કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ક્રિકેટમાં આઈપીએલ (IPL) જનરેશનની બોલબાલા થઈ તે અગાઉના ક્રિકેટરોમાંના એક આર. અશ્વિન (R. Ashwin) ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. નિવૃત્તિ વખતે ટેસ્ટમાં વિકેટ લેવાનો અશ્વિનનો આંકડો 537 સુધી પહોંચી ચૂક્યો હતો. દેશ વતી ટેસ્ટમાં વિકેટ લેનારા બોલર્સમાં તે માત્ર અનિલ કુમ્બલેથી પાછળ હતો. કપિલ દેવ કરતા અશ્વિને સો વિકેટ વધુ લીધી છે. એ રીતે આર. અશ્વિનની સિદ્ધી તેને મહાન ક્રિકેટરની કૅટેગરીમાં મૂકે છે. અશ્વિને પોતાની દોઢ દાયકાની આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં અનેક રેકોર્ડ સ્થાપ્યા છે. પણ છેલ્લા વર્ષોમાં અશ્વિન ક્રિકેટની સાથે સાથે પોતાની જાતને યૂટ્યુબર તરીકે પણ સ્થાપિત કરી ચૂક્યો છે. આ ઉપરાંત, તેણે ‘આઈ હેવ ધ સ્ટ્રીટ્સ : અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી’ નામે આત્મકથા પણ લખી છે. ક્રિકેટની આસપાસ અશ્વિનના જીવનમાં ઘણું બધું ઘટ્યું છે, તે તેણે આત્મકથામાં લખ્યું છે અને તે સિવાય તેના યૂટ્યુબ વિડિયોમાં પણ તેની સફરની ઝલક દેખાય છે. એક સફળ ક્રિકેટરના જીવનમાં દૃષ્ટિ કરવી હોય તો અશ્વિન સહજ-સરળતાથી પોતાની પૂરી કહાની બયાન કરી છે.

90ના દાયકામાં મહદંશે ગલી ક્રિકેટથી મોટા ભાગના બાળકોનું બાળપણ વીત્યું, તેવો જ અનુભવ અશ્વિનનો રહ્યો હતો. ક્રિકેટ પાછળ તેનું ગાંડપણ હતું અને તે આ વિશે વિગતે આત્મકથા ‘આઈ હેવ ધ સ્ટ્રીટ્સ : અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી’માં લખે છે : “મદ્રાસ શહેરમાં દક્ષિણમાં આવેલા મમ્બલમ વિસ્તારના રામાકૃષ્ણપુરમ નામની સાંકડી ગલીમાં અમે રહેતા હતા. જૂના ઘરો અને જૂના પાડોશી ધરાવતો આ વિસ્તાર હતો, જ્યાં ક્રિકેટ રમવા માટે ખાસ્સી વિશાળ જગ્યા હતી. અહીંયા વૃક્ષો અને કુવાથી બચવાનું હતું, જોકે તેનાથી તો અમારો આનંદ બેવડાતો. અમે ગલીમાં રમવાનું ટાળીને મોટા ઘરના દરવાજા પાસે રમતા. તેનો આગળના ભાગ માટીનો હતો અને 16 યાર્ડના પીચ માટે પૂરતો હતો. કમ્પાઉન્ડના કારણે બોલર માટે દોડવા અને વિકેટકીપર માટે જગ્યા ઓછી હતી. ઊંચાઈ ધરાવનારા બાળકો ફાસ્ટ બોલિંગ કરતા અને મોટા ભાગના બાળકો ઊંચા હતા.” નેવુંના દાયકામાં આની આસપાસનો માહોલ ધરાવતું ક્રિકેટ મહદંશે સૌ કોઈ બાળકો રમ્યા હાશે. આજે મોટા શહેરોમાં ગલી ક્રિકેટનો કન્સેપ્ટ પહેલાં જેટલો ચલણી રહ્યો નથી. માત્ર ક્રિકેટ રમવું જ નહીં, પણ ક્રિકેટની કેવી ચર્ચા થતી તે પણ અશ્વિન નોંધે છે : “અમારી મેચ રમ્યા બાદ, રમાઈ રહેલી મેચો વિશે અમે વાત કરતા હતા. ઘણી વાર વિશેષ કોઈ શોટ્સ વિશે વાત કરતા. જો સચિન તેન્ડુલકરે ક્રિઝમાંથી બહાર આવીને ગ્લેન મેકગ્રાથને માથા ઉપરથી શોટ ફટકાર્યો હોય તો અમે તેની નકલ કરતા હતા. એવું કરતાં ભલે અમે આઉટ થઈ જઈએ….આ ગલી ક્રિકેટ અમારી મિત્રતાનું જન્મસ્થાન કહી શકાય. આ ગેમ સિવાય અમે એકબીજાના વિશે વધુ કશુંય જાણતા નહોતા.”
આત્મકથા અશ્વિન ક્યાંય અતિશોયક્તિ કરતાં નજરે ચડતા નથી. બિલકુલ સામાન્ય માહોલમાં તેનો ઉછેર થયો છે અને તે વિશે અશ્વિન લખ્યું પણ સરળ શબ્દોમાં છે. આગળ તે લખે છે : “માર્ચ-1998માં અચાનક મારી માતાના ઑફિસનું મહત્ત્વ વધી ગયું. સામાન્ય રીતે એચ.એચ.એલ. કંપનીની કોઈ પ્રોડક્ટ ભારતમાં થતી મેચોની સ્પોન્સર રહેતી – એનો અર્થ એ કે મદ્રાસમાં જ્યારે પણ કોઈ મેચ હોય તો તેમના કર્મચારીને ભેટમાં ટીકીટો મળતી. બીજું કે આ વખતે જેવીતેવી ક્રિકેટ સિરીઝ નહોતી. અમારા સમયનો આ સૌથી મોટો ક્રિકેટ જંગ હતો. સચિન તેન્ડુલકર વિરુદ્ધ શેન વોર્ન. અંદાજે બાર વર્ષ પછી ઓસ્ટ્રેલિયા ભારતમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી રહ્યું હતું. અમે અખબારોમાં વાંચ્યું કે સચિને એલ. શીવરામકૃષ્ણન – જેઓ ભારત વતી 1987માં આખરે રમ્યા હતા –ને કહ્યું કે વોર્ન સામે રમવાની તૈયારી માટે મદદ કરશો. દિવસમાં બે વખત, પિસ્તાળીસ મિનિટ સુધી શીવરામકૃષ્ણન અસમથળ સપાટી પર શેન વોર્નની જેમ બોલ નાંખતો. સચિન માટે આ મોટી સિરીઝ હતી, અમારા માટે કદાચ તેના કરતા વધારે મહત્ત્વની હતી. એક અઠવાડિયા પહેલાં મારા પિતાએ અને મેં મારી માતાને ટીકીટ માટે ઓફિસમાં વાત કરવા જણાવ્યું. ઓફિસમાં ટીકીટોની ખૂબ ડિમાન્ડ હતી. તેઓ ટીકીટ માટે પ્રાથમિક યાદી તૈયાર કરતા. મારી મમ્મી તે તક ચૂકી ગયા અને સામાન્ય રીતે મેનેજરો સૌથી સારી ટીકીટ મેળવી લેતા. અમને ભેટની ટીકીટ ન મળી એટલે મારા પિતાએ બે સસ્તી ટીકીટો ખરીદી લીધી.”
અશ્વિનની મેચ જોવાની ઉત્સુકતા ખૂબ હતી અને તે ઉત્સુકતાનો ગુલાલ શાળામાં દોસ્તો સાથેની વાતોમાં ઝળકતો. જાહેરાતમાં સચિન પેપ્સી સાથે દેખાતો એટલે અશ્વિને પોતાના પિતા પાસે પેપ્સી અને ચિપ્સની પણ માંગણી કરી હતી. અશ્વિન લખે છે કે આવી મેચ જોવાને લઈને કોઈ પણ જોખમ ઊપાડવું પોસાય તેવું નહોતું. એટલે શક્ય એટલા વહેલાં જઈને પોતાની જગ્યા લઈ લેવાની અમારી ઉતાવળ હતી. આ રીતે અશ્વિન અને તેના પિતા સ્ટેડિયમમાં પ્રવેશ્યા. આગળ મેચનું વર્ણન કરતા અશ્વિન લખે છે : “સચિન માટે કેપ્ટન માર્ક ટેલરે આક્રમક ફિલ્ડિંગ ગોઠવી હતી. તરત તેન્ડુલકર વિરુદ્ધ વોર્નનો જંગ આરંભાયો. પ્રથમ બોલમાં ચાર રન ફટકાર્યા. પાંચમા બોલે સચિને સ્લિપમાં આઉટ થયો. તે પછી બીજી ઇનિંગમાં સચિન શેન વોર્નના ટર્ન થઈ રહેલા બોલ સામે પણ રન ફટકાર્યા.”
અશ્વિનના જીવનમાં ક્રિકેટ આનંદ માટે જ નહોતું. બલકે અશ્વિનના પિતા તેને ક્રિકેટ માટે સજ્જ બનાવવા ખાસ્સી મહેનત કરી રહ્યા હતા. તેમણે અશ્વિનની સારી કોંચિગ થાય તે માટે અનેક જગ્યાએ તપાસ કરી. ક્રિકેટ માટે અશ્વિનના પિતાએ બધા જ સમાધાન કર્યા હતા. એક વખત તો એવો આવ્યો જ્યારે પરિવારનું કેન્દ્ર અશ્વિનનું ક્રિકેટ હતું. જોકે ક્રિકેટના આનંદ સાથે અશ્વિનને તેની બીમારીઓ પરેશાન કરતી હતી. આ વિશે અશ્વિન લખે છે કે, “મારા ઉનાળા વેકેશન દરમિયાનના ક્રિકેટ કેમ્પના કારણે અમે સામાન્ય રીતે પ્રવાસે જતા નહીં. અમારો પરિવાર ભાગ્યે રજાના દિવસે પ્રવાસે જતા હતા. એક વખત અમારે મદ્રાસથી દક્ષિણ-પશ્ચિમે 525 કિલોમીટર અંતરે આવેલ કોડાઇકેનાલ જવાના હતા. અમારા ઘરની નજીક આવેલા મામ્બલમ્ સ્ટેશન પર ટ્રેન બે મિનિટ જ રોકાતી હતી. મારા પિતાએ વિચાર્યું કે બે મિનિટમાં ટ્રેન પકડવી મુશ્કેલ થઈ શકે છે. તેથી અમે મદ્રાસ સ્ટેશનથી ટ્રેન પકડવાનું ઠરાવ્યું. અમે અમારા પ્રવાસ માટે ખાણીની પૂરી તૈયારી કરી હતી. અમે સૌ ઉત્સાહિત હતા. અમે મદ્રાસ જવાની ટ્રેન પકડી અને મને ઊલટીઓ થવા લાગી. વળતી ટ્રેન મામ્બલમ સ્ટેશન પર પહોંચી ત્યાં સુધીમાં તો મારા માતા-પિતાએ નક્કી કરી લીધું કે પ્રવાસ કરવા માટે મારું સ્વાસ્થ્ય યોગ્ય નથી. આવતી વેળાએ બે મિનિટ ટ્રેન રોકાઈ તે સમયનો અમે નીચે ઊતરવા માટે ઉપયોગ કર્યો. અમે પછી હોસ્પિટલ ગયા. બે મિનિટમાં અમારો બધો સામાન વ્યવસ્થિત નીચે ઉતરે તેનો ખ્યાલ રાખ્યો હતો. અમારા રજાના પ્રવાસ કરતા આ અમારી નાનકડો સફર વધુ લાંબો રહ્યો. આ વખતે મને મલેરિયા થયો હતો. મારી તબિયત હંમેશા મારા માતા-પિતા માટે ચિંતાનો વિષય હતો. વિશેષ કરીને મારા પિતા માટે” વારંવાર બીમારીના કારણે અશ્વિનને શ્વાસ લે ત્યારે છાતીમાં સિસોટી જેવો અવાજની તકલીફ થઈ હતી. આ માટે તેની હોમિયાપેથિક દવાઓ ચાલતી હતી. તેનું ક્રિકેટ જેમ આગળ વધી રહ્યું હતું તેમ તેની આ તકલીફ દૂર થઈ. આ રીતે ક્રિકેટમાં એક પછી એક પાયદાન ચઢતા ચઢતા આખરે અશ્વિનને તમિલનાડુ ટીમથી રમવાની તક મળી. જો અહીંયા સારી રમત દાખવી શકો તો સાઉથ ઝોન તરફથી રમવા મળવાનું હતું. અહીંયા સુધી અશ્વિન એક બેટ્સમેન તરીકે રમતો હતો. આ બધા અનુભવો અશ્વિનને વિસ્તારથી લખ્યા છે. અહીં તે વિસ્તારથી ટાંક્યા નથી, બલકે તેના સંક્ષેપ કરીને મૂક્યા છે. આ દરમિયાન અશ્વિનને થયેલી ઇજાના કારણે થાપાની સર્જરી આવશ્યકતા ઊભી થઈ. માતા-પિતાએ બધી બચત ખર્ચવાની તૈયારી બતાવી. સર્જરીની તૈયારી ચાલતી હતી ત્યાં બીજા એક નિષ્ણાત ડોક્ટરે માત્ર આરામની સલાહ આપી અને સર્જરી ટળી. મેદાન પર અશ્વિનની સ્વસ્થતા અને ધીરજ બાળપણમાં થયેલા આ અનુભવને આભારી છે. અને એટલે અશ્વિન ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં બીજો સૌથી વધુ વિકેટટેકર ખેલાડી બન્યો છતાં તે ક્રિકેટમાં ક્યારેય છવાઈ ગયો હોય તેવું બન્યું નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796