડી રહી હતી. આ નવેમ્બર 2015નો સમયગાળો હતો.
ક્રમશ:
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








