પ્રશાંત દયાળ (શિવા. ભાગ-3): ડૉ. હર્ષ જોષીએ મને, આકાશને અને ભૂમિને સમજાવતાં કહ્યું, “જુઓ, અત્યારે શિવાનીની સ્થિતિ ક્રિટિકલ છે. તે વેન્ટિલેટર પર છે. હું તમને હમણાં કંઈ કહી શકું તેવી સ્થિતિમાં નથી.”
ત્યારે જ મેં કાચમાંથી આઈ.સી.યુ.માં રહેલી શિવાની (Shivani Dayal) સામે જોયું. તેની નજર પણ અમારી તરફ જ હતી. તે જોઈ રહી હતી કે અમે ડૉક્ટર સાથે વાત કરી રહ્યાં છીએ. હું પુછું તે પહેલાં જ ડૉ. હર્ષે મારી આંખોમાં રહેલો પ્રશ્ન વાંચીને કહ્યું, “હમણાં આપણે તેમને દસ લિટર ઓક્સિજન (Oxygen) આપી રહ્યા છીએ. તમે જ્યારે તેમને અહીં લાવ્યા, તેના કરતાં અત્યારે સ્થિતિમાં ચોક્કસ સુધારો છે. અમે અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ.”
મેં પુછ્યું, “અમે શિવાનીને મળી શકીએ?”
તેમણે કહ્યું, “મળી લો, પણ માત્ર પાંચ જ મિનિટ.”
અમે ત્રણે શિવાનીના બેડ પાસે ગયાં. મેં તેનો હાથ પકડયો. મને ડુમો ભરાઈ આવ્યો હતો, મારે રડવું હતું; પણ હું રડીશ તો શિવાની ભાંગી પડશે તેવો ડર લાગી રહ્યો હતો. મેં તેને કહ્યું, “તને સારું થઈ જશે. જો, આકાશ અને ભૂમિ પણ અહીંયાં જ છે.”
તેણે દરવાજા તરફ જોયું. તે પુછવા માગતી હતી કે, પ્રાર્થના ક્યાં છે? મેં કહ્યું, “પ્રાર્થના બહાર જ ઊભી છે. હમણાં આવે છે.”
તેનાં મોઢાં પર ઓક્સિજન માસ્ક હતું. તેની આંખના બંને ખૂણામાંથી સતત પાણી નીકળી રહ્યુ હતું. મેં તેના ગાલ પર આવેલું પાણી લુછ્યું. ત્યારે જ નર્સે કહ્યું, “ચાલો, હવે બહાર જાવ.”
અમે ત્રણે આઈ.સી.યુ.ની બહાર નીકળ્યાં. આકાશ અને ભૂમિને મેં ઘરે જવા કહ્યું. આકાશ મને ઓશીકું અને ચાદર આપી ગયો. રિસેપ્શન કાઉન્ટર પર એક કર્મચારી હતો. તેની બરાબર સામે મોટો સોફા હતો. મેં તેની પર લંબાવ્યું. હું અંદરથી ડરી ગયો હતો. મને જેનો ડર લાગતો હતો; તે જ વિચારો મને ઘેરી વળતા હતા. હું સતત પડખા ફેરવી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે, આખાં વિશ્વમાં હું એકલો પડી ગયો છું. ખબર નહીં આ દરમિયાન ક્યારે મારી આંખો બંધ થઈ ગઈ. હું અચાનક ઝબકી ગયો! આંખ ખોલી તો દીવાલ પર રહેલી ઘડિયાળમાં સવારના પાંચ વાગી રહ્યા હતા. કાઉન્ટર પર રહેલો કર્મચારી પણ ટેબલ ઉપર માથું રાખીને સૂઈ રહ્યો હતો. હું ત્યાંથી ઊભો થયો. સીડી ચઢી છઠ્ઠા માળે ગયો. આઈ.સી.યુ. વૉર્ડની બહાર ઊભા રહી કાચના મોટા દરવાજામાંથી શિવાની તરફ જોયું. તે હજી વેન્ટિલેટર પર જ હતી. મેં મોનિટર પર રીડિંગ જોયાં. ઓક્સિજન લેવલ 97 હતું. મારી આંખો તેને જોતાં જોતાં રડી રહી હતી. કારણ, તે જિંદગી સામે લડી રહી હતી! મને ખબર હતી કે શિવાની પાછી ઘરે આવશે. કારણ કે આટલા વર્ષોની લાંબી બીમારી હોવા છતાં તેની હિમ્મત અકબંધ હતી, તેની જિજીવિષા તીવ્ર હતી.
હું તેને જોઈ પાછો નીચે આવ્યો. હૉસ્પિટલની બહાર નીકળ્યો. કારણ કે હજી સવારના પાંચ વાગ્યા હતા. કારપાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડ એકલો બેઠો બેઠો ઝોકાં ખાઈ રહ્યો હતો. રસ્તા ઉપર ન્યૂઝપેપરના ફેરિયાઓની અવર–જવર ચાલું થઈ ગઈ હતી. કેટલાક મોર્નિંગ–વૉકર વૉક કરી રહ્યા હતા. હું ગાર્ડની બાજુમાં થોડીવાર ઊભો રહ્યો. અચાનક તેનું ધ્યાન મારી તરફ ગયું. તે જે ખુરશીમાં બેઠો હતો, તેની બાજુમાં એક ખાલી ખુરશી હતી. મેં પુછ્યું, “બેસી શકું?”
તેણે માથું હલાવી હા પાડી. હું ત્યાં બેસી તો ગયો. પણ મારું મન તો સતત મને છઠ્ઠા માળે લઈ જતું હતું. ખરેખર તો હું ડરી ગયો હતો! છતાં પોતાને હિમંત આપી રહ્યો હતો. ગાર્ડની બાજુમાં બેસીને જ હું રડી રહ્યો હતો. મને અચાનક યાદ આવ્યું કે મારી બાજુમાં ગાર્ડ છે. મેં તરત આંખો લૂંછી નાખી. ત્યારે જ મારા મનમાં એક ઝબકારો થયો. અરે! મારે ડરવાની કે રડવાની કંઈ જ જરૂર નથી. હું તરત ઊભો થયો ને સ્કૂટર પાર્કિગમાં ગયો. કારણ કે આકાશ મારા માટે રાત્રે સ્કૂટર મૂકી ગયો હતો. મારું સ્કૂટર લઈને હું બહાર નીકળ્યો અને સ્કૂટર મારી મૂક્યું. મને અચાનક કષ્ટભંજન દેવ યાદ આવ્યા. હું મનોમન કહી રહ્યો હતો કે, તું મારી સાથે છે તો પછી ડર કોનો?
અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલા નારણઘાટ પાસે એક સ્વામીનારાયણ મંદિર છે. ત્યાં કષ્ટભંજન દેવનું પણ એક મંદિર છે. મારી અને શિવાનીની કષ્ટભંજન દેવ પર અગાધ શ્રદ્ધા! અમે ત્યાં નિયમિત દર્શન કરવા જતાં હતાં, પણ આજે પહેલી વખત હું એકલો મંદિરે પહોંચ્યો હતો. સવારના પાંચ વાગ્યા હતા. હજી મંદિરમાં પુજારી સિવાય કોઈ નહોતું. હું કષ્ટભંજન દેવ સામે આંખો બંધ કરી ઊભો રહ્યો. હું કંઈ બોલી શક્યો નહીં, પણ મારી આંખમાંથી દડ દડ આંસુ પડી રહ્યાં હતાં. હું ત્યાંથી દર્શન કરી પાછો હૉસ્પિટલ આવ્યો. સ્કૂટર પાર્ક કરી સીધો હૉસ્પિટલના છઠ્ઠા માળે પહોંચ્યો. ત્યારે લગભગ પોણા છ થવા આવ્યા હતા.
આઈ.સી.યુ.ના દરવાજામાં ઊભા રહી કાચમાંથી શિવાની તરફ જોયું. તેના મોઢાં પર બાયપૅપનું માસ્ક નહોતું; મને ફાળ પડી! મન અચાનક ખરાબ વિચાર કરવા લાગ્યું! ત્યારે મારું ધ્યાન શિવાનીના બેડ પાસે રહેલા મોનિટર ઉપર પડ્યું. ઓક્સિજન લેવલ 95 હતું. મેં ઊંડો શ્વાસ લીધો… આંખ બંધ કરી… મારી સામે કષ્ટભંજન દેવની પ્રતિમા દોડી આવી! મેં મનોમન તેમનો આભાર માન્યો ને પાછો નીચે આવી ગયો. કોણ જાણે કઈ રીતે; પણ અચાનક મારી અંદર હિમ્મતનો સંચાર થયો હતો! મન કહી રહ્યું હતું કે, આટલું જલદી તે મને છોડીને નહીં જાય. હૉસ્પિટલનાં કેમ્પસમાં આવી મેં સૂર્યના કિરણોને કારણે કેસરી થઈ રહેલાં આકાશ સામે જોયું. બસ… માત્ર એટલા જ શબ્દો નીકળ્યા, “ઈશ્વર તારો આભાર!”
શિવાની મારી સાથે ઘરે પાછી આવશે જ તેની મને પાક્કી ખાતરી હતી. કારણ કે, શિવાનીની જિજીવિષા તીવ્ર હતી. આટલું જલદી તે હાર માને તેમ નહોતી. તે મારી જિંદગીની અનેક લડાઈમાં મારી સાથે ઊભી રહી હતી. તે યુદ્ધમેદાન છોડીને ક્યારેય નહીં જાય, તેવો મને અંદરથી કોઈ અજાણ્યો ભરોસો મળી રહ્યો હતો. હું નજીકની ચ્હાની કીટલી પર ચ્હા પીવા ગયો. મેં કીટલીવાળા ભાઈને ચ્હા લાવવાનું કહ્યું. મારું મન ભૂતકાળમાં દોડી ગયુ. હું યાદ કરવા લાગ્યો કે, મારી અને શિવાનીની પહેલી મુલાકાત ક્યારે અને કયાં થઈ હતી?
મને બરાબર યાદ હતું કે હું શિવાનીને મારાં ઘરે જ પહેલી વખત મળ્યો હતો. ત્યારે મેં ઇરાદાપૂર્વક તેની સામે જોયું જ નહોતું. કારણ કે, મેં મન બનાવી લીધું હતું કે મારે લગ્ન કરવું જ નથી. પણ મારી મમ્મીનો આગ્રહ હતો કે, મારે એક વખત શિવાનીને મળવું; પછી મારે હા કે ના અંગે નિર્ણય લેવો જોઈએ. આખરે મમ્મી… એટલે કે આઈ સાથે લાંબી ચર્ચા પછી વાત ટાળવા મેં શિવાનીને મળવાનો નિર્ણય કર્યો હતો. આમ તો શિવાની તેનું સાચું નામ નથી. તેનું નામ પ્રવિણા હતું. મરાઠી રિવાજ પ્રમાણે છોકરી લગ્ન કરી સાસરે જાય એટલે તેને નવું નામ મળે. મારી મમ્મીને શિવાની નામ બહું ગમતું એટલે પ્રવિણા લગ્ન પછી શિવાની થઈ ગઈ હતી. શિવાનીને બીજી વખત મળવા હું ભરૂચ ગયો હતો. પછી ખબર નહીં કેવી રીતે; ધીરે ધીરે તેના પ્રેમમાં પડ્યો! લોકો પ્રેમ કરી લગ્ન કરે છે; હું લગ્ન પછી પ્રેમમાં પડ્યો હતો!
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796