જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital)માં રેસિડેન્ટ ડોક્ટર (Resident Doctor) તરીકે ફરજ બજાવતા અને એમડી માઇક્રોબાયોલોજી (MD Microbiology)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડૉ. હર્ષ સુભાષભાઈ પંડ્યાના (Dr. Harsh Subhashbhai Pandya) મોતના મામલે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર (Surat Civil Hospital Administration) દ્વારા જવાબદારો સામે કાર્યવાહી માટે ખાટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station)માં સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
મોડાસા (Modasa) શહેરના રહેવાસી ડૉ. હર્ષ પંડ્યા ચાર સિનિયર તબીબોના (Senior Doctors) કથિત રેગિંગ (Ragging)થી માનસિક રીતે હિંમત હારી ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. બોયઝ હોસ્ટેલ (Boys Hostel)માં તેમણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પરિવારજનો આઘાતમાં છે અને તેમની આંખમાંથી આંસુ સુકાતા નથી.
પરિવારજનોએ જવાબદાર દોષિતો સામે ફરિયાદ નોંધાવી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે દોષિતોને કડક સજા થવી જોઈએ, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીને રેગિંગના કારણે જીવ ગુમાવવાનો વારો ન આવે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર (Surat Civil Hospital Administration) દ્વારા ડૉ. હર્ષ પંડ્યાને (Dr. Harsh Pandya) આત્મહત્યા (Suicide) કરવા મજબૂર કરનાર જવાબદારો સામે ખાટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station)માં સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો છે. તંત્રની તપાસ કમિટી (Inquiry Committee)માં રેગિંગને લઈને ચોંકાવનારી હકીકતો સામે આવ્યા બાદ તંત્ર પોતે ફરિયાદી બનવા માટેની કાર્યવાહી કરી રહ્યું હોવાનું જણાવાયું છે.
ડૉ. હર્ષ પંડ્યાના પિતા ડૉ. સુભાષ પંડ્યા (Dr. Subhash Pandya) નિવૃત્ત ધનસુરા સીએચસી (Dhansura CHC) સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન (Surgeon) છે. તેમણે મીડિયા (Media) સાથે વાત કરતા જણાવ્યું હતું કે હર્ષે ઘણીવાર ફોન પર સિનિયરોના રેગિંગ અંગે વાત કરી હતી. જોકે તે આ સમસ્યાને પોતે સંભાળી લેશે તેમ કહેતો હતો.
ડૉ. સુભાષ પંડ્યાએ જણાવ્યું હતું કે સરકારે રેગિંગ (Ragging) સામે કાયદો બનાવ્યો છે, પરંતુ તેની વાસ્તવિક અમલવારી કેટલી થઈ રહી છે તે મહત્વનું છે. તેમણે કહ્યું કે તેઓ પોતે પણ તબીબી અભ્યાસ કરી ચૂક્યા છે અને રેગિંગ મોટાભાગની કોલેજોમાં (Colleges) થતું હોવાનો દાવો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેગિંગના કાયદાની સખ્ત અમલવારી કરવામાં આવે તો જ રેગિંગની ઘટનાઓ અટકી શકે. અન્યથા કોલેજોમાં પાછળના દરવાજે ચાલતા રેગિંગના કારણે અન્ય કોઈ માતા-પિતાએ પોતાના વ્હાલસોયા સંતાનને ગુમાવવાનો વારો ન આવે તેની તકેદારી સરકારે રાખવી જોઈએ.








