નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતના આંગણે એક મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજવા જઈ રહી છે. રાજ્યમાં આગામી નેશનલ ગેમ્સનું આયોજન થાવ જઇ રહ્યું છે. CM ભુપેન્દ્ર પટેલે આ અંગેની જાહેરાત ટ્વિટ કરીને આપી છે. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ઓલમ્પિક પહેલા દાવેદારી કરનારા માટે આ મોટું આયોજન માનવમાં આવી રહ્યું છે.
ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતના 6 શહેરોમાં કરવામાં આવશે. 3 મહિનાના મર્યાદિત સમય સાથે ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા જેવી અનેક ઇન્ડોર અને આઉટડોર રમતમાં દેશના 7000થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે.
આ અગાઉ વર્ષ 2015માં કેરળમાં નેશનલ ગેમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ નવેમ્બર 2016માં ગોવામાં યોજવામાં આવવાની હતી, પરંતુ 2 વાર તેને ટાળવામાં આવી હતી. નેશનલ ગેમ્સ 2020માં યોજવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ મહામારીના કારણે આયોજન થઈ શક્યું ન હતું. નેશનલ ગેમ્સ 2022ની જાહેરાત કરતાં ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, મને જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA(Indian Olympic Association) નો આભારી છું.








