નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) ની લખનઉ બેંચે કથિત બેવડી નાગરિકતાના કેસમાં કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Dual Citizenship) વિરુદ્ધ ફરિયાદ નોંધવાના ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે. શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે, શુક્રવારે સુનાવણી દરમિયાન અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતમાં વિપક્ષી નંબર એક (Rahul Gandhi) ને નોટિસ આપવાની જરૂર છે.
અદાલતના આદેશમાં કહેવામાં આવ્યું છે કે વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે, નોટિસ જાહેર કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ ઓપન કોર્ટમાં FIR નોંધવાનો વિગતવાર આદેશ પસાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, પોતાના ઉક્ત આદેશના ટાઈપ થવા અને તેના પર હસ્તાક્ષર થતાં પહેલાં જ ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ જોયું કે, અલાહાબાદ હાઈકોર્ટની પૂર્ણ પીઠે વર્ષ 2014માં પસાર કરેલા એક નિર્ણયમાં જણાવ્યું છે કે, FIR નોંધવાની માગ કરતી અરજીઓ ફગાવી દેવા પર રિવિઝન પિટિશન જ ટકી શકે છે અને આવી અરજી પર પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી અનિવાર્ય છે. ન્યાયાલયે કહ્યું કે, આ કાયદાકીય સ્થિતિને જોતા વિપક્ષી નંબર એકને નોટિસ જાહેર કર્યા વિના મામલાનો નિર્ણય કરવો યોગ્ય નથી. જેથી ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી આગામી સુનાવણી માટે 20 એપ્રિલની તારીખ નક્કી કરી છે.








