નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ધંધૂકામાં નજીવી બાબતે થયેલી યુવાનની હત્યા બાદ આગચંપી અને તોડફોડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા પોલીસે હત્યારા તેમજ તોફાની તત્વોની ધરપકડ કરી છે. આ ઘટનાના પગલે ચાર વર્ષ અગાઉ ધંધૂકામાં થયેલા કિશાન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad Murder Case) ને ચર્ચામાં લાવી લીધો છે. કિશન ભરવાડની હત્યા પાછળ સોશિયલ મીડિયા પર કથિત રીતે સાંપ્રદાયિક લાગણી દુભાય એવી એક પોસ્ટ હતી. આ મામલાની ગંભીરતાને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ પાસે રહેલો હત્યા કેસ Gujarat ATS ને સોંપી દેવાયો હતો.
કિશન ભરવાડ દ્વારા સોશ્યલ મીડિયા પર કોઈ સમુદાયની લાગણી દુભાય તેવી પોસ્ટ કરવામાં આવી હતી. જોકે તેને લઈને કેટલાક શખ્સોએ તેનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું. જે પછી સમગ્ર મામલો ગંભીર વળાંક પર પહોંચી ગયો હતો.
જાન્યુઆરી-2022માં કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ ગુજરાત એટીએસના તત્કાલીન ડીવાયએસપી બી. એચ. ચાવડા (DySP B H Chavda) ને સોંપવામાં આવી હતી. ચાવડા અને તેમની ટીમે દિલ્હી, અમદાવાદ, ધોળકા અને પોરબંદરના કુલ સાત આરોપીઓને પકડ્યા હતા. જેમાં દિલ્હીનો મૌલાના કમરગની, અમદાવાદના જમાલપુરનો મૌલાના અયુબ જાવરાવાલા, હત્યારો શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ પઠાણ (બંને રહે. ધંધૂકા), મતીન મદાન (રહે. ધોળકા), રમીઝ અને અઝીમ સેતા (બંને રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. કમરગનીએ અયુબની મદદથી શબ્બીરને ભડકાવ્યો હતો અને રાજકોટના રમીઝ અને અઝીમ થકી વેપનની વ્યવસ્થા કરી આપી હતી. હત્યા કર્યા બાદ ફરાર થયેલાં શબ્બીર અને ઈમ્તિયાઝને મતીન મદાને છુપાવવાની તેમજ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર કિશન ભરવાડ હત્યા કેસમાં હાલ અદાલતમાં ચાલી રહ્યો છે અને સાક્ષીઓ તપાસવામાં આવી રહ્યાં છે.








