Surat Diamond thief cctv: સુરતના વરાછા મીની બજાર વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી ₹7.50 લાખના હીરાની ચોરી કરીને ફરાર થયેલા મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત તસ્કરને અશ્વિનીકુમાર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ 80 કેરેટ રફ અને તૈયાર હીરા કબજે કરી લીધા છે. પકડાયેલો આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તેની સામે અગાઉ સુરત તથા મધ્યપ્રદેશમાં અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
મળતી માહિતી મુજબ, મૂળ જામનગરના અને હાલ કામરેજ રોડ વિસ્તારમાં રહેતા બિપીનભાઈ કપુરીયા વરાછા મીની બજારની કોહિનૂર સોસાયટીમાં હીરાનું કારખાનું ચલાવે છે. 9 મે, 2026ના રોજ રાત્રે કારખાનું બંધ કર્યા બાદ વહેલી સવારે તસ્કરે કારખાનાને નિશાન બનાવ્યું હતું.
વહેલી સવારે કારખાનાના લોક તૂટેલા હોવાનું ધ્યાનમાં આવતાં સંચાલકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ઓફિસના ટેબલનું ખાનું તોડી અંદર રાખેલા આશરે 80 કેરેટના રફ અને તૈયાર નેચરલ હીરા, જેની કિંમત અંદાજે ₹7.50 લાખ થાય છે, તેની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના બાદ કારખાનાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં ખભે બેગ લટકાવીને આવેલા એક બુકાનીધારી શખ્સને સવારે 4:20 વાગ્યે કારખાનાનો નકુચો તોડી અંદર પ્રવેશતા જોવા મળ્યો હતો. આરોપીએ માત્ર 24 મિનિટમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને સવારે 4:44 વાગ્યે હીરા લઈને ફરાર થઈ ગયો હતો.
અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI જી.ડી. પરમાર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીદારોને સક્રિય કરીને અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે વિજય ઉર્ફે જાડિયો દેવચંદ ચંદ્રવંશી (ઉંમર 34 વર્ષ), રહે. બાલાજી સોસાયટી, પલસાણા, મૂળ મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલા તમામ 80 કેરેટ રફ તથા તૈયાર હીરા, કુલ ₹7.50 લાખના મુદ્દામાલ સાથે કબજે કર્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે વિજય ઉર્ફે જાડિયો રીઢો ઘરફોડ ચોર છે. તેની સામે સુરતના મહિધરપુરા, વરાછા, ચોકબજાર, કાપોદ્રા સહિતના પોલીસ મથકોમાં તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ખારાકુવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 8થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2025 દરમિયાન તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરીને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ કરી રહી છે.








