Saturday, April 18, 2026
HomeBusinessઅક્ષયતૃતીયા: ઝવેરી બજારનો નજારો અગાઉનાં વર્ષો કરતા અનોખો જોવા મળી રહ્યો છે

અક્ષયતૃતીયા: ઝવેરી બજારનો નજારો અગાઉનાં વર્ષો કરતા અનોખો જોવા મળી રહ્યો છે

- Advertisement -
  • અક્ષયતૃતીયા પૂર્વે ઘટ્યા ભાવે સિક્કાની ધૂમ ખરીદી: લગ્નસરાના જુના દાગીના નાવઘડતર સાથે સોમવારે ડીલીવરી
  • અક્ષયતૃતીયાના બુલિયન વેપારની પદ્ધતિ સાવ બદલાઈ ગઈ
  • સોનાનું નેટ વેચાણ ગત અક્ષયતૃતીયા કરતા ૨૦ ટકા જ વધવાની સંભાવના

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા નાં જવાય, આ કહેવતને ચરિતાર્થ કરવા સોમવારે અક્ષય તૃતીયાના તહેવાર પૂર્વે, ભારતીય રોકાણકારો અત્યારથી જ ઝવેરીબજારમાં ઉતરી પડ્યા છે. તાજેતરમાં સોનાના ભાવ રૂ. ૧.૬૧ લાખ પ્રતિ ૧૦ ગ્રામથી ઘટીને રૂ. ૧.૪૭ લાખ થઇ આજે શુક્રવારે રૂ. ૧.૫૧ લાખ આસપાસ બોલાય છે. આ જોતા ભાવ પ્રમાણમાં ઘટ્યા હોવાથી રોકાણકારોએ અક્ષય તૃતીયા પહેલા જ પોતાની જુદાજુદા સ્વરૂપની સોનાની ખરીદીના ભાવ બાંધણી કરીને, સોદા પાકા કરી લીધા છે. આ બધા જ સોદાઓની ફીઝીકલ ડીલીવરી સોમવારે આખા દેશના ઝવેરીઓને ત્યાં જોવા મળશે. ઇબ્જા (ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન)ના પ્રવક્તા અને ઉમેદમલ ત્રીલોકચંદ જવેલર્સના કુમારભાઈ જૈને કહ્યું કે સોમવારે ઝવેરી બજારનો નજારો અગાઉનાં વર્ષો કરતા અનોખો જોવા મળશે. રોકાણકારોએ તેમના લક્ષ્મીકૃપા સુકનનાં સોનાના સિક્કાનું બુકિંગ વર્તમાન ઘટ્યા ભાવે એડવાન્સ ચુકવણી કરીને, અક્ષય તૃતીયા (સોમવારે) ડીલીવરી શરતે કરી લીધી છે. અમે પણ અમારા ગ્રાહકોને (ડીલીવરી આપવા) આવકારવા સજ્જ થઇ રહ્યા છીએ.

કુમાર જૈન કહે છે કે ગત અક્ષય તૃતીયા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ સોનાના ભાવ રૂ. ૯૪,૫૬૦ હતા આ વર્ષે ભાવ ગ્રાહકોની પહોચ બહાર જતા રહ્યા છે. લગ્નસરા વખતે સોનાના ભાવ પોશાણક્ષમ નહિ હોવાથી આ વર્ષે આગામી લગ્નસરા માટેના નવા દાગીનાની ખરીદી ખાસ જોવા નથી મળતી. પણ હા, શાણા ભારતીય રોકાણકારો તેમના જુના દાગીનાને નાવઘડતર માટે છેલ્લા કેટલાય સમયથી અમારે ત્યા ભીડ કરી રહ્યા છે. આ તમામ જુના દાગીનાની નવી પસંદગીના નવઘડતરનું કામ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે. લગ્નસરાના આ દાગીનાની ડીલીવરી પણ અક્ષયતૃતીયાના દિવસે (સોમવારે) કરવાની હોવાથી અમારી કામગીરી ખુબ વધી ગઈ છે. આવા નવઘડતર દાગીનાનાનો વેપાર ૫૦ ટકા જેટલો વધી ગયો છે. અલબત્ત, સુકનનાં સિક્કા ખરીદીની સાઈઝ નાની થતી જાય છે. ૧ ગ્રામથી ૧૦ ગ્રામના સિક્કાનું વેચાણ ખુબ છે, પણ તેથી વધુ મૂલ્યના સિક્કાનું વેચાણ ઊંચા ભાવને કારણે ઘટ્યું છે. ભાવ ઊંચા હોવા છતાં સર્વાંગી રીતે અમારો ધંધો સુકનવંતો છે.

- Advertisement -

લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના ભારતીય એનાલીસ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું કે નફાના ભાગીદાર ભારતીય રોકાણકારો હંમેશા ગણતરી પૂર્વકની ખરીદી કરતા હોય છે. રોકાણકારો એ પણ જાણે છે કે ઈરાન યુદ્ધ પૂરું થતા સોના ચાંદી, નવી તેજી કંડારવા આગળ વધશે. હાલમાં સોનાના ભાવ થોડા ઘટ્યા હોવાથી તેઓ તકનો લાભ લેવા જુના ઘરેણાને નવા કરીને બાળકોના લગ્નના શુભમૂહુર્તો સાચવી લેવા ગણતરી પૂર્વક બજારમાં આવ્યા છે. તેમનું માનવું છે કે આ વર્ષે જથ્થાત્મક રીતે સોનાનું વેચાણ ભલે નાં વધે પણ ધંધાનો ઉત્સાહ કોઈ રીતે ઘટ્યો નથી.

બુલિયન ડીલર ચોકસી મેઘાજી વનેચંદનાં સુમિત સંઘવીએ કહ્યું કે આ વર્ષની અક્ષયતૃતીયાના વેપારની પદ્ધતિ સાવ બદલાઈ ગઈ છે. અક્ષયતૃતીયા પૂર્વે ૧૯ માર્ચે ગુડી પડવાના દિવસે અમે ધૂમ સિક્કા લગડીનું વેચાણ કર્યું હતું. પણ અત્યારે અમે સાવ ઠંડા વેપાર સાથે બેઠા છીએ. સામાન્ય રીતે જવેલરો પોતાના ગ્રાહકોનો અંદાજ બાંધીને સિક્કા લગડીની એડવાન્સ ખરીદી કરી લેતા હોય છે. અને ત્યાર બાદ અક્ષયતૃતીયા અને લગ્નસરાની ઘરાકી સાચવતા હોય છે. આ વર્ષે મારા અનુમાન પ્રમાણે સોનાનું નેટ વેચાણ ગત અક્ષયતૃતીયા કરતા ૨૦ ટકા જ વધવાની સંભાવના છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular