Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટમાં વેપારીને મિત્ર જ લઈ ગયો જુગાર રમવા અને પછી કર્યું આવું…

રાજકોટમાં વેપારીને મિત્ર જ લઈ ગયો જુગાર રમવા અને પછી કર્યું આવું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ : રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીને મિત્રએ સાથે જુગાર(Gambling) રમવા લઈ જઈ લાખો રૂપિયાની ગેમ કરી નાખી હતી. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) માં ફરિયાદ નોંધાવતા સમગ્ર કારસ્તાનનો ખુલાસો થયો છે.

જુગાર રમવાના બહાને લઈ ગયો મિત્ર

ઘટનાની વિગત એવી છે કે, ગત 29 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના મવડી ચોકડી નજીક આવેલી ઉદયનગર સોસાયટીમાં રહેતા ભાવેશ ધીરજભાઈ પાંભરને તેનો મિત્ર મયુર ફળદુ જુગાર રમવા લઈ ગયો હતો. ફરિયાદી ભાવેશને આરોપી મયુર જેતપુર પાસે આવેલા દેવળા ગામ નજીક જુગાર રમવાનું કહી લઈ ગયો હતો. દેવળા ગામના પાદરમાં ભાવેશની અર્ટિગા કાર પાર્ક કરાવી અન્ય આરોપીઓની ઈનોવા કારમાં બેસાડી નજીકમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો.

- Advertisement -

વાડીમાં જુગારના નામે ગેમ થઈ ગઈ

વાડીમાં જુગાર રમવા ગયેલા યુવકને બાદમાં ત્યાં હાજર હરદીપ વાળા અને મહિપાલ વાળ અને મયુર ફળદુએ બેસાડી માથાકુટ શરૂ કરી હતી. ભોગબનનાર ભાવેશને આરોપીઓ તું જુગારમાં ચીટીંગ કરીને ખુબ કમાયો છે, તારી પાસે ખુબ રૂપિયા છે તેવું કહેવા લાગ્યા હતા. ભાવેશે આરોપીઓને કહ્યું કે હું સીધી રીતે જુગાર રમુ છું. ત્યારે ઉશ્કેરાયેલા આરોપી હરદીપે ગાળો ભાંડી ગાલ પર તમાચા મારવાનું શરૂ કર્યું હતું. આ મારામારી દરમિયાન સ્થળ પર આરોપી મયુર અને મહિપાલ પણ ત્યાં આવી ગયા હતા માટે ભાવેશે મિત્ર મયુરને માર નહીં મારવા સમજાવવા કહ્યું હતું. જેથી મયુરે આરોપીને રોકતા આરોપી હરદીપે મયુરને મારવાનું બંધ કર્યું હતું. પરંતુ હરદીપે પોતાના વાહનમાંથી બંદૂક કાઢી ધમકી આપી હતી કે જો તું 50 લાખ નહીં આપે તો તને અહીંથી જવા દેવામાં નહીં આવે અને તને જાનથી મારી નાખીશું.

લૂંટ બાદ ઘરમાં રહેલા પૈસા પડાવ્યા

ગભરાય ગયેલા ભાવેશ પાંભરને મિત્ર મયુર કે જે અન્ય આરોપીઓ સાથે મળેલો હતો તેણે કહ્યું કે તેની પાસે હાલ બે લાખ રૂપિયા છે. માટે આરોપીઓએ ભાવેશના ખિસ્સામાંથી રૂપિયા બે લાખ કાઢી લીધા હતા. બાદમાં આરોપીએ ભાવેશના ગળામાં રહેલી સોનાની રૂદ્રાક્ષની માળા પણ લઈ લીધી હતી અને, ભાવેશને તેની પત્નીને ફોન કરી ઘરેથી તમામ રૂપિયા એકત્ર કરી રાખવા ફોન કરવા ધમકી આપી હતી. જેથી ભાવેશે તેની પત્ની ધર્મિષ્ઠાને ફોન કર્યો હતો અને તેમ કરવા કહ્યું હતું. થોડી વારમાં પત્નીએ વળતો ફોન કરી જવાબ આપ્યો હતો કે ઘરમાં રુપિયા 19 લાખ 90 હજાર એકત્ર થયા છે. બાદમાં આરોપીઓએ ભાવેશના પત્નીનો ફોન કટ કરી નાખ્યો હતો.

સાથે રહેલી કાર પણ પડાવી લીધી

ભાવેશના ઘરમાં રહેલા પૈસા કોઈ વ્યક્તિને આરોપી મવડી ચોકડી મોકલે એટલે તેની પત્નીને આપવા મોકલવા આરોપીએ જણાવ્યું હતું. પરંતુ ભાવેશે કહ્યું કે મારી પત્ની નહીં જાય મારો મિત્ર પુષ્કર ચમનભાઈ રૂપાવટીયા જશે. મવડી ચોકડી પાસે આરોપીઓનો કોઈ માણસ પહોંચતા તેને પુષ્કર ચમનભાઈ રૂપાવટીયાએ ભાવેશના ઘરેથી લાવેલી રકમ આપી દીધી હતી. આટલેથી પણ નહીં અટકેલા આરોપીઓએ ભાવેશની અર્ટિગા કાર જે પુષ્કરના નામે હતી તે ખબર પડતા તેને આરટીઓનું ટીટીઓ ફોર્મ મોકલી પુષ્કરને તેમાં સહી કરવાનું કહેવા જણાવ્યું હતું. અને આરોપીઓએ બાદમાં ભાવેશ પાસે રહેલો આઈફોન 13 પણ લઈ લીધો અને તેને રાજકોટ કાર મારફતે મુકવા આવ્યા હતા.

- Advertisement -

10 દિવસમાં ત્રીસ લાખ નહીં મળે તો હત્યાની ધમકી

રાજકોટ મુકવા આવતા પહેલા આરોપીઓએ ભાવેશને કહ્યું હતું કે, તારે કુલ 50 લાખ આપવાના હતા જેમાંથી હજુ 20 લાખ જેવી કિંમતની વસૂલી થઈ છે તારે હજુ 30 લાખ રૂપિયા આપવાના છે. આ ત્રીસ લાખ 10 દિવસમાં ચૂકવી દેવા નહીં તો જાનથી મારી નાખશે તેમ ધમકી આપી યુવકને રાજકોટ શહેરમાં ઉમીયા ચોક ખાતે કારમાંથી ઉતારી દીધો હતો. બાદમાં ભોગ બનેલો યુવક સમગ્ર કારસ્તાન સમજી ગયો હતો જેથી તેણે મયુરને કહ્યું કે મારી સાથે તમે જાણી જોઈને મને આ લોકો પાસે લઈ ગયા હતા. જેના જવાબમાં મયુરે યુવકેન કહ્યું કે તું 10 દિવસમાં બાકીના ત્રીસ લાખ આપી દેજે નહીં તો અમે તારા ઘરે આવશું અને આ લોકો તને પતાવી દેશે.

ભયના ઓથારમાં જીવતા વેપારીએ કરી પોલીસ ફરિયાદ

ફરિયાદી ભાવેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પાસે 30 લાખ રુપિયાની સગવડ નહીં હોવાથી તે ડરી ગયો હતો. આ મામલે તેણે પોતાની પત્ની ધર્મિષ્ઠાને કહી હતી અને બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નોંધી ફરિયાદ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગબનનાર ભાવેશની ફરિયાદ નોંધી આરોપીઓ મયુર ફળદુ, હરદીપ વાળા અને મહિપાલ વાળા વિરૂદ્ધ આઈપીસીની કમલ 386, 323, 504, 506(2), 120(બી) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular