Wednesday, October 28, 2026
HomeGujaratગૃહ રાજ્યમંત્રી અસલી પૉલિટિશ્યન હતા, પોલીસને પણ ના સમજાઈ તેમની આ રમત...

ગૃહ રાજ્યમંત્રી અસલી પૉલિટિશ્યન હતા, પોલીસને પણ ના સમજાઈ તેમની આ રમત અને… | શતરંજ-72

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-72, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર જેવા પોતાની ઑફિસમાં દાખલ થયા તેની સાથે પટાવાળાએ કહ્યું, “સર, ડીઆઇજી સાહેબ તમને યાદ કરતા હતા.” પરમારને તરત ગઈ કાલની વાતો યાદ આવી ગઈ. ફરી ફરી ડીઆઇજી કઈ રીતે કેસને નબળો પાડી શકાય તેની જ ચર્ચા કરશે. પરમારને આ બધી વાતોથી રીતસર કંટાળો આવી ગયો હતો. બધા જ સિનિયર અધિકારીઓને ખબર હતી કે, પરમાર આ કેસમાં કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી છતાં રોજેરોજ તેમની ઉપર ક્યારેક ડિપાર્ટમેન્ટના નામે તો ક્યારેક મરનારા ક્યાં સારા માણસ હતા, તેવું યાદ અપાવી રહ્યા હતા. ડીઆઇજી અક્ષય જૈનનું તેડું આવ્યું છે તેવું સાંભળતાં તેમનો મૂડ બગડી ગયો. તે તેમના ચહેરા ઉપર સાફ દેખાતું હતું. આ વાતની નોંધ ત્યાં હાજર પટાવાળાએ પણ લીધી. તે જ વખતે પરમારનું ધ્યાન પટાવાળાની સામે ગયું. તે પરમારનો ચહેરો વાંચી રહ્યો હતો. પરમારે તેની સામે જોતાં તેણે પોતાની નજર હટાવી લીધી.

પરમાર તરત ડીઆઇજીની ચેમ્બરમાં જવા માટે વળ્યા, તેમને થતું હતું કે આજે તો ડીઆઇજીને કહી દેશે, “બસ થયું સાહેબ; હવે મારે આ મુદ્દે કોઈ વાત કરવી નથી.” પણ પરમારને ખબર હતી કે, પોલીસ ખાતાની શિસ્તને કારણે તે આવું કંઈ કહી શકવાના નથી. તેમને જોતાં જૈન સાહેબના પટાવાળાએ ચેમ્બરનો દરવાજો ખોલી નાખ્યો. પરમારે સલામ કરતાં કહ્યું, “ગુડ મૉર્નિંગ સર.” “આવો આવો, પરમાર, ગુડ મૉર્નિંગ…” જૈને તરત વાત ઉપર આવતાં કહ્યું, “પરમાર, તમે જયપુર જેલમાં જઈ રામને ઇન્ટ્રોગેટ કરવા માગતા હતા પણ ત્યાં જવાની મંજૂરી આવે તે પહેલાં તેનું ઍન્કાઉન્ટર થઈ ગયું!” “કંઈ વાંધો નહીં. આવું બધું તો થતું રહે. આપણું કામ તપાસ કરવાનું છે. મને લાગે છે કે હમણાં જ તમે હિંમતનગર જવા રવાના થાવ. ક્રાઇમ સાઇટ તો તમે ગઈ કાલે જ જોઈ હતી. હિંમતનગર પોલીસે જે ગુનો દાખલ કર્યો છે, તેની કૉપી પણ જોઈ અને જરૂર પડે રાજસ્થાન પણ પછી જઈ આવજો. મારે ડીજી સાહેબ સાથે વાત થઈ ગઈ. તમારી મંજૂરી આજ સાંજ સુધી આવી જશે.”

- Advertisement -

પરમાર કંઈ જ સમજી શક્યા નહીં. ડીઆઈજી જૈન બધી વાત એક જ શ્વાસે બોલી ગયા. ગઈ કાલે જ્યારે પરમાર ઍન્કાઉન્ટર સ્પૉટ ઉપર ગયા તો તેમણે ઠપકો આપી પાછા બોલાવી લીધા હતા અને આજે તે પોતે તેમને હિંમતનગર જવાનું કહેતા હતા! બીજી વાત રામ જીવતો હતો ત્યારે ડીજીપીએ રાજસ્થાન જવાની મંજૂરી આપી નહીં અને હવે સાંજે મંજૂરી આવી જશે તેવું કહ્યું?! ખરેખર શું થઈ રહ્યું છે તે આટલી ઝડપે સમજવું મુશ્કેલ હતું. પરમારને વિચાર કરતો જોઈ જૈને પૂછ્યું : “પરમાર, શું વિચારમાં પડી ગયા છો?” તરત પરમારે પોતાના વિચારોને ખંખેરી નાખતાં કહ્યું, “કંઈ નહીં. સર, હું હમણાં હિંમતનગર જવા નીકળું છું.”

પરમાર ચેમ્બરની બહાર નીકળ્યા. તેમણે મોબાઇલ ફોન કરી પોતાના સરકારી ડ્રાઇવરને પોર્ચમાં ગાડી લગાડવાની સૂચના આપી. પરમારને લાગી રહ્યું હતું કે, જે રીતે અક્ષય જૈનનો વ્યવહાર બદલાયો છે, તે જોતાં કંઈક બન્યું છે જરૂર. પણ શું બન્યું હતું, તેનો તાળો મળી રહ્યો ન હતો. પરમાર ગઈ કાલે ડીઆઇજી જૈનને મળ્યા પછી કઈ કઈ ઘટનાઓ ઘટી હશે તેનો વિચાર કરી રહ્યા હતા. ત્યારે તેમને એકદમ ઝબકારો થયો. હા, ગઈ કાલે સાંજે મંત્રી અમર ઠાકોર સાથે મિટિંગ હતી. પણ મંત્રી સાથેની મિટિંગ ક્યારેય સારા વાતાવરણમાં તો થાય જ નહીં. ડીજીપી અને ડીઆઇજી જ્યારે પણ મંત્રીને મળી આવે ત્યારે તેમનો મૂડ ખરાબ રહેતો. કારણ કે મંત્રી મા-બહેન સામેની ગાળ બોલવા સિવાય બધું જ કરી લેતા હતા. તો પછી શું બન્યું હશે, તે વિચારમાં પરમાર પોતાની કારમાં ગોઠવાઈ ગયા. તેમની કાર હિંમતનગર હાઇવે ઉપર દોડી રહી હતી, પણ તેમના વિચારો હજી અક્ષય જૈનની ચેમ્બરમાં જ ફર્યા કરતા હતા.

તેમને યાદ આવ્યું કે કદાચ તેમના આ પ્રશ્નનો જવાબ ડીઆઇજી વિવેક પંત પાસે હોય. પરમારે તરત પંતને ફોન લગાડ્યો. પરમારનો ફોન જોઈ પંત ખુશ થઈ ગયા હોય તેમ સામે છેડેથી અવાજ આવ્યો : “ક્યા બાત હૈ પરમાર? આપ હમેં ભૂલે નહીં.” પરમારે તરત ‘જયહિંદ સર’ કહી વાતની શરૂઆત કરી. પહેલાં બંનેએ જૂની વાત કરી. પછી પરમારે પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્ન અંગે વાત કરતાં પંત થોડો સમય વિચાર કરવા લાગ્યા. પછી તેમને જે વાત સમજાઈ હતી, તેનો ફોડ પાડતાં કહ્યું, “પરમાર, તુમ્હારા ડાઉટ સહી હો સકતા હૈ. અગર કલ કી મિટિંગ કે બાદ અક્ષય કા રવૈયા બદલા હૈ, તો ઉસકા મતલબ સાફ કિ અબ મંત્રીજી જો સાહબ સે ભી ચાલાક હૈ, ઉનકી ઉન્હોંને કોઈ નઈ ચાલ ચલી હૈ, યહ પૉલિટિશિયન.” પછી તેમના મોઢામાંથી ગાળ નીકળી… “એક નંબર કે સ્વાર્થી ઔર કમીને હોતે હૈં. કોઈ બાત નહીં. હમેં ક્યા કરના હૈ… યહીં ભુગતેંગે સભી સાલે. તુમ અપના કામ અચ્છી તરહ કરો.” “જી સર.” કહી પરમારે ફોન મૂક્યો.

- Advertisement -

પંતનો જવાબ તેમને વાજબી લાગતો હતો, પણ આ કંઈ આખરી અને સાચો જ જવાબ છે તેવું પરમારને નહોતું લાગી રહ્યું. તે વિચારોમાં હતા, તે જ વખતે ડ્રાઇવરે પૂછ્યું : “સાહેબ, પોલીસ સ્ટેશન જવાનું છે?” પરમારે બારીમાંથી નજર કરી તો તેમની કાર હિંમતનગરમાં એન્ટ્રી લેવા માટે બનેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. પરમારે એક ક્ષણ વિચાર કરીને કહ્યું, “હા… સારું. પોલીસ સ્ટેશને જ લઈ લે.” તેમની કાર હિંમતનગર એસટી-સ્ટૅન્ડ ક્રૉસ કરી પોલીસ સ્ટેશન તરફ આગળ વધી. હિંમતનગરના એકાદ-બે પોલીસ-કૉન્સ્ટેબલ બહારની પોલીસકાર જોઈ કારમાં કોણ પોલીસ-અધિકારી છે તે જોઈ રહ્યા હતા.

કાર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ. પરમારને કારમાંથી ઊતરતા જોઈ તેઓ કોઈ મોટા અધિકારી હશે તેવા અનુમાન સાથે બહાર ઊભા રહેલા કૉન્સ્ટેબલે તેમને સલામ કરી. તે સીધા પોલીસ સ્ટેશન-ઑફિસર પાસે ગયા. તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું : “ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર સીઆઇડી ક્રાઇમ.” આટલું સાંભળતાં પીસીઓ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તેની સામે બેઠેલો ટેલિફોન ઑપરેટર પણ ઊભો થઈ ગયો. બંનેએ પરમારને સલામ કરી. પરમારે આદેશાત્મક ભાષામાં કહ્યું, “રામના ઍન્કાઉન્ટરની એફ.આઇ.આર. જોવી છે.” પીએસઓએ તરત પોતાની પાસે પડેલી એફ.આઇ.આર.નાં પાનાં ફેરવ્યાં અને રામની ઍન્કાઉન્ટરની ફરિયાદનું પાનું ખોલી પરમાર તરફ એફ.આઇ.આર. ફેરવી. પરમાર તરત ત્યાં ખાલી ખુરશી ઉપર બેસી ફરિયાદ વાંચવા લાગ્યા.

ફરિયાદની શરૂઆત આવી હતી : હું દિવ્ય ભટ્ટ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નોકરી સ્ટ્રાઇકિંગ ફોર્સ ડીએસપી સ્ક્વૉડ. અમને મળેલી રાજસ્થાન પોલીસ તરફથી સૂચનાને આધારે અમે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઇસમ જેનું વર્ણન પોલીસ જાપ્તામાંથી ભાગેલા રામ સાથે મળતું આવતું હતું તેને અટકાવતાં તેણે પોલીસપાર્ટી ઉપર બે રાઉન્ડ ગોળી છોડી હતી, જેમાં અમારા ડાબા ખભે ઈજા પહોંચી હતી.” પરમારને ખબર હતી કે હવે પછી કઈ કઈ વિગતો એફ.આઇ.આર.માં હોવી જોઈએ છતાં તે આખી ફરિયાદ ધ્યાનથી વાંચી રહ્યા હતા.

- Advertisement -

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular