નવજીવન ન્યૂઝ, રાજકોટ : ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ (Bootleggers Gujarat) બન્યાં છે. સ્ટેટ એજન્સી SMC તેમજ જે-તે જિલ્લા અને શહેરની પોલીસ એજન્સી રોજે રોજ લાખો રૂપિયાનો દારૂ પકડી રહી છે. આ સમાચારોની વચ્ચે રાજકોટ શહેરમાં એક SRP જવાન રૂપિયા 1.30 લાખનો દારૂ કારમાં ભરીને આવતા રંગે હાથ પકડાયો છે. SRP Group 13 માં ફરજ બજાવતો એસઆરપી જવાન દારૂના ધંધામાં કાર્યરત હોવાથી છેલ્લાં એક વર્ષથી નોકરી પર ગયો નથી.
રાજકોટ શહેર પીસીબી ટીમે (Rajkot City PCB Team) ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કૂવાડવા રોડ પર સિલ્વર કલરની સ્વીફ્ટ કાર અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 384 બોટલ મળી આવી હતી. કારના ચાલક ભાલુભા રાજાભા બળદા (ઉ. 36) ની પૂછપરછ દરમિયાન કરતાં તે ઘંટેશ્વર ખાતે SRP ગ્રુપ-13માં કૉન્સ્ટેબલ તરીફે ફરજ બજાવતો હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ભાલુભાએ વધુ પૂછપરછમાં દારૂનો જથ્થો લીંબડી નજીક એક ગામ ખાતે રાજસ્થાનનો શખસ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. દારૂનો આ જથ્થો રાજકોટમાં ચિરાગ નામના શખસને પહોંચાડવાનો હોવાની પણ કબૂલાત કરી છે.








