નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના સુભાષનગર વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે, જ્યાં પ્લાસ્ટિકના દાણા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પરિવારની યુવતીએ લગ્નના માત્ર બે મહિના બાદ આપઘાત કરી લીધો છે. ખ્યાતિ અભિષેક કેજરીવાલે 21 એપ્રિલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખ્યાતિ કેજરીવાલનો પરિવાર ‘હાર્મની યાર્ન્સ’ કંપની સાથે સંકળાયેલો છે, જ્યારે તેમના પતિ અભિષેક કેજરીવાલ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
પોલીસ તપાસ મુજબ, ખ્યાતિનો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે અને પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટના સમયે ખ્યાતિ જમ્યા બાદ આરામ કરવા માટે પોતાના રૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે સાંજે રૂમમાંથી બહાર આવતી હોવા છતાં, લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારજનોએ પતિને જાણ કરી હતી. બાદમાં બીજી ચાવી વડે રૂમ ખોલતા ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલો જોવા મળ્યો હતો.
પરિવારજનો અને સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
‘હાર્મની યાર્ન્સ’ કંપની 24 ઓક્ટોબર, 1992ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી અને ડાય્ડ યાર્ન્સ, ટેક્સ્ચરાઈઝ્ડ યાર્ન્સ તથા એર ટેક્સ યાર્ન્સના ઉત્પાદનમાં આગવી ઓળખ ધરાવે છે. કંપનીના ઉત્પાદનો યુરોપ, એશિયા અને આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ થાય છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ પણ આવી દુખદ ઘટનાઓ સામે આવી છે. 3 સપ્ટેમ્બરે અલથાણ વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના પુત્રને 13મા માળેથી ફેંક્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી, જે ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી.








