નવજીવન ન્યૂઝ, સુરત : વલસાડના કપરાડા તાલુકા (Kaprada Valsad) ના વીરક્ષેત્ર ગામે સર્જાયેલા ભયાનક રોડ એક્સિડન્ટ (Fatal accident in Valsad) માં સાત લોકોના મોત નિપજ્યા છે અને 28 મુસાફરો ઘાયલ થયા છે. રસ્તામાં આવેલા ચઢાણ દરમિયાન મુસાફરોથી ખીચોખીચ ભરેલી પીકઅપ વાનની બ્રેક કામ નહીં કરતા તે રિવર્સ આવતા ચાલકે કાબૂ ગુમાવી દેતા તે પલ્ટી ખાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર વલસાડના ગિરનારા ગામના મુસાફરો સામાજિક પ્રસંગમાંથી પીકઅપ વાનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે કપરાડા તાલુકામાં અકસ્માત (Pickup Van Accident) સર્જાયો હતો. પીકઅપ વાન પલ્ટી ખાતા કેટલાંક મુસાફરોએ સ્થળ પર જ શ્વાસ છોડી દીધા હતા. અકસ્માતમાં ઘાયલ તમામ મુસાફરોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 ઘાયલ લોકો પૈકી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.








