નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા શહેરમાં બનેલા એક હત્યાના બનાવના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી ગત મોડીરાતે કારમાંથી એક વેપારીની ઘાતકી રીતે હત્યા કરાયેલો મૃતદેહ (Businessman murdered in Vadodara city) મળી આવ્યો છે. મૃતકની ઓળખ થઈ જતાં પોલીસે હત્યા કોણે કરી અને કેમ કરી ? તે દિશામાં તપાસ આરંભી છે. રાવપુરા પોલીસ (Raopura Police) ની સાથે ક્રાઈમ બ્રાંચ પણ હત્યા કેસની તપાસમાં જોડાઈ ગઈ છે.
વડોદરાના દાંડિયા બજારના જાંબુબેટ વિસ્તારમાં એક ગલીમાં લાંબા સમયથી પાર્ક કરાયેલી કાર પર મોડી રાતે સ્થાનિકોની નજર પડી હતી. કારમાં ડોક્યું કરનારા સ્થાનિકો ડ્રાઈવર સીટ પર પડેલો મૃતદેહ જોઈને લોકો ચોંકી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઘટનાસ્થળ પર દોડી આવેલી પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ બાબુસિંઘ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. બાબુસિંઘ કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને બાબુસિંઘની હત્યા કરવાની ઘટનાને લઈને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ ફોનનો ડેટા અને ટાવર ડેટા મેળવાઈ રહ્યો છે.








