નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ગઇકાલે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર કેટલાક અસામાજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ખુલ્લે આમ આ અસામાજિક તત્વો રસ્તા ઉપર ધોકા લઈ ઝઘડતા જોવા મળ્યા હતા. આ યુવાનોનો આવી રીતે રસ્તા પર ખેલ કરવાનો વીડિયો માલવિયાનગર પોલીસને મળતા માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 5 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંનો એક આરોપી સગીર વયનો હોવાની પણ માહિતી મળી રહી છે.
ગઇકાલે રાજકોટમાં બે વીડિયો વાયરલ થતા માલવિયાનગર પોલીસે બંને વીડિયોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે જાહેર રસ્તા ઉપર મારામારી અને ઝઘડો કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકતા 5 આરોપીની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં માલવિયાનગર પોલીસે સાગર જીતેન્દ્ર ડોડીયા, અભિષેક હરણેશા, સાહીલ ગોહીલ, હિતેષ બોરીચા સહિત એક સગીર પર કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપી સાગર ડોડીયા અને અભિષેક ડોડીયાની પોલીસે આજે 21 જૂલાઈના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસ જણાવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ તારીખ 20 જૂલાઈના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ અંકુર રોડ વિસ્તારમાં ધોકા-લાકડીઓ સાથે ઝઘડો કરી રહ્યાં હતા. આ ઘટનોનો તેમણે વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર મુક્યો હતો, જે મામલે પોલીસે ગંભીરતાથી પગલા લઈ કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનના PI કે.એન.ભુકણ, PSI એમ.એસ.મહેશ્વરી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મસરી ભેટારીયા, અજય વિકમા, દિગ્પાલસિંહ જાડેજા, રવી નાથાણી અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી તેમજ હિરેન સોલંકી સહિતની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.








