નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગની કાર્યવાહીના કારણે ગોરખ ધંધા કરનારાઓ સામે આખ આડા કાન રાખતી સ્થાનિક પોલીસના છબરડા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. તાજેતર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક કેફેમાં રેડ કરીને હુક્કાની મોજ માળતા 60 વધુ યુવક- યુવતીઓ મળી આવ્યા હતા.
ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં અમદાવાદમાં અનેક કેફેમાં હર્બલ હુક્કાની આડમાં નશા યુક્ત હુક્કા ઊંચા ભાવે પીરસવામાં આવી રહ્યો છે. ચાર દિવસ અગાઉ મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે સિંધુ ભવન રોડ નજીક તાજ હોટલ પાસે આવેલા સેક્રેટ નાઇન કાફે પર દરોડો કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા હતા અને ફ્લેવરમાં નશીલા પદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લઈને એફએસએલ માટે મોકલી આપ્યા હતા અને આ અંગેની જાણવાજોગ ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં આપી હતી.
સ્ટેટ મોનિટરિંગની રેડ બાદ હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સરખેજ પોલીસે છ મહિના અગાઉ આ જ કેફે પર રેડ કરી હતી. જેના FSL રિપોર્ટમાં કેફેમાંથી લીધેલા સેમ્પલમાંથી ગુનાહીત ક્રૃત્ય હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટ ત્રણ મહિના અગાઉ આવી ગયો હતો તેમ છતાં આ રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગની રેડ બાદ સરખેજ પોલીસનો પરસેવો છૂટી જતાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.કણસાગરાએ ફરિયાદ આપતા હુક્કાબારના સંચાલક કેવલ પટેલ સામે સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ રિપોર્ટ કયા અધિકારીના કહેવાથી દબાવી દેવામાં આવ્યો હતો, ત્રણ મહિના સુધી કેફેને કોના ઇશારાથી ચાલુ રાખવામાં આવા દીધું, સ્ટેટ મોનિટરિંગની રેડ બાદ કેમ જ કેમ સ્થાનિક પોલીસને અચાનક ત્રણ મહિના અગાઉનો FSL રિપોર્ટ યાદ આવી ગયો આવા સવાલોના જવાબ તપાસમાં સામે આવશે કે કેમ તે જોવાનું રહ્યું ?








