Wednesday, April 22, 2026
HomeGujaratસુરતમાં તાપમાન વધ્યું, શહેર ધુમ્મસમાં ઘેરાયું: સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ, 3...

સુરતમાં તાપમાન વધ્યું, શહેર ધુમ્મસમાં ઘેરાયું: સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ, 3 દિવસ માવઠાની આગાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ હવામાનમાં બદલાવના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતના તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો છે, જેના કારણે ગરમી વધુ અસહ્ય બની છે.

રાજ્યમાં હાલ 6 શહેરોમાં તાપમાન 40°Cને પાર પહોંચી ગયું છે. સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચો રહ્યો છે. ભાવનગરમાં 2°Cનો વધારો નોંધાયો છે, જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 1°Cનો ઘટાડો થયો છે.

- Advertisement -

સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું

સુરતમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે સામેની ઈમારતો પણ સ્પષ્ટ દેખાતી નહોતી. જેના કારણે વાહનચાલકો અને ઓફિસ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

19થી 21 એપ્રિલ સુધી માવઠાની શક્યતા

- Advertisement -

હવામાન વિભાગ મુજબ 19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે અને ગરમીમાંથી થોડી રાહત મળશે. હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ લાઇનના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.

એપ્રિલના અંતમાં ફરી વધશે ગરમી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે 26થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી પડી શકે છે અને તાપમાન 42થી 43°C સુધી પહોંચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મે મહિનામાં અરબ સાગરમાં હલચલ વધવાની શક્યતા છે, જેના કારણે હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળી શકે છે. હાલ માટે માવઠાની આગાહી વચ્ચે લોકો ગરમીમાંથી થોડી રાહતની આશા રાખી રહ્યા છે. પરંતુ ખેડૂતો માટે તો આ માવઠું ફરી એક વાર ચિંતાનું મોજું લાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular