Friday, October 23, 2026
HomeGujaratમુસ્લિમે મૃત હિન્દુ મહિલાની આસ્થાને માન આપતા જે કહ્યું… તે જાણી PI...

મુસ્લિમે મૃત હિન્દુ મહિલાની આસ્થાને માન આપતા જે કહ્યું… તે જાણી PI પરમારની આંખો ભરાઈ ગઈ | શતરંજ-67

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-67, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર અમદાવાદ આવ્યા પછી ડીઆઇજી અક્ષય જૈનને મળ્યા હતા. તેમણે સોલાપુર અને હુબલીમાં કોનાં કોનાં સ્ટેટમેન્ટ થયાં તેની વિગતો આપી હતી. પરમાર વિગતો આપી રહ્યા હતા ત્યારે જૈનના ચહેરા ઉપરનો અણગમો જોઈ શકાતો હતો. પરમાર એક પછી એક પુરાવા એકત્ર કરી રહ્યા હતા, જે ચિંતાની વાત હતી. ખાસ કરી નિઝામ સાથે બસમાં રામ હતો તે વાત હવે કાગળ ઉપર આવી ગઈ હતી અને રામને નિઝામ સાથે બસમાં ઉતારી લેવામાં આવ્યો હોવાના સાક્ષીઓના નિવેદન પણ હતા.

પરમાર જોઈ રહ્યા હતા કે, જૈન કંઈ પ્રશ્ન પૂછી રહ્યા ન હતા, છતાં તેમના મનમાં અનેક ગડમથલો ચાલી રહી હતી, જે તેમના ચહેરા ઉપર દોડી આવી હતી. પરમારે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કરેલી તપાસની તમામ વિગતો રજૂ કરી. છતાં જૈને તેમની કામગીરીના વખાણ સુધ્ધાં કર્યાં નહીં. પરમાર રજા લઈ રહ્યા હતા ત્યારે પરમારે ઊભા થતાં પૂછ્યું, “સર, રામને ઇન્ટ્રોગેટ કરવા માટે જયપુર જેલમાં જવાની મંજૂરી મેં માગી હતી, તે આવી?” જૈને તરત સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “સારું થયું પરમાર, તમે મને યાદ અપાવ્યું. મેં ડીજીપી સાહેબને મંજૂરી માટે લખ્યું હતું. હજી સુધી તેમનો કોઈ જવાબ નથી. આજે બપોરની ટી મિટિંગમાં હું પૂછી લઈશ.”

- Advertisement -

પરમાર ડીઆઇજીની ઑફિસમાંથી નીકળી પોતાની ઑફિસમાં આવ્યા. તેમનો કૉન્સ્ટેબલ સરકારી ટપાલો તેમના ટેબલ ઉપર મૂકી ગયો. પરમારને યાદ આવ્યું કે ઘણા દિવસથી આદેશ સાથે વાત થઈ નથી. તેમણે ફોન કાઢી આદેશને ફોન લગાડ્યો. તે ખુશ હતા. કારણ કે હવે તેમની ઇચ્છા પ્રમાણેની તપાસ થઈ રહી હતી. જોકે તેમના સિનિયરો તેમની તપાસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, છતાં અડચણો વચ્ચે પણ તપાસની મજા હતી. આદેશે ફોન ઉપાડતાં પરમારે તેને પણ હમણાં નહીં લખવાની શરતે ઘણી બધી નવી બાબતોની ચર્ચા કરી. ખરેખર તો નિઝામ અને રૂપા સાથે ત્રીજી વ્યક્તિ રામ છે તેવી શંકા વ્યક્ત કરનાર જ આદેશ હતો. પરમારને આદેશ ઉપર માન થતું હતું કે, એક ક્રાઇમ રિપોર્ટર જો પ્રામાણિકપણે ક્રાઇમ રિપોર્ટિંગ કરે તોપણ પોલીસને ઘણીબધી મદદ થઈ શકતી હતી અને આદેશ તે પ્રમાણે કરતો હતો. પરમાર અને આદેશે રાત્રે મળવાનું નક્કી કર્યું અને પરમારે ફોન મૂક્યો હતો.

ફોન પૂરો થયા પછી પરમારે પહેલા કોના તરફથી ટપાલો આવી છે, તે જોવાની શરૂઆત કરી હતી. મોટા ભાગની ટપાલો તો ઇન્ટર ડિપાર્ટમેન્ટની હતી, પણ એક ટપાલ જોતાં તેમની આંખો ચાર થઈ ગઈ! અને ઉત્સુકતા પણ વધી કે ટપાલમાં શું હશે?! તેમણે ઉતાવળે ટપાલ ખોલી, ટપાલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી હતી. તે પહેલાં તો ઉતાવળે ટપાલ વાંચી ગયા, ત્યારે તેમની આંખોમાં રોમાંચ હતો. પહેલાં તો તેમને લાગ્યું કે, તેમની વાંચવામાં કોઈ ભૂલ તો થતી નથી ને! માટે ફરીથી એક એક લાઇન વાંચી ગયા. તેમણે ટપાલ ટેબલ ઉપર મૂકી, ઉપર તરફ જોયું અને આંખો બંધ કરી ઉપરવાળાનો મનોમન આભાર માન્યો.

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી જે ટપાલ મળી હતી, તે રૂપાના હાડપિંજરના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ હતો. મહી નદીની કોતરોમાંથી મળેલાં હાડકાં રૂપાનાં જ હતા, તે સાબિત કરવા માટે રૂપાના ભાઈના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ લોહીના નમૂના અને હાડપિંજરમાંથી મળેલું ડીએનએ એક જ હોવાનો રિપોર્ટ ફોરેન્સિક અધિકારીએ આપ્યો હતો. આ ડીએનએ ટેસ્ટના કારણે નિઝામ બાદ રૂપાની હત્યા પણ પોલીસ-અધિકારીઓએ જ કરી હોવાનું ફલિત થયું હતું, એટલે હવે પોલીસ-અધિકારીઓ સામે બીજા ખૂનનો ગુનો નોંધાવવાનો હતો.

- Advertisement -

પરમાર ઉતાવળે પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી ડીઆઇજી અક્ષય જૈનની ચેમ્બરમાં પહોંચ્યા. કંઈ પણ બોલ્યા વગર તેમણે પોતાના હાથમાં રહેલો ફોરેન્સિક રિપોર્ટ, તેમના ટેબલ ઉપર મૂક્યો. જૈન વાંચતા જ રહ્યા, પણ જાણે તે કંઈ બોલી શકતા જ ન હતા. તેમને મનમાં લાગી રહ્યું હતું કે સરકારે ડેમેજ કંટ્રોલર તરીકે સીઆઇડીમાં મૂક્યા છે, પણ તે આવ્યા ત્યારથી ડેમેજમાં વધારો થઈ રહ્યો છે. તે ગુમસૂમ થઈ ગયા. હજી રિપોર્ટ તેમના હાથમાં જ હતો. પરમાર પણ તેમને થોડીક ક્ષણ જોઈ રહ્યા. પછી કહ્યું : “સર.” જૈન જાણે ઊંઘમાંથી ઝબકી ગયા હોય તેમ જવાબ આપ્યો : “હં.” પરમારે કહ્યું, “સર, આગળની પ્રોસિજર કરવી પડશે. આપણી એફ.આઇ.આર. પ્રમાણે નિઝામની હત્યા થઈ અને રૂપા મિસિંગ છે, પણ હવે રૂપાનું મર્ડર પ્રૂવ થઈ ગયું છે.” જૈન જાણે સ્કૂલના વિદ્યાર્થી અને પરમાર તેમના શિક્ષક હોય તથા શિક્ષક વિદ્યાર્થીને સૂચના આપતો હોય તે રીતે જૈન પરમારની સૂચના સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર શૂન્યાવકાશ હતો. તેમણે કંઈ જ જવાબ આપ્યો નહીં. એટલે પરમારે ધીમા પણ મક્કમ અવાજે પૂછ્યું, “સર, કોર્ટની નોટિસમાં આ મુદ્દો પણ મૂકી દઉં?” જૈનને કંઈ સૂઝ્યું નહીં. તેમણે જવાબ આપ્યો : “હા હા, ઍકોર્ડિંગ ટુ લૉ જે પણ કંઈ થતું હોય તે કરો.” પરમાર ત્યાંથી નીકળવા માગતા હતા, પણ હજી જૈનના હાથમાં જ પેલો રિપોર્ટ હતો, જેની તેમને જરૂર હતી.

પરમારને ઊભા રહેલા જોઈ જૈને કહ્યું, “હા પરમાર… તો નીકળો તમે.” પરમારે સંકોચ સાથે જૈનના હાથમાં રહેલા રિપોર્ટ તરફ ઇશારો કરતાં કહ્યું, “સર, આ રિપોર્ટની મને જરૂર પડશે.” જૈનને ત્યારે યાદ આવ્યું કે તેમના હાથમાં રિપોર્ટ છે. આ રિપોર્ટ જાણે જીવતો બૉમ્બ હોય તે રીતે એકદમ છોડી દેતાં કહ્યું , “હા હા, લઈ જાવ; મને કોઈ જરૂર નથી.” પરમાર રિપોર્ટ લઈ બહાર નીકળ્યા અને જૈને પોતાના ટેબલ ઉપર પડેલો પાણીનો ગ્લાસ ઉપાડી પીધો અને માથું પકડી બેસી ગયા હતા.

પરમારને લાગી રહ્યું હતું કે, એક પછી એક લૉટરી લાગી રહી છે. ઘણાં વર્ષો પછી આવું ઇન્વેસ્ટિગેશન તેમને મળ્યું હતું. પરમારને યાદ આવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ અંગે તેમણે નિઝામના ભાઈ નૂરુને જાણ કરવી જોઈએ. કારણ કે રૂપાના ભાઈને ડીએનએ ટેસ્ટ માટે તેણે તૈયાર કર્યો હતો અને તેને લઈ અમદાવાદ આવ્યો હતો. પરમારે જ્યારે નૂરુને સારા સમાચારની જેમ ડીએનએ ટેસ્ટ પૉઝિટિવ હોવાની વાત કરી ત્યારે સામે છેડે રહેલા નૂરુનો કોઈ અવાજ જ ના આવ્યો. પરમાર ઇન્વેસ્ટિગેશનના ઉત્સાહમાં ભૂલી ગયા હતા કે તે જેને સારા સમાચાર કહી રહ્યા હતા, તે નૂરુ માટે સારા ન હતા! રૂપા તેની ભાભી હતી… ડીએનએ ટેસ્ટ મૅચ થતા હતા, તેનો અર્થ હતો કે હવે રૂપા પણ આ દુનિયામાં રહી નથી. ડીએનએ ટેસ્ટ રૂપાના મૃત્યુને કાયદેસરતાની મહોર વાગી હતી.

- Advertisement -

નૂરુનો કોઈ જવાબ નહીં મળતાં પરમારે પૂછ્યું, “નૂરુ, મેરી આવાઝ તુમ તક પહુંચ રહી હૈ? સૂન રહે હો મૈં ક્યાં કહ રહા હૂં?” નૂરુએ જવાબ આપ્યો, “જી સર, ઇન્વેસ્ટિગેશન કા નતીજા અચ્છા હૈ, લેકિન મેરી ભાભી ઘર આયેંગી વો ઉમ્મીદ ખત્મ હો ગઈ.” પરમારને પોતાની ભૂલ સમજાઈ. તેમણે માફીના સ્વરમાં કહ્યું, “નૂરુ, આઇ ઍમ રિયલી સૉરી. સાલી પોલીસ કી નૌકરીને હમેં હાર્ટલેસ બના દિયા, હમેં દૂસરોં કે જજબાત સમજ હી નહીં પાતે. તુમ્હારી બાત સહી હૈ. મુઝે યે કહના થા, અબ રૂપા કભી ઘર નહીં આયેગી.” પરમાર અને નૂરુ બંને એકબીજા સાથે કોઈ વાત કરી શકે તેવી સ્થિતિમાં ના રહ્યા. નૂરુએ પરમારને કહ્યું, “સર, એક બિનતી હૈ, અગર રૂપા કી કુછ અસ્થિ હમેં મિલ જાતી તો બડી મેહરબાની હોતી. રૂપા તો હિંદુ થી, હમ ઔર કુછ નહીં કર પાયે, લેકિન ઉસકી અસ્થિ કા વિસર્જન કરેંગે તો હમેં ભી ઔર ઉસે ભી અચ્છા લગેગા.” નૂરુ બહુ મોટી વાત કરી ગયો હતો. નૂરુ પરમારને જોઈ શકતો ન હતો, પણ તેણે આ વાત કરી પરમારની આંખોના ખૂણા ભીના કરી દીધા હતા.

એક મુસ્લિમ વ્યક્તિ એક હિંદુ મહિલાના મૃત્યુ પછી તેના ધર્મ અને તેની આસ્થાને માન આપી રહ્યો હતો. પરમારે પોતાની આંખો સાફ કરતાં કહ્યું, “જી નૂરુ, મૈં આપકી ભાવનાઓં કી કદર કરતા હૂં. હમારે પાસ ભી રૂપા કી અસ્થિ હૈ, જો મૈં તુમ્હેં દે સકતા હૂં. અગર તુમ ચાહો તો મેરા પોલીસવાલા રાજસ્થાન આકે તુમ્હેં દે જાયેગા.” નૂરુએ આભાર માનતાં કહ્યું, “નહીં સર; હમ ખુદ અમદાવાદ આ જાયેંગે, ઔર નર્મદા નદી મેં અસ્થિ કા વિસર્જન કર દેંગે… આપ કા બહુત બહુત શુક્રિયા.” ફોન મૂક્યા પછી પરમાર શાંત થઈ ગયા. નૂરુ એક સામાન્ય સરકારી કર્મચારી હતો, પણ તેની અંદરનો માણસ ખૂબ મોટો હતો… એટલો મોટો જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.

(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular