નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટના આજી ડેમમાં ચાર લોકો ડૂબી જતાં પિતા-પુત્ર સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા (Family drowns in Rajkot Aji Dam) છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ જારી છે. ડેમના કાંઠે આવેલા મોગલ માતાના મંદિરે દર્શન કરવા આવેલા પરિવારનો એક સભ્ય ડેમમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતાં એક પછી એક એમ બાકીના લોકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રાજકોટના ઘાંચી વાડા વિસ્તારમાં રહેતા ભરત જાદવ તેમના બે પુત્રો અને સાળીના દીકરા સાથે રિક્ષા લઈને મોગલ માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આ સમયે અકસ્માત સર્જાતા ચારેય જણા એક બાદ એક ડેમમાં ગરકાવ થઈ ગયા હતા. રાજકોટના ડીસીપી હેતલ પટેલે (Hetal Patel DCP Rajkot) જણાવ્યું છે કે, ત્રણ મૃતદેહ મળ્યા છે અને તેમની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે થઈ છે. રોહિતની શોધખોળ હાલમાં ચાલી રહી છે.








