કિરણ કાપુરે – નવજીવન : આપણા પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશનું એક ક્ષેત્ર બુંદેલખંડ (Bundelkhand region) માં આજકાલ એક પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને તેમ છતાં તે વિરોધની નોંધ ગણીગાંઠી ન્યૂઝ ચેનલ લઈ રહી છે. આ પ્રોજેકટ એટલે કેન અને બેતવા નામની બે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ (Ken-Betwa River Link Project). આ અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેને લઈને સરકારના ઘણાં બધા દાવા છે. એક તો તેનો ઉદ્દેશ બુંદેલખંડના મસમોટા વિસ્તારને પાણીની આપૂર્તિ કરાવવાનો છે; જેથી અહીંની ખેતી સમૃદ્ધ થઈ શકે. ઉપરાંત, તેનાથી વીજળી પણ ઉત્પન્ન થવાની છે. અને 62 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે – તેઓ દાવો પણ આ પ્રોજેક્ટને લઈને થઈ રહ્યો છે. કેન-બેતવા પ્રોજેક્ટની અનેક વર્ષોથી વાત થઈ રહી હતી, આખરે 25 ડિસેમ્બર 2024ના રોજ તેનું ખાતમૂહુર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi) દ્વારા થયું. સરકારી પ્રોજેક્ટ હોય ત્યારે તેના લાભ જ ગણાવવામાં આવે અને તેમાં ઘણી બધી અતિશોયક્તિ પણ થાય છે. પરંતુ કેન-બેતવા પ્રોજેક્ટથી નુકસાનેય ઘણું છે. આ નુકસાનમાં સૌથી પહેલાં તો અતિ સમૃદ્ધ પન્ના અભિયારણ્ય (panna sanctuary) નો મસમોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ જશે. પન્ના અભિયારણ્યમાં હાલમાં પણ એંસી જેટલાં વાઘ છે અને અનેક અન્ય પ્રાણી-પંખીની પ્રજાતિઓ વસે છે. પ્રોજેક્ટથી તેમના પર જોખમ આવશે તે અંગે અનેક પ્રાણીપ્રેમી અને નિષ્ણાતો ચેતવી ચૂક્યા છે. બીજું કે આ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા પચાસ લાખની આસપાસ છે. બંને નદીઓને જોડવાથી અહીંયાના દસ લાખથી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવશે અથવા તો તે ડૂબમાં જશે. અને હાલમાં આ પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ 32થી વધુ ગામો પાણીમાં સમાઈ જશે – જે કારણે જ સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કુદરતના સાંનિધ્યમાં અને પાયાના સગવડથી અભાવમાં રહેનારા આ ગ્રામવાસીઓનો પ્રોજેક્ટથી છે. તેઓને ખ્યાલ છે કે તેમનું જીવન હવે અનિશ્ચિતતામાં પ્રવશશે. અત્યાર સુધી તેઓ જંગલમાં પરંપરાગત રીતભાતથી પોતાના જીવનનું નિર્વાહ કરતા હતા. તેમાં વીજળી કે પાયાની સુવિધા પણ નહોતી. હવે તેઓને વિસ્થાપિત કરવામાં આવશે અને તેનું વળતર પણ નજીવું ચૂકવવામાં આવી રહ્યું છે. આમ આ પ્રોજેક્ટની સીધી કોઈ અસર આપણા રાજ્યમાં ન હોવા છતાં એક કેસ સ્ટડી તરીકે કેન-બેતવા પ્રોજેક્ટ વિશે જાણવું જોઈએ, જેનાથી એક આખો ક્ષેત્રની ભૂગોળ કાયમ માટે બદલાઈ જશે.
આ પ્રોજેક્ટમાં એક ડેમ બની રહ્યો છે અને તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ વિરોધની જગ્યા કેમ મુખ્યધારાના મીડિયામાં બની રહી નથી? તેનું એક કારણ આ વિસ્તારમાં આદિવાસી વસે છે અને સાથે-સાથે મહંદશે અહીંના લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. બીજું કે તેમાં કોઈ શહેર ડૂબી રહ્યું નથી; કોઈ બોલકા વર્ગનું કશુંય છીનવાઈ રહ્યું નથી. આ પ્રોજેક્ટથી અસર પામેલા લોકો પોતાની રજૂઆત કરી શકતા નથી, તેમની પાસે કાયદાનું પૂરતું જ્ઞાન નથી અને તેથી આ ગાજ તેમના પર પડી છે. શાસકો દ્વારા આ પ્રકારની રમત હંમેશથી ચાલે છે, પરંતુ તે વિશે અવાજ ઉઠતો નથી.

આ પ્રોજેક્ટ રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ (The National River Linking Project) અંતર્ગત થઈ રહ્યો છે. દેશભરની જુદી જુદી નદીઓને તેમાં જોડવાની છે. ગુજરાતમાં પણ તાપી-નર્મદાને જોડવાનો તેમાં ખ્યાલ છે. રીવર્સ ઇન્ટરલિકિંગ પ્રોજેક્ટ અંગે મસમોટા દાવા થયા છે. બેશક તેનાથી દેશના શહેરોને, ખેતીને અને પીવાના પાણીનો પ્રશ્ન કેટલેક અંશે ઉકેલાય પણ ખરો. પરંતુ નદીઓને જોડવાથી જ ઉકેલ આવે છે તેવું પણ નથી. રાજસ્થાનમાં નાના-નાના ડેમ બાંધીને પણ પાણીના પ્રશ્નો હલ થયા છે. દેશમાં અન્ય રાજ્યોમાં પણ આવાં દાખલા મળી આવશે – જેનાથી પાણીનો અતિમુશ્કેલ પ્રશ્ન હલ થયો હોય. તો પછી આ પ્રોજેક્ટ કેમ? મોટા પ્રોજેક્ટથી મસમોટા સપના દાખવવાનો એક કીમિયો ચાલે છે અને તેના દ્વારા અનેક લોકો તેમાં ફસાય છે. શાસકો આવા પ્રોજેક્ટ થકી પોતાના કામને મોટું દાખવીને તેના પ્રચારથી પોતાની એક છબિ ઊભી કરી શકે છે.
પરંતુ આવા પ્રોજેક્ટ નિર્માણમાં જે કંઈ જમીની સ્તરે થાય છે તેની વિગત સૌ સુધી પહોંચતી નથી. હાલમાં કેન-બેતવા પ્રોજેક્ટમાં જે ગામો ડૂબમાં જઈ રહ્યા છે – તે માટે સ્થાનિક લોકો નદીમાં કલાકો ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ગામોમાંથી હજારોની સંખ્યા બહેનો વિરોધ કરી રહી છે. એક તો તેમને આ પ્રોજેક્ટ પોતાની જમીન-ઘર જઈ રહ્યા છે તેનાથી વાંધો છે અને બીજુ પ્રોજેક્ટ હેઠળ તેમને મળેલા વળતરને લઈને પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. હવે જ્યારે આ પ્રોજ્કટનો ખર્ચ 44,000 કરોડ રૂપિયા હોય તો તેમાં વિસ્થાપિત માટે નજીવી ફાળવણી કેમ કરવામાં આવી છે.?
આ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કંઈ બોલ્યા છે તે પણ ધ્યાને લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘અટલજી (Atal Bihari Vajpayee) એ નદીઓને જોડવાનું વિઝન રાખ્યું હતું. તેનો ઉદ્દેશ એ જ હતો કે જે નદીઓમાં જરૂરિયાત કરતાં વધુ પાણી છે, તે નદીઓને દુકાળગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડવી જોઈએ. તેનાથી પૂરની સમસ્યા અને બીજી તરફ દુકાળની સમસ્યા બંનેનું સમાધાન શક્ય છે.’ હવે એક તરફ સરકારના દાવા છે તો બીજી તરફ હાલમાં ચાલી રહેલું અહીંનું આંદોલન છે, જેમાં હજારોની સંખ્યા લોકો પાણીમાં સતત ઉભા રહીને વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓ પોતાના પૂરા શરીર પર માટી ઘસીને લગાવે છે અને અહિંસક વિરોધ કરી રહ્યા છે.

કેન-બેતવા નદી જોડો પરિયોજનાથી જે કંઈ ઉથલપાથલ થઈ રહી છે તે અંગે વધુ વિસ્તારથી સમજવું હોય તો અનુપમ મિશ્રા આ અંગે શું માનતા હતા તે જાણવું જોઈએ. અનુપમ મિશ્રા (Anupam Mishra) પર્યાવરણવાદી હતા અને તેમણે પાણીના અછત વિસ્તારમાં ઘણું કાર્ય કર્યુ હતું. તેઓ હવે હયાત નથી પરંતુ તેમણે જે કંઈ લખ્યું છે તેમાંથી આજે પણ અનેક બાબતોનું માર્ગદર્શન મેળવી શકાય છે. જેમ કે તેમણે નદી જોડો પરિયોજના વિશે લખ્યું છે કે, ‘દેશના જે ભૂગોળે લાખો વર્ષની મહેનતથી ખૂણેખૂણે સુધી જુદી જુદી નાની-મોટી નદીઓ કાઢી, હવે આપણે તેને દોષ આપી રહ્યા છીએ કે એક નદી કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેમ વહેતી નથી? હજુ પણ કરવાયોગ્ય નાના-નાના કામોના અવેજમાં આપણે અરબો રૂપિયાની યોજનાઓની વાત કરીએ છીએ. આ દેશના ખોળે થોડાજ સમય અગાઉ હજારો નદીઓ વહેતી હતી. તેને સુકીભઠ્ઠ કરીને હવે આપણે ચાર-પાંચ મોટી મોટી નદીઓને જોડીને તેનું પાણી જ્યાં-ત્યાં લઈ જવા માંગીએ છીએ.’ તેઓ એમ પણ કહે છે કે, ‘તળાવ અને વાવ જેવી જૂની પદ્ધતિનો વિકાસની નવી યોજનાઓમાં ખૂબ ઉપેક્ષા થઈ છે. ન માત્ર શહેરોમાં જ, બલકે ગામોમાં પણ તળાવને સમથળ કરીને મકાન, દુકાન, મેદાન, બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે પાણી આવી વોટરબોડીઝમાં અટકીને વર્ષ સુધી રહેતું હતું, અને તે ક્ષેત્રનું ભૂજળ ઉપર આવતું હતું. તેને આપણે નાશ કરી દીધો છે. તેના સ્થાને આપણે આધુનિક ટ્યૂબવેલ, નળ, હેન્ડપંપ લગાવીને પાણી કાઢીએ છીએ. આપણે જમીનને આપવાનું ઓછું કરી દીધું અને લેવાનું રાક્ષસી ગતિએ શરૂ કર્યું છે. અને એટલું જ નહીં આપણે એવું માનીએ છીએ કે આ બધું જ આપણા અનુકૂળતા મુજબ ચાલશે. પરંતુ હવે દર વર્ષે પ્રકૃતિ આપણને પત્ર પાઠવીને એવું કહી રહી છે કે આપણે ભૂલ કરી રહ્યા છે.’
તેઓ એમ પણ કહે છે કે, ‘ભૌગોલિક રીતે નદીઓને જોડવું યોગ્ય પણ નથી. નદીનો પોતાનો સ્વભાવ હોય છે અને તે તમારા આયોજન મુજબ ન વહી શકે. શાસકો આવા પ્રોજેક્ટ નિર્દોષતાથી લાગુ કરી દે છે. સત્તામાં આવવાથી આ પ્રકારનો રાજરોગ થાય છે.’ રાજકીય રીતે પણ અનુપમજીએ નદી સંદર્ભે એક નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે, એક જ પક્ષની સરકાર એકબીજાને જો પાણી નથી આપતી તો પછી સિંચાઈનું પાણી એકબીજા સાથે કેવી રીતે વહેંચશે. આપણા દેશમાં હજુ પણ ઘણા પાડોશી રાજ્યો નદીના પાણી માટે એકબીજાની સામે છે. કેન-બેતવા અને નદી જોડવાની પરિયોજના વિશે હજુ તો ઘણું લખી શકાય એવું છે. પરંતુ હાલમાં તો કેન-બેતવાથી નુકસાનનું આકલન કેટલું થશે તે જાણવું જરૂરી છે.








