Wednesday, May 20, 2026
HomeGujaratજૂનાગઢ ભાજપમાં વેવાઈનું ફોર્મ રદ કરાવી પુત્રવધૂને ટિકિટ આપ્યાનો આરોપ

જૂનાગઢ ભાજપમાં વેવાઈનું ફોર્મ રદ કરાવી પુત્રવધૂને ટિકિટ આપ્યાનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જૂનાગઢઃ જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે.

પત્રમાં તેમણે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા પર પક્ષના નિયમોને અવગણી પરિવારવાદ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના મુજબ, પક્ષની માર્ગદર્શિકા મુજબ ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડેલા વ્યક્તિ કે તેમના વંશજોને ટિકિટ ન આપવી જોઈએ, છતાં આ નિયમનો ભંગ થયો છે.

- Advertisement -

રાજુ બોરખતરીયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લા પંચાયતની 13-કણજા બેઠક પર દિનેશ ખટારીયાએ પોતાના વેવાઈ ભીમાભાઈ ડાંગરને ઉમેદવાર તરીકે આગળ ધપાવ્યા હતા. પરંતુ આ માત્ર એક ગોઠવણનો ભાગ હતો.

આક્ષેપ મુજબ, મુખ્ય ઉમેદવાર તરીકે ભીમાભાઈનું ફોર્મ ભરાવવામાં આવ્યું અને ડમી ઉમેદવાર તરીકે કિરણબેન ડાંગરનું ફોર્મ ભરાયું. બાદમાં પૂર્વનિયોજિત રીતે મુખ્ય ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણ બતાવી રદ કરાવવામાં આવ્યું, જેથી ડમી ઉમેદવાર તરીકે કિરણબેનનું ફોર્મ માન્ય રહે.

મહત્વની વાત એ છે કે કિરણબેન ડાંગર દિનેશ ખટારીયાના પુત્ર મયુરભાઈની પત્ની એટલે કે તેમની પુત્રવધૂ છે. રાજુ બોરખતરીયાના મત અનુસાર, આ ઘટના ભાજપના ઇતિહાસમાં અપ્રતિમ અને શરમજનક છે.

- Advertisement -

આ ઉપરાંત તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર પણ આક્ષેપ કર્યા છે કે તેમની મિલીભગત વગર આ પ્રકારનું કાવતરું શક્ય નથી. પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરીને પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.

પત્રના અંતે રાજુ બોરખતરીયાએ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે અને પક્ષની પ્રતિષ્ઠા જાળવવા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે.

હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જૂનાગઢના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular