નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: અંબાજીનું રેવલે સ્ટેશન હવે હાઇ ટેક સુવિધાથી સજ્જ બનવા માટે જઇ રહ્યું છે. જેવી રીતે ગાંધીનગર રેવલે સ્ટેશન બનવામાં આવ્યું છે તેવી રીતે અંબાજી સ્ટેશનમાં પણ ઉપરના પાંચ માલ સુધી રહેવા માટેની હોટલ હશે. અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર 100 રૂમની બજેટ હોટલ જેથી કરીને હવે શ્રધાળુંને રહેવા માટે મુશ્કેલી નહીં પડે.

PM ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે 13 જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. 18 જુલાઈ 2022ના રોજ રેલવેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવએ ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશે અને પાંચ માળ સુધી હોટલ માટેની જગ્યા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટને પૂર્ણ થતાં પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ રેલવે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલવે દ્વારા તેના માટે 15 સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 33 મેજર બ્રિજ બનશે ઉપરાંત 409 હેક્ટર જમીનનો ઉપયોગ થશે.








