નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પાસે ગોળીબારની ઘટના બાદ બે ભારતીય વેપારી જહાજોને પરત ફરવું પડ્યું છે. આ ઘટનાને લઈને ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે અને ઈરાનના રાજદૂતને તલબ કરીને સ્પષ્ટતા માંગી છે.
માહિતી મુજબ, હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં અચાનક ફાયરિંગ શરૂ થતા સુરક્ષાના કારણોસર બે ભારતીય જહાજોએ પોતાની દિશા બદલી દીધી હતી. આ જહાજો તેલ અને અન્ય સામાન લઈ જઈ રહ્યા હતા.
ભારત સરકારે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને બોલાવી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી અને ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
હોર્મુઝ જળમાર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંથી વૈશ્વિક તેલ સપ્લાયનો મોટો હિસ્સો પસાર થાય છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આ વિસ્તાર વધુ સંવેદનશીલ બની ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સરકારે પોતાના જહાજો અને નૌકાદળને સાવચેત રહેવા સૂચના આપી છે. હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ ઘટનાથી વૈશ્વિક વેપાર અને તેલ સપ્લાય પર અસર થવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. હવે આગળની રાજદ્વારી વાતચીત પર પરિસ્થિતિનું નિરાકરણ નિર્ભર રહેશે.








