Tuesday, June 16, 2026
HomeGujarat'અમારા મૃતદેહો પર વિકાસ કરશો તો થશે સર્વનાશ'- ખેડૂતનો CM Bhupendra Patel...

‘અમારા મૃતદેહો પર વિકાસ કરશો તો થશે સર્વનાશ’- ખેડૂતનો CM Bhupendra Patel ને ઓપન લેટર

- Advertisement -

Open Letter To CM: પ્રિય, ભુપેન્દ્રભાઈ પટેલ

તમે કુશળ હશો. અહીંયા આપને પ્રિય તરીકે સંબોધન કરું છું તે માત્ર શબ્દ નથી, ખરા અર્થમાં સામાન્ય માણસને પણ તમે પ્રિય લાગો તેવી સાલસતા તમારામાં છે. આજે ભારે હૃદયથી આપને પત્ર લખી રહ્યો છું, કે અમને જગતના તાત તરીકે સંબોધવામાં આવે છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું કે જગતનો તાત દુઃખી, પીડિત અને લાચાર હોય? કાગળ ઉપર તમે જગતના તાતની સ્થિતિમાં રંગો ભરી દીધા છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતની સ્થિતિ દિવસેને દિવસે બેરંગ અને બદતર થઈ રહી છે. આપ પોતે પણ એક ખેડૂત છો. એટલે અમારી સ્થિતિની સ્વાનુભૂતિ પણ કરી શકતા હશો. તમને ખબર છે કે, અમારી સ્થિતિ આજે દયનીય હોવા છતા જ્યારે પણ ચૂંટણી આવી છે ત્યારે અમે આંખો બંધ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ તમારા પક્ષને મત આપ્યો છે.

- Advertisement -

અમે બંધ આંખોએ એક સ્વપ્ન જોયું હતું કે, તમારી સરકાર અમારી જીંદગી અને અમારા ઘરમાં રહેલા એક નાનકડા દીવામાં તેલ પુરવાનું કામ કરશે. પરંતુ દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે, તમે અમારા દીવામાં રહેલું થોડું તેલ પણ છીનવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ કરી છે. ક્યારેક અમને કુદરત મારે છે. તો ક્યારેક સરકારી બાબુ, કે પછી ક્યારેક કોઈ કંપની અમારું ગળું રહેંશી નાખે છે. આજે અમારી સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ખેડૂત હોવું એ ગુનો હોય, તે રીતે તમારી પોલીસ અને સરકારી અધિકારીઓ અમારી સાથે વ્યવહાર કરે છે. જ્યારે તમે ગુજરાતના મુખ્યમંત્રી છો ત્યારે તમને એક વિનંતી કરવાની કે તમે અમને માત્ર એક ખેડૂત અને એક માણસ તરીકે જુઓ. કોઈક દિવસ અમારા માટે રાજુ કરપડા કે કોઈક દિવસ પાલ આંબલિયા અને કોઈક દિવસ પ્રવિણ રામ અમારો અવાજ બને ત્યારે અમે તેમના થઈ જતા નથી પણ, અમારી કમનસીબી એવી છે કે જે કોઈ અમારો અવાજ બની અમારો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડે તે કાં તમારો થઈ જાય છે, કે પછી તે જેલમાં જાય છે.

માની લઇએ તમારી વાત કે, કોંગ્રેસે અમારી જીંદગી, અમારી ખેતી બરબાદ કરી નાખી, તો સવાલ એવો છે કે છેલ્લા ત્રીસ વર્ષથી શાસનમાં તમે છો તો અમારી સ્થિતિ વધુ ખરાબ કેમ થઈ છે? ક્યારેક કુદરત અતિવૃષ્ટિ કરે છે, ક્યારેક વરસાદ નબળો થાય છે. અમારા ખેતરોમાં પાકેલો મોલ લઈને અમે કલાકો સુધી કતારમાં અમારા મોલનો ભાવ મળે તેની અપેક્ષાએ ઊભા રહીએ છીએ પરંતુ અમારા મોલની પડતર કિંમત પણ નીકળતી નથી. દર વર્ષે આકાશ તરફ મીટ માંડીએ છીએ કે આવનારું વર્ષ સારું તો થશે! પણ પેઢીઓ બદલાતી જાય છે અને અમારા ખેતરો સાંકડા થતા જાય છે. વિકાસ કરો, તેની ના નથી, પણ અમારા મૃતદેહો ઉપર વિકાસ કરશો તો સર્વનાશ થશે. અમારી સ્થિતિ બેજુબાં જાનવર જેવી થતી જાય છે. અમારા અવાજને તમે સાંભળતા નથી પણ અમારા નિસાસા તમને બરબાદ કરશે તેનો ડર લાગે છે.

તમે મૃદુ રહો, તમે મક્કમ રહો, પણ તમે અમારા માટે બોલો, અમારા લડવું પડે તો દિલ્હી સાથે લડો, કારણ સત્તા આવે છે અને જાય છે, પણ કુદરતના દરબારમાં જ્યારે તમને પુછાશે સવાલ કે જગતનો તાત તમારા શાસનમાં કેમ હતો દુઃખી? ત્યારે શું આપશો જવાબ? કરોડો અને અબજોમાં રમતી ખાનગી કંપનીઓ ભલે હજી માલેતુજાર થાય તેનો ક્યાં છે વાંધો? સવાલ અહીં એવો છે, કે ત્રસ્ત થયેલો કોઈ ખેડૂત બધેથી જ હારીને જીવન હારી જશે, તો શું કરીશું આ ગાંધીનગરની સલતનતની જાહોજલાલીનું? તમે બોલો, કાંઈક કરો, બસ આટલી જ વિનંતી સાથે વિરમું છું.

- Advertisement -

જય કિશાન, જય ભારત.
આપના ગુજરાતનો ખેડૂત

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular