Tuesday, October 27, 2026
HomeGujarat'મેં કે CM એ ક્યારે કહ્યું કે એન્કાઉન્ટર કરજો?' ગૃહમંત્રીએ હાથ ખંખેર્યા...

‘મેં કે CM એ ક્યારે કહ્યું કે એન્કાઉન્ટર કરજો?’ ગૃહમંત્રીએ હાથ ખંખેર્યા DGP જોતા રહી ગયા | શતરંજ-71

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-71, નવજીવન ન્યૂઝ): ડીઆઇજી અક્ષય જૈન અને ડીજીપી ચૌબે ગૃહરાજ્યમંત્રી અમર ઠાકોરની ઑફિસમાં કેસપેપર સાથે પહોંચી ગયા. મંત્રી ઠાકોર રોજ ધૂંવાંપૂંવાં રહેતા હતા તેવો તેમનો મૂડ ન હતો. ક્યારેક ડીઆઇજી જૈન તેમને કેસમાં થઈ રહેલી પ્રગતિ અંગે સમજાવતા તો ક્યારેક ડીજીપી ચૌબે. તે ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બંને અધિકારીઓ કેસમાં મળેલા પુરાવાઓ અને તે પુરાવાઓ કઈ રીતે બદલી શકાય તેની પણ વાત કરતા હતા. આ પહેલી મિટિંગ હતી જેમાં ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા અને ડીસીપી જે. કે. વછરાજાની ન હતા. આ વાતનું ચૌબે અને જૈન બંનેને આશ્ચર્ય હતું, લગભગ પોણો કલાક સુધી બંને અધિકારીઓને સાંભળ્યા બાદ મંત્રી અમર ઠાકોરે આળસ મરોડતાં કહ્યું, “જુઓ ચૌબે, તમે ગુજરાત પોલીસના સૌથી સિનિયર આઇપીએસ અધિકારી છો.” મંત્રીના શબ્દો સાંભળી ચૌબેના ચહેરા ઉપરના ભાવ બદલાયા. તેમને લાગ્યું કે ‘ખરેખર મંત્રી તેમને સિનિયર પોલીસ-અધિકારી માને છે’.” મંત્રીએ કહ્યું, “અમે રહ્યા રાજકારણીઓ. અમને રાજકીય રમતો અને કાવાદાવા આવડે. ગૃહમંત્રી હોવા છતાં તમારા ખાતામાં અમારી ટપ્પી ના પડે.”

મંત્રી ઠાકોરમાં ૩૬૦ ડિગ્રીનો ફેરફાર જોઈ બંને અધિકારીઓ એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમને ખબર પડતી ન હતી કે મંત્રીમાં આવો ફેરફાર કેવી રીતે આવ્યો. મંત્રી પોતાની સંપત્તિ હોય તેવી પોતાની વિશાળ ફાંદ ઉપર હાથ ફેરવતાં બોલ્યા : “ચૌબે, એક ગુજરાતી હોવાને કારણે મારો ઝુકાવ કાયમ ગુજરાતીઓ તરફ રહ્યો છે. માઠું ના લગાડતા. પણ હવે તો આટલાં વર્ષો ગુજરાતમાં રહ્યા પછી તમે બંને પણ ગુજરાતી થઈ ગયા છો. મુખ્યમંત્રી ગોવિંદરાયને પણ એવું લાગતું હતું કે, વર્ષો સુધી રાજ્યમાં આક્રોશ પાર્ટી સત્તા ઉપર રહી તેમાં ગુજરાતી અધિકારીઓને અન્યાય થયો. તેમને સાઇડ પોસ્ટિંગ મળતાં રહ્યાં, તેથી જ તેમણે મને સૂચના આપી હતી કે, સારા અને કાબેલ ગુજરાતી પોલીસ-અધિકારીઓ હોય તો સારી જગ્યાએ મૂકવા જોઈએ.”

- Advertisement -

અક્ષય જૈન ડીજીપી ચૌબે સામે જોઈ રહ્યા હતા. તે જાણવાનો પ્રયત્ન કરતા હતા કે, ચૌબે સરને આખી વાત સમજાઈ રહી છે કે નહીં. કારણ કે જૈન માટે બધી જ વાતો માથા ઉપરથી જઈ રહી હતી. ડીજીપીના પદ સુધી જવા માટે ચૌબેએ નેતાઓનાં તળિયાં ચાટી નાખ્યાં હતાં. તે લાલચુ હતા પણ મૂર્ખ ન હતા. તેમને ધીરે ધીરે વાત કઈ તરફ જઈ રહી છે તે સમજાઈ રહ્યું હતું. મંત્રીની વાત ચાલતી હતી ત્યારે ઇન્ટરકોમ ઉપર એક ફોન આવ્યો. આ તક જોઈ જૈને ચૌબે સરને હાથના ઇશારે પૂછ્યું : આ શું ચાલી રહ્યું. ચૌબેએ પણ તેને હાથના ઇશારે શાંત રહેવાની સૂચના આપી. ફોન પતાવી મંત્રી ઠાકોરે ફરી વાત શરૂ કરી.

“વછરાજાની અને જાડેજા સારા અધિકારી છે. તેમણે ઘણાં સારાં કામ કર્યાં અને કરતા રહેશે, તેમાં કોઈ શંકા નથી. પણ સત્તા બધાને પચતી નથી.” મંત્રીએ તરત વાત બદલતાં ચૌબે સામે જોઈ પૂછ્યું, “બોલો ચૌબેજી, મેં તમને ક્યારેય કોઈ ખોટું કામ કરવા માટે ફોન કર્યો કે દબાણ કર્યું? તરત ચૌબેએ જૈન સામે જોતાં કહ્યું, “ના, ના, સર, ક્યારેય નહીં.” જૈને પણ અહોભાવ સાથે ડીજીપીની વાતમાં હા કહેવા માટે માથું ધુણાવ્યું. મંત્રીએ તરત કહ્યું, “તો પછી આવા ધંધા કરવાની ક્યાં જરૂર હતી? મેં અથવા મુખ્યમંત્રીએ ક્યારેય કહ્યું કે ઍન્કાઉન્ટરો કરજો? કંઈ નહીં… જે થઈ ગયું તે થઈ ગયું. જે થયું તેની જવાબદારી પણ મારી છે, કારણ કે હું રાજ્યનો ગૃહમંત્રી છું.” જૈન અને ચૌબે બંને મંત્રીની મર્દાનગી ઉપર વારી ગયા હોય તેવો તેમનો ચહેરો હતો. જોકે ચૌબે માટે તેમની કૅરિયરમાં આ ૧૮મા ગૃહમંત્રી હતા. તે ભોઠ હોવાનો ડોળ કરતા હતા, પણ હતા નહીં.

મંત્રી થોડીક મિનિટ માટે એકદમ શાંત થઈ ગયા. પોતાના બંને હાથના પંજાઓ પાછળ તરફ કરી માથાને ટેકો આપી કંઈક વિચારી લીધું. પછી થોડા આગળ તરફ નમીને કહ્યું, “જુઓ, તમને મારા અંગત સમજું છું માટે આ હૃદયની વાત કરું છું. આ વાતો આપણા ત્રણ પૂરતી જ રાખજો. સીએમ સાહેબ તો ખૂબ નારાજ થઈ ગયા હતા. મને કહેતા હતા કે, ‘ક્યાં સુધી આવા મૂર્ખ અધિકારીઓને આપણે છાવરવાના? જેલમાં જાય તો ભલે. આપણી કેટલી બદનામી થઈ રહી છે.’ પણ મેં તેમનો ગુસ્સો શાંત કરતાં કહ્યું, ‘તમે ચિંતા ના કરો; હું જોઈ લઈશ.’ આખરે આપણે તો આપણા ડિપાર્ટમેન્ટ માટે કરવું જ પડશે ને!” ‘સર, સર’ કહી બંને પોલીસ-અધિકારીઓ મંત્રીની વાતમાં હામી ભરતા હતા.

- Advertisement -

અચાનક વાતનો અંત લાવતાં મંત્રીજીએ કહ્યું, “છોડો ચૌબે આ બધી વાતો. મૂળ વાત ઉપર આવો. હવે આપણે શું કરવાનું છે?” ચૌબે કંઈ પણ બોલે તે પહેલાં અક્ષય જૈને વાતની શરૂઆત કરતાં કહ્યું, “સર, આપણે સુપ્રીમ કોર્ટને સ્ટેટ રિપોર્ટ મોકલવાનો છે.” જૈને એક ક્ષણ રોકાઈ ચૌબે સામે જોતાં મંત્રીને સંબોધતાં કહ્યું, “મને લાગે છે કે સર, આપણી લાગણીઓ બાજુ ઉપર મૂકી વાસ્તવિકતા ઉપર આવી જવું જોઈએ. જે વસ્તુ બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં છે તેને લાંબો સમય છુપાવી શકીશું નહીં. બીજી બાજુ, પેલો એન.જી.ઓ.વાળો રાકેશસિંહ દરેક મુદતે સુપ્રીમ કોર્ટમાં આપણને ગાળો આપે છે કે, આપણે તપાસ બરાબર કરતા નથી. આપણી તપાસમાં ખામીઓ છે. જો આવું લાંબો સમય ચાલ્યું તો મને લાગે છે કે સુપ્રીમ કોર્ટ આ કેસ સી.બી.આઇ.ને સોંપી દેશે અને પછી આપણા હાથમાં કંઈ રહેશે નહીં.” મંત્રી પોતાની ટાલ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં જાણે જૈન સાથે સંમત થતાં હોય તેવું લાગી રહ્યું હતું.

જૈનની વાત અટકાવતાં ચૌબેએ કહ્યું, “સર, અક્ષય સાચું કહે છે. સુપ્રીમ કોર્ટને આપણે યોગ્ય તપાસ કરી રહ્યા છીએ તેવો અહેસાસ પણ થવો જોઈએ.” આ વાક્ય સાંભળતાં મંત્રીએ પોતાનાં ચશ્માં સહેજ નીચાં કરી ડીજીપી ચૌબે સામે જોયું અને ખંધું હસ્યા. અક્ષય જૈનને સમજાયું નહીં કે ચૌબે અને મંત્રી વચ્ચે શું વાત થઈ ગઈ. હજી બંને પોલીસ-અધિકારીઓ પોતાની નેક્‌સ્ટ સ્ટ્રૅટેજી સમજાવી રહ્યા હતા ત્યાં જ મંત્રી પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને કહ્યું : “વેલ, તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે. ચાલો, તો મળીએ.” બંને પોલીસ-અધિકારીઓ પણ ઊભા થયા અને મંત્રીને સલામ કરી. જોકે મંત્રી તેમની સલામી જોવા માટે પણ રોકાયા વગર પોતાની ચેમ્બરની બહાર નીકળી ગયા.

સચિવાલયની લિફ્ટમાં ઊતરતી વખતે અક્ષય જૈન પાસે અનેક સવાલો હતા, પણ ડીજીપી ચૌબેનો ચહેરો કહી રહ્યો હતો કે, ‘ધીરજ રાખ, પછી વાત કરીએ છીએ.’ ડીઆઇજી જૈન અને ડીજીપી ચૌબે સચિવાલયમાંથી નીકળી સીધા ડીજીપી ઑફિસ આવ્યા. જૈનના ચહેરા ઉપર હજી વિદ્યાર્થીભાવ હતો… જાણે ક્યારે તેનો શિક્ષક તેને નહીં આવડતો ગણિતનો દાખલો શિખવાડશે! ડીજીપી રામકિશોર ચૌબે પોતાની ખુરશીમાં બેઠા ત્યારે તેમના ચહેરા ઉપર એક પ્રકારનો સંતોષ હતો. કદાચ પહેલી વખત તેમના મંત્રીની આવી દયનીય હાલત જોઈ હતી.

- Advertisement -

અક્ષય જૈન તેમની સામે બેઠા હતા, તેમણે જૈન સામે જોતાં કહ્યું, “અક્ષય, તાશ કે ખેલ મેં કભી કભી ખેલાડી તો કભી તાશ હી બદલ જાતે હૈં, ઔર તબ ખેલ કહાં સે કહાં પહુંચ જાતા હૈ.” અક્ષય હજી સમજી શકતો ન હતો. ડીજીપી ચૌબેએ એક જ લીટીમાં સ્પષ્ટતા કરતાં કહ્યું : “ખેલ બદલ રહા હૈ, ઔર નિયમ ભી બદલ જાયેંગે… વછરાજાની ઔર જાડેજા કે બુરે દિન અબ દૂર નહીં. ઉનકા ઇસ્તમાલ કરના થા, હો ગયા.”
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular