નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મનપાએ શહેરની અનેક જર્જરિત મિલકતો સામે કાર્યવાહી હાથધરી છે. પરંતુ મનપાના મુખ્ય ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની સામે રહેમ નજર રાખવામા આવી રહી છે. ત્યારે અહી સવાલએ થાય કે કુદરતી હોનારત સમયે રાત દિવસ જોયા વગર રેસક્યું માટે દોડી જનારા જવાનોની કચેરી જર્જરિત હોવાથી ક્યારેક કચેરીમાં જ બચાવ કામગીરી કરવી પડે તેવી હાલત છે.
રાજકોટનું મુખ્ય ફાયર સ્ટેશન હાલ જે કાર્યરત છે તે દાયકાઓ જૂની ઇમારત છે. મનપાની મોટા ભાગની તમામ કચેરિઓના નવીનીકરણ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તંત્રની મુખ્ય ફાયર સ્ટેશન પર નજર નથી ગઈ. કચેરીમાં મોટી તીરાડો પડી ગઈ છે, ઉપરાંત છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જો ગમે ત્યારે કુદરતી હોનારત આવે તો કચેરીમાં રેસક્યું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે.
ફાયર સ્ટેશનના નવીનીકરણ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ જોગવાઈ સરકારની ગ્રાન્ટ સામે કરવામાં આવી છે. જેથી હવે સરકારી ગ્રાન્ટ માટે રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે ક્યારે ગ્રાન્ટ પાસ કરવામાં આવશે અને ફાયર ફાઇટર માટે નવી કચેરી ઉભી કરવામાં આવશે.








