પ્રશાંત દયાળ (શતરંજ-73, નવજીવન ન્યૂઝ): પીએસઆઇ દિવ્યાંગ ભટ્ટની ફરિયાદ પ્રમાણે તેમને રાજસ્થાન પોલીસ તરફથી સૂચના મળી હતી કે, રાજસ્થાન પોલીસના જાપ્તામાં રહેલા રામને લઈ રાજસ્થાન પોલીસના બે કૉન્સ્ટેબલ અને એક હેડ કૉન્સ્ટેબલ રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપૉર્ટ સર્વિસ બસમાં અમદાવાદ મુદતે લઈ આવ્યા હતા અને તેવી જ રીતે તેને પાછો બસ દ્વારા રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો. પાછા ફરતી વખતે બસ શામળાજી ચેકપોસ્ટ બાદ રાજસ્થાનની હદમાં ચા-પાણી માટે ઊભી રહી ત્યારે રામે પોલીસને બાથરૂમ જવાની વિનંતી કરતાં બે કૉન્સ્ટેબલ હાથકડી બાંધેલી હાલતમાં તેને લઈ નીચે ઊતર્યા હતા. સાંજ થઈ ગઈ હોવાને કારણે અંધારું પણ થઈ ગયું હતું. તે તકનો લાભ લઈ તેણે એક કૉન્સ્ટેબલને ધક્કો માર્યો, અને તે ભાગી છૂટ્યો હતો.
રાજસ્થાન પોલીસને અંદાજ હતો કે તે ગુજરાત તરફ જઈ રહેલી કોઈ ટ્રકમાં ચાલુ ટ્રકે ચઢી ગયો હતો. આ અંગે તેમણે રતનપુર ખાતે રામ ફરાર થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ વાંચતાં પરમારના ચહેરા ઉપર હાસ્યની એક લહેર દોડી આવી. મનોમન તે બબડ્યા : કેવી ફિલ્મી ફરિયાદ છે?! રાતના બે વાગ્યાના સુમારે પીએસઆઇ ભટ્ટ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ફતેપુરા ચોકડી પાસે તેમણે શંકાસ્પદ હાલતમાં ફરતા રામને આંતર્યો. તેણે પોતાની પાસે રહેલા દેશી તમંચામાંથી બે રાઉન્ડ ગોળી છોડી હતી, જેમાં એક પીએસઆઇ ભટ્ટને વાગી હતી. ભટ્ટ અને તેના સ્ટાફે કરેલા પાંચ રાઉન્ડ ગોળીબારમાં બે ગોળી રામના પેટના ભાગે વાગતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું!”
પરમાર ફરિયાદ વાંચી રહ્યા હતા તે જ વખતે તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી. તેમને ગુસ્સો આવ્યો, કારણ કે તેઓ રસપૂર્વક ફરિયાદ જોઈ રહ્યા હતા. છતાં તેમણે નારાજગી સાથે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને સ્ક્રીન ઉપર નંબર જોતાં તેમના ચહેરા ઉપરના ભાવ બદલાઈ ગયા. ફોન સાબરકાંઠા એસપી. જે. કે. વછરાજાનીનો હતો. તરત ફોન ઊંચકતાં તેમણે કહ્યું, “નમસ્તે સર.” સામેથી જવાબ મળ્યો : “પરમાર, તમારી સામે ટ્રેસપાસનો ગુનો નોંધવો પડશે.” પછી એકદમ હસવાનો અવાજ સંભળાયો. વછરાજાનીએ ફોડ પાડતાં કહ્યું, “પરમાર, તમે અમારી હદમાં આવો… અમને જાણ પણ ના કરો… તો પછી તમારી મહેમાનગતિનો લહાવો અમને કેવી રીતે મળે?” પરમાર ઝંખવાણા પડી ગયા. એક પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ કક્ષાનો અધિકારી એક સામાન્ય પોલીસ-ઇન્સ્પેક્ટર સાથે કેટલી આત્મીયતાથી વાત કરી રહ્યો હતો! જોકે પરમાર આ પાછળનું કારણ પણ જાણતા હતા, છતાં તેમણે પૂરી અદબથી કહ્યું, “ના… ના, સર, તમને મળ્યા વગર થોડો જવાનો હતો? મને થયું પહેલાં ફરિયાદ વાંચીને તમારે ત્યાં આવું.”
“જુઓ પરમાર, નોકરી… નોકરીની જગ્યાએ. આ બધું તો ચાલતું રહેશે, પણ વ્યક્તિગત સંબંધ જેવું કંઈ હોય કે નહીં? તમે ભલે અમારી સામે તપાસ કરો પણ આપણે તો છીએ એક જ ખાતાના માણસો. જુઓ બને એટલા જલદી મારી ઑફિસમાં આવો. આપણે સાથે જમીશું…” પરમાર કંઈ કહે તે પહેલાં સામે છેડેથી ફોન મુકાઈ ગયો. પરમાર ડીએસપીની જાણ બહાર જ કામ પૂરું કરી જવા માગતા હતા, પણ સ્વાભાવિક હતું કે તેમના તાબાના પોલીસ સ્ટેશનમાં તેઓ આવે અને તેમને ખબર ના પડે તે વાતમાં દમ ન હતો. જોકે હવે ડીએસપી ઑફિસમાં જવું પડે તેમ હતું એટલે પરમાર એફ.આઇ.આર.ની ઝેરોક્ષ કૉપી લઈ એસપી ઑફિસ જવા રવાના થયા હતા.
પરમાર અને વછરાજાની સાથે જમ્યા હતા અને સાંજે ગાંધીનગર આવવા નીકળ્યા હતા. જોકે વછરાજાની સાથે જમતી વખતે પરમારના મનમાં રામનું ઍન્કાઉન્ટર કેવી રીતે થયું તેની જ ગડમથલ ચાલી રહી હતી. એફ.આઇ.આર. વાંચતાં જ તેમને એક પોલીસ-અધિકારી તરીકે અંદાજ આવી ગયો હતો. આખી ઘટના ઉપજાવી કાઢેલી છે, પણ કાગળ ઉપર કઈ રીતે આવી હશે તેની ગડમથલ ચાલી રહી હતી. તે પોતાની ઑફિસમાં આવી આજે કોઈ કામ કરવાના મૂડમાં ન હતા. તેમને થતું કે જો આદેશ આવે તો બે-બે પેગ મારીને છૂટા પડીએ એટલે તેમણે આદેશને ફોન લગાડ્યો. “કેમ છો ભાઈ, અમારી યાદ આવતી નથી? કેટલા દિવસ થયા… મળ્યા નથી. મળી શકાશે?” આદેશ સમજી ગયો. તેણે કહ્યું, “અફ્કોર્સ! મળીયે આઠ વાગે.” પરમારે ફોન મૂક્યો. ઘડિયાળ સામે જોયું તો હજી તો છ વાગી રહ્યા હતા. તેમણે પોતાનું કમ્પ્યૂટર ઑન કર્યું. કેટલાક મેલ આવીને પડ્યા હતા. એક પછી એક મેલ તે ચેક કરી રહ્યા હતા. એક મેલ મોબાઇલ કંપની દ્વારા મોકલવામાં આવ્યો હતો.
તેમણે તે મોબાઇલ કંપનીનો મેલ ખોલીને જોયો. તે ૭૮૧૨ ફોન નંબરના મોબાઇલ ફોનની કૉલ્સ-ડિટેઇલ ૨૦મી નવેમ્બર સુધીની જ હતી. તેનો અર્થ આ નંબર ૨૦ નવેમ્બર પછી ઑપરેટ થયો જ નથી. ફોન સ્વિચ ઑફ કેમ થયો… બે દિવસ પહેલાં જ્યારે તેમને રામનો વિચાર આવ્યો ત્યારે તેમણે આ કૉલ-ડિટેઇલ મંગાવી હતી. સોલાપુરથી હુબલી જતી બસમાં ૮ નંબરની સીટ ઉપર બેઠેલા મુસાફરનો આ નંબર હતો અને તે ત્રીજી વ્યક્તિ રામ જ હતી તેવું કહેનારા સાક્ષીઓ પણ હતા. પણ રામ કોના સંપર્કમાં હતો તે જાણવા માટે આ ફોન- ડિટેઇલ મહત્ત્વની હતી.
રામ જેના સંપર્કમાં હતો તે નંબરો પરમાર ધ્યાનથી જોવા લાગ્યા. જોકે તેમને આશ્ચર્ય થયું… રામ માત્ર એક નંબર ઉપર આ ફોનથી વાત કરતો હતો અને તેનો છેલ્લો ડિજિટ હતો ૫૨૩૨. અને જે દિવસે નિઝામ અને રૂપાને બસમાંથી ઉતાર્યા. તે દિવસે પણ રામે આ નંબર ઉપર વાત કરી હતી. પરમારે તરત પોતાની પાસે રહેલા સૉફ્ટવેરનો ઉપયોગ કરી ચેક કર્યું તો આ નંબર રાજેશ મરાઠા, રહેવાસી ગોતા હાઉસિંગ-ના નામે નોંધાયેલો હતો. એક નવી ગૂંચ ઊભી થઈ હતી. રાજેશ મરાઠા કોણ હતો? કોઈ ક્રિમિનલ હતો? પરમારે પોતાની બ્રાન્ચમાં રહેલા ક્રિમિનલના ડેટા ચેક કર્યા પણ ક્યાંય રાજેશ મરાઠાનું નામ ન હતું. જો રાજેશ કોઈ ગુનેગાર ન હતો, તો પછી રામ તેના સંપર્કમાં કેમ હતો? હવે તે જાણવું જરૂરી હતું કે રાજેશ કોણ છે? પરમારે ફરી ઘડિયાળ સામે જોયું. સાડા છ જ થયા હતા. આદેશને મળવા જતાં પહેલાં તેમને થયું કે રાજેશ માટે તપાસ કરી લેવી જોઈએ. તે ઑફિસની બહાર નીકળ્યા કે તરત ડ્રાઇવર કાર લેવા દોડ્યો. તેમણે તેને હાથનો ઇશારો કરી રોક્યો અને કહ્યું, “ના, હું મારી પ્રાઇવેટ કાર લઈ જઉં છું.”
ડીજીપી ઑફિસથી નીકળી ઇન્દ્રોડા સર્કલથી સીધી સરખેજ હાઇવે ઉપર કાર દોડવા લાગી. જો રાજેશ મળી જાય તો કંઈક નવું બહાર આવવાનો અંદાજ હતો. ગોતા બ્રિજ આવ્યો, બ્રિજ ઉપર જવાને સર્વિસ રોડ ઉપર થઈ કાર જમણી તરફ વાળી ગોતા હાઉસિંગ પાસે કાર ઊભી રાખી. પરમાર ભલે સિવિલ ડ્રેસમાં અને પ્રાઇવેટ કારમાં હતા. પણ તેમની બૉડી લૅંગ્વિઝ જોઈ અજાણ્યાને પણ ખબર પડી જાય કે તે પોલીસ-અધિકારી છે. કારમાંથી ઊતર્યા પછી તેમણે એક છોકરાને ઊભો રાખી તેમની પાસે સરનામું હતું તે પૂછ્યું. તેણે હાથનો ઇશારો કરી આગળ જવાનું કહ્યું. બે માળિયાં મકાનોની વચ્ચે કાચો રોડ, ચારે તરફ ગંદકીના ઢગલા, ઘરની બાલ્કનીમાં ગોદડીઓ લટકતી હતી. કોઈક ઘરમાં સ્ત્રી પોતાના પતિને ગાળો આપી રહી હોય તેવો અવાજ આવી રહ્યો હતો. ગલીમાં રમી રહેલાં નાનાં બાળકો પરમારને આગંતુકની નજરે જોઈ રહ્યા હતા. અત્યંત ગરીબ લોકોની વસ્તી હતી.
પરમારે એક ઘર પાસે ઊભા રહી એક સ્ત્રીને પૂછ્યું, “રાજેશ મરાઠાનું ઘર કયું?” સ્ત્રીએ પહેલા માળના ઘર તરફ ઇશારો કરી રસ્તો બતાડ્યો. પરમાર પહેલા માળે જવા માટે સીડી ચઢ્યા. સીડીઓ ઉપર પાન-ગુટકાના અસંખ્ય ખાલી પાઉચ પડ્યા હતા. એક વિચિત્ર વાસ પરમારના નાકમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. એક ઘર પાસે પરમાર રોકાયા. બેએક રૂમ-રસોડાનું મકાન હતું. ડ્રૉઇંગરૂમ, બેડરૂમ-સ્ટડી અને ગેસ્ટરૂમ બધું એક સાથે જ હતું. દરવાજો ખુલ્લો હતો. બે બાળકો — આશરે સાત-આઠ વર્ષનાં બાળકો રમી રહ્યાં હતાં.
પરમારે પૂછ્યું : “રાજેશ છે?” બાળકો કંઈ જવાબ આપે તે પહેલાં એક સ્ત્રીએ અંદરથી બૂમ પાડી : “કોણ છે?” પરમારના જવાબ પહેલાં તે સ્ત્રી અંદરથી બહાર આવી. તેણે પરમારને એક ક્ષણમાં ઉપરથી નીચે સુધી જોઈ લીધા. પરમારે ફરી પૂછ્યું : “રાજેશ?” હજી પરમાર પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં સ્ત્રીએ જવાબ આપ્યો : “બહાર નાકા ઉપર તેમનો પાનનો ગલ્લો છે, ત્યાં જ મળશે.” પરમાર પાછા નીચે ઊતર્યા. નજીકમાં જ પાનનો ગલ્લો હતો. ચાલતાં ચાલતાં તે ગલ્લા ઉપર આવ્યા. એક નાનકડું લાકડાનું કૅબિન હતું. થોડોક સામાન રહે અને એક વ્યક્તિ બેસી શકે એટલું જ નાનું. પરમારને જોઈ ગલ્લા ઉપર બેઠેલા યુવાનને લાગ્યું કે, ‘આજે તેના ગલ્લે સારો ગ્રાહક આવ્યો છે! કારણ આ ગલ્લા ઉપર તમામ ગ્રાહકો મજૂરો અથવા દારૂડિયા જ આવતા હતા.’
પરમારે તેને પૂછ્યું : “રાજેશ?” તેણે તરત હા પાડી. પરમારે પોતાની ઓળખાણ આપી પણ રાજેશના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયો નહીં. પરમારને થોડું અજુગતું પણ લાગ્યું. પરમારે તેને પૂછ્યું : “તું રામને ઓળખે છે?” પેલો વિચાર કરવા લાગ્યો… પછી માથું હલાવી તેણે નન્નો ભણ્યો. પરમારે જરા ઊંચા અવાજે પૂછ્યું : “તું રામને નથી ઓળખતો?” રાજેશ હવે ડરી ગયો હતો. તેણે ડરતાં ડરતાં કહ્યું, “ના સાહેબ, હું કોઈ રામને નથી ઓળખતો.” રાજેશ મરાઠી હોવાને કારણે તેની ગુજરાતીમાં ભેળસેળ થતી હતી. પરમારને લાગ્યું કે તે નાહક ગુસ્સે થઈ ગયા, તેમણે તેની સાથે સરળ રીતે વાત કરતાં કહ્યું, “જો રાજેશ… રામ એક ગુનેગાર છે. તેના ફોન-નંબરમાં તેણે તારી સાથે અનેક વખત વાત કરી હોવાની મને ખબર છે.” રાજેશે પોતાના ખિસ્સામાંથી એક અતિ સામાન્ય મોબાઇલ ફોન કાઢી પરમારને બતાડતાં સામે પ્રશ્ન કર્યો, આ ફોનમાં સાહેબ, તમે જ ચેક કરી લો… મેં કોઈ રામ સાથે વાત કરી નથી.” પરમાર વિચારમાં પડી ગયા. તેમણે તરત પૂછ્યું : “તારો મોબાઇલ નંબર બોલ.” રાજેશ તેનો નંબર બોલ્યો. તેનો છેલ્લો ડિજિટ ૧૨૧૮ નંબરનો હતો.
પરમારને તરત ખબર પડી કે, ફોન ભલે રાજેશના નામે હોય પણ તેનો ઉપયોગ કોઈ બીજો કરી રહ્યો હતો. તેમણે પૂછ્યું : “પહેલાં તારો ફોન પડી ગયો હોય અથવા ચોરાઈ ગયો હોય તેવું બન્યું છે?” રાજેશે ફરી માથું હલાવી ના પાડી. લગભગ આ મુદ્દે પંદર-વીસ મિનિટ સુધી વાત ચાલી હશે. તેના કારણે આજુબાજુ કેટલાક યુવાનો ભેગા થઈ ગયા. પરમારે હાથના ઇશારે જતા રહેવાની સૂચના આપતાં બધા જ ત્યાંથી નીકળી ગયા. પરમારની મૂંઝવણમાં વધારો થયો હતો. પરમાર એક પછી એક શક્યતા તપાસી રહ્યા હતા અને તેવા જ પ્રશ્નો પૂછતા હતા.
તેમણે પૂછ્યું : “રાજેશ, તું કોઈ પોલીસવાળાને ઓળખે છે?” રાજેશના ચહેરા ઉપર પહેલો જવાબ સાચો પડ્યો તેવી ચમક આવી, તેણે કહ્યું, “હા સાહેબ, મારો સાળો જ પોલીસમાં છે.” પરમારે પૂછ્યું, “ક્યાં છે તેની નોકરી?” રાજેશ યાદ કરવા લાગ્યો અને તેણે પોતે જે જાણે છે તે સમજાવતાં કહ્યું, “સાહેબ, આપણે શાહીબાગ જઈએ. ત્યાંથી પછી રાજસ્થાન હૉસ્પિટલ જવાનો રસ્તો છે, ત્યાં તેની નોકરી છે.” પરમાર કંઈ સમજ્યા નહીં. તેમણે પૂછ્યું, “શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે?” રાજેશે તરત ના પાડી, પછી વિચારીને કહ્યું, “સાહેબ, આપણે ત્રાસવાદીઓને જે પોલીસવાળા પકડે છે ને તેમની ઑફિસમાં.” પરમારની આંખો પહોળી થઈ ગઈ. રાજેશ ઍન્ટિ-ટેરેરિસ્ટ સ્ક્વૉડની વાત કરી રહ્યો હતો!
પરમારે રાજેશ પાસેથી તેના સાળાનું નામ અને ટેલિફોન-નંબર લીધાં. રાજેશનો સાળો એટીએસમાં નોકરી કરતો હતો. તેનું નામ મહેશ કદમ હતું. આખરે ફરીને વાત એટીએસ તરફ આવી રહી હતી. તેનો અર્થ રામ એટીએસમાં જ કોઈની સાથે વાત કરી રહ્યો હોવાની પૂરી ખાતરી થઈ હતી. પરમાર ત્યાંથી નીકળી સીધા આદેશની ઑફિસ જવા રવાના થયા.
(ક્રમશ:)








