પ્રશાંત દયાળ (શિવા. ભાગ-4): 1988માં હું પત્રકારત્વમાં (Journalism) આવ્યો. મારે પત્રકાર જ થવું છે; તે નિર્ણય મારો જ હતો. મારા બાબા… એટલે કે પપ્પા મારા આ નિર્ણય સાથે જરા પણ સંમત નહોતા. તેમની ઇચ્છા તો મારે સરકારી નોકરી કરવી જોઈએ; તેવી જ હતી. મારા માતા–પિતા બંને સરકારી નોકરી કરતાં હતાં. બાબા નોકરીએ જાય તો ચાલે, પણ મમ્મી શું કામ નોકરીએ જતી હશે? તેવો મને પ્રશ્ન થતો. કારણ કે સિત્તેરના દસકમાં નોકરી કરનારી સ્ત્રીઓની સંખ્યા ખૂબ નાની હતી. ઉપરાંત મારા મિત્રો પૈકી કોઈની આઈ ઑફિસ જતી નહોતી. જેથી મને મારી આઈ ઉપર કાયમ ગુસ્સો આવતો હતો. કોઈપણ બાળકને સ્કૂલમાંથી છૂટે એટલે ઘરે જવાની ઉતાવળ હોય, પણ મને ક્યારેય તેવું થયું નહીં. કારણ, ઘરે આઈ તો હોય જ નહીં! તો હું ઘરે ક્યારે પહોંચ્યો? તેવું પુછનારું કોઈ જ નહોતું. જાતે જ તાળું ખોલવાનું ને જાતે જ જમવા લેવાનું મને નહોતું ગમતું.
મારો ભાઈ મનિષ મારા કરતાં અઢી વર્ષ નાનો. તે અને હું સાથે સ્કૂલે જતા, પાછા પણ સાથે જ ફરતા હતા. દિવસ દરમિયાન હું જ તેની આઈ અને બાબા હતો. મને લાગે છે કદાચ આ પ્રકારની સ્થિતિઓને કારણે મનમાં એક પ્રકારના બંડનો જન્મ થઈ ચૂક્યો હતો. તમે મને ના પડશો તે જ વાત હું કરીશ. તમને પસંદ નથી તેવી જિંદગી જ હું જીવીશ. તે દિશામાં હું ચોક્કસ ક્યારે વળ્યો; તેની મને ખબર જ ન પડી.
પત્રકાર થયો ત્યાં પણ પેલો ‘બંડખોર’ પ્રશાંત (Prashant Dayal) સતત પોતાના માલિક, તંત્રી સાથે ઝઘડો કરતો રહ્યો હતો. રાજકારણી અને સરકારી અમલદાર જ ચોર હોય; તેવું મેં સહજ રીતે સ્વીકારી લીધું હતું અને મન સતત ઉદ્વેગમાં જ રહેતું. મને બધા જ સામે ગુસ્સો હતો. જાણે જગતને આગ લગાડી દઉં! તેવી મનોદશામાં જ હું જીવતો હતો. આ દરમિયાન ચાર–પાંચ નોકરીઓ બદલાઈ. 1995માં હું મુંબઈથી પ્રસિદ્ધ થતાં ‘અભિયાન’ સાપ્તાહિકમાં જોડાયો. ત્યારે અભિયાનનો દબદબો હતો. જ્યારે જ્યારે મેં માણસ ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો, ત્યારે ત્યારે ઈશ્વરે મારા વિશ્વાસને જીવતો રાખવા મારી પાસે ઉત્તમ માણસો મોકલ્યા.
‘અભિયાન’ની અમદાવાદની ઑફિસ પાલડી, બ્રાહ્મણમિત્ર મંડળ સોસાયટીમાં અશ્વિની ભટ્ટના બંગલામાં જ ઉપરના માળે હતી. હું અશ્વીની ભટ્ટ અને નીતિભાભીને મળ્યો ત્યારે માણસ સારો પણ હોય અને માણસ ઉપર ભરોસો પણ કરવો જોઈએ; તેવું લાગ્યું. મારે અશ્વિની ભટ્ટ અને નીતીભાભી સાથે કોઈ જ સંબંધ નહોતો. પણ તેમણે મને અઢળક પ્રેમ કર્યો! તેમના પ્રેમને કારણે કદાચ મારી અંદર ફરી માણસ થવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. છતાં મારી અંદર રૂક્ષતા તો ભારોભાર હતી જ. આ દરમિયાન ઉર્વીશ કોઠારી જેવા સાથી પણ મળ્યા.
1995નું વર્ષ અને કદાચ સપ્ટેમ્બર કે ઑક્ટોબર મહિનો હતો. મારી મમ્મીને પાછું પેલું મારાં લગ્નનું ભૂત ઉપડ્યું. મારે લગ્ન નથી જ કરવું. તેવું મેં નક્કી કર્યું હતું. કારણ કે મને મારી જિંદગીનો કોઈ હિસાબ પૂછે તે મંજુર નહોતું. મારી બેફામ જિંદગીને કોઈ નિયંત્રિત કરે એ તો કેમ ચાલે! મારો ભાઈ મનિષ મારા કરતાં નાનો છે. તેને વડોદરામાં પ્રેમ થઈ ગયો એટલે ઘરમાં બધાં મને કહેવા લાગ્યા કે, તું લગ્ન કરી લે એટલે મનિષને રસ્તો ખુલ્લો થાય. મેં મનિષને બોલાવીને કહ્યું, “ભાઈ, મારી રાહ જોઈશ તો કુંવારો રહી જઈશ. તું લગ્ન કરી લે.”
મનિષે ઉજ્જવલા સાથે લગ્ન કરી લીધું. એક શનિવારે મમ્મીએ મને કહ્યું આવતીકાલે રવિવાર છે, ક્યાંય બહાર જતો નહીં. મેં તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તેણે કહ્યું, “ભરૂચથી અનિતાવહિની એક છોકરી લઈ તને બતાડવા આવવાનાં છે.”
મેં ગુસ્સામાં તેની સામે જોયું. તેણે કહ્યું, “છોકરી સારી છે. હું ભરૂચ ગઈ ત્યારે છોકરીને મળી હતી. તું એકવખત જોઈ લે.”
મને ખૂબ ગુસ્સો આવ્યો. કારણ કે રવિવારે મેં અને મારા વડિલ ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીએ દહેગામ જવાનું નક્કી કર્યું હતું. ત્યાં અમારે બટાકાની એક સ્ટોરી કરવાની હતી. મેં ગુસ્સામાં કહ્યું, “એક તો મારે લગ્ન કરવું નથી અને બીજુ, મેં રવિવારે સ્ટોરી પ્લાન કરેલી છે.”
આઈએ શાંતિથી કહ્યું, “કંઈ વાંધો નહીં; છોકરી જોવાનો ‘કાર્યક્રમ’ પૂરો થાય પછી તું નિકળી જજે.”
મેં પુછ્યું, “કેટલા વાગે આવવાના છે?”
આઈએ કહ્યું, “એકાદ વાગ્યા સુધી આવશે.”
મારું મન એકદમ ખિન્ન થઈ ગયું. મારે લગ્ન કરવું જ નહોતું. કદાચ લગ્ન કરવાની ઇચ્છા હોત; તો પણ આ રીતે છોકરો–છોકરી જોવાની પદ્ધતિ સામે મારો વાંધો હતો. જાણે બકરો–બકરી ખરીદવા બકરામંડીમાં જઈએ; તેવી સ્થિતિ મને પસંદ નહોતી. મારી રુક્ષતામાં વધારો થવા પાછળ મને પ્રેમમાં મળેલી નિષ્ફળતા પણ એક કારણ હતું.
1992-93ના ગાળામાં એક મહિલા પત્રકાર સાથે મારે મિત્રતા થઈ હતી. તે એક અંગ્રેજી અખબારમાં કામ કરતી હતી અને હું સમભાવમાં હતો. મારો પગાર તો હજી શરૂ જ થયો નહોતો. તેનો પગાર ત્યારે લગભગ પાંચેક હજાર હતો. એ સમયમાં ખાસ્સો મોટો કહેવાય તેવો પગાર હતો. અમારી વચ્ચે સારી મિત્રતા હતી. અમે સાથે રિપોર્ટિંગ કરતાં હતાં. હું જ્યારે જ્યારે કોઈ રાજકારણી સાથે ઝઘડી પડતો ત્યારે તે મારી સામે એકીટશે જોઈ રહેતી. તે મને ગમવા લાગી હતી. ત્યારે મને વિચાર આવતો કે, હું ગુજરાતી પત્રકાર અને તે અંગ્રેજી પત્રકાર; કેવી રીતે મેળ પડશે? પણ પછી તરત મેં પોતાને જ કહ્યું, પ્રેમમાં આવો કોઈ હિસાબ ન હોય! જોકે તે મને ગમે છે; તેવું કહેવાની મારી હિમંત થઈ નહીં. કારણ કે હું તેને ગમું છું કે નહીં? તેની મને ખબર નહોતી. મારો સ્વભાવ પહેલેથી જ ઉતાવળીયો, ધીરજ તો સેકંડની નહીં… એટલે મનમાં જે હોય તે કહી જ દેવાનું; તેવો સ્વભાવ હતો. વળી હવે તો વાત પ્રેમની હતી!
એક દિવસ મેં હિમ્મત કરી તેને કહ્યું, “જો, તું મને ગમે છે અને આખી જિંદગી આપણી સાથે રહીએ તેવી મારી ઇચ્છા છે. જો તારી હા હોય તો આપણે આગળ વધીએ. નહીંતર અત્યારે આપણે જેમ મિત્ર છીએ તેવાં મિત્ર કાયમ રહીશું.”
તે કંઈ બોલી નહીં. એકદમ શાંત થઈ ગઈ; તેની નજર જમીન તરફ હતી. પછી તેની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. તે કેમ રડી પડી? તેની મને ખબર જ ન પડી. મેં તેની આગળ પાણીનો ગ્લાસ ધર્યો. તેણે આંખો સાફ કરી પાણી પીધું. હું તેના ઉત્તર માટે તેની સામે જ જોઈ રહ્યો હતો; તેણે ઊંડો શ્વાસ લીધો. મને ખબર પડતી નહોતી કે તેના મનમાં શું ગડમથલ ચાલી રહી છે? તેણે એક ક્ષણ માટે નજર ઊંચી કરી મારી આંખમાં જોયું અને કહ્યું, “હું તને પછી જવાબ આપીશ.”
આટલું કહી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. પછી તેનો જવાબ ક્યારેય આવ્યો જ નહીં! આ જ ઘટના પછી મેં નક્કી કર્યું કે લગ્ન કરવું નથી. ત્યાર પછી જે બેફામ જિંદગી હતી; તેમાં એટલો વધારો થયો કે કોઈ અજાણ્યાને પણ ખટકે તેવી જિંદગી બની ગઈ. મને આજે બરાબર સમજાય છે કે, આ સ્થિતિમાં સૌથી વધારે કોઈ દુઃખી થયું હશે; તો મારા બાબા હશે. કારણ કે ઘડિયાળમાં દસથી છના ટકોરે જીવનારા પિતાનો હું એક એવો સંતાન હતો; જે ઘરેથી સવારે નિકળતો અને ઘરે ક્યારે પાછો આવીશ? તેની કોઈને ખબર નહોતી. ખુદ મને પણ ખબર નહોતી. અનેક રાતો જાહેરમાં બાંકડા ઉપર પણ સૂઈ જતો હતો. હવે મારે રવિવારે છોકરી જોવાની હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796