Wednesday, April 22, 2026
HomeGeneralખડગેના નિવેદન પર ચૂંટણી આયોગની નોટિસ: મોદીને “આતંકવાદી” ટિપ્પણી મામલે 24 કલાકમાં...

ખડગેના નિવેદન પર ચૂંટણી આયોગની નોટિસ: મોદીને “આતંકવાદી” ટિપ્પણી મામલે 24 કલાકમાં જવાબ માંગ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ચૂંટણી આયોગે નોટિસ જારી કરી છે. આયોગે ચૂંટણી આચાર સંહિતાના ભંગનો મુદ્દો ગણાવી ખડગેને 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે.

માહિતી મુજબ, તમિલનાડુમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખડગેએ પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી સામે આ ટિપ્પણી કરી હતી. આ મુદ્દાને ગંભીરતા સાથે લેતા ચૂંટણી આયોગે નોંધ લીધી છે અને જાહેર પ્રચાર દરમિયાન ભાષાની મર્યાદા જાળવવા પર ભાર મૂક્યો છે.

- Advertisement -

આ પહેલાં ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરી ખડગે સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, કિરણ રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ સહિતના નેતાઓ સામેલ હતા. ભાજપે આ નિવેદનને લોકશાહી સંવાદની મર્યાદા વિરુદ્ધ ગણાવીને કડક વલણ અપનાવવાની માંગ કરી છે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ નિવેદનને “ચોંકાવનારું” અને “અભૂતપૂર્વ” ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ભાષા લોકશાહી ચર્ચાના સ્તરને ઘટાડે છે અને ચૂંટણી આયોગ પાસે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

વિવાદ વધતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાની સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે તેમના નિવેદનનો ગેરઅર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓનો ઉદ્દેશ “ટેક્સ આતંકવાદ” અને વિરોધી નેતાઓ સામે કેન્દ્રિય એજન્સીઓના કથિત દુરુપયોગ તરફ ઈશારો કરવાનો હતો, પ્રધાનમંત્રીને વ્યક્તિગત રીતે નિશાન બનાવવાનો નહીં.

- Advertisement -

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખડગેના નિવેદનની કડક ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે જાહેર આચરણની તમામ મર્યાદાઓ પાર કરી દીધી છે અને દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે.

હાલમાં આ મામલો ચૂંટણી આયોગ સમક્ષ છે અને હવે ખડગે તરફથી આપવામાં આવનાર જવાબ અને આયોગ દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર સૌની નજર છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular