Sunday, May 19, 2024
HomeGujaratકરવું હોય એટલું સારું કાર્ય થઈ શકે, આ વ્યક્તિની જેમ માત્ર નજર...

કરવું હોય એટલું સારું કાર્ય થઈ શકે, આ વ્યક્તિની જેમ માત્ર નજર ફેરવી જુઓ…

- Advertisement -

સારું કાર્ય કરવું હોય તે વ્યક્તિને સારું કામ શોધવા જવું પડતું નથી, તે માત્ર આસપાસ નજર ફેરવે તો તેને આવાં કાર્યો મળી શકે જેના થકી તે અનેકના જીવનમાં પરિવર્તન લાવી શકે. જયેશભાઈ અને તેમના પત્ની નિહારીકાબહેને આજથી ચાર દાયકા અગાઉ સમાજના ભલાઈના કાર્ય ઉપાડ્યું એ આજ દિન સુધી કરી રહ્યાં છે. આ કાર્યથી તેઓ અનેકના જીવનની મુશ્કેલી દૂર કરી શક્યા છે.

આ સેવાભાવી દંપતી અમદાવાદમાં રાહી ફાઉન્ડેશન નામની સંસ્થા અંતર્ગત મેન્ટલી ચેલેન્જડ બાળકોના વિકાસ અર્થે અને પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરે છે. સેવાકાર્યની ભેખ ધરવા માટે આમ તો કોઈ કારણની જરૂર નથી હોતી, પરંતુ જ્યારે જાહેર સેવામાં પડીને કાર્ય કરવાનું હોય ત્યારે જીવનનો કોઈ એવો વળાંક આવે છે ત્યારે નિશ્ચય દૃઢ બને અને વ્યક્તિ આજીવન સમાજનો સેવક બને છે. જયેશભાઈના કિસ્સામાં એવું બન્યું જ્યારે તેમના પિતાને કેન્સરની બીમારી થઈ. જયેશભાઈ ત્યારે માત્ર 15 વર્ષના હતા અને પોતે પરિવારની બધી જ જબાદારી ઉપાડી લીધી. જીવનનો સંઘર્ષ આમ નાની ઉંમરેથી જ શરૂ થયો. આ સંઘર્ષે તેમને ખૂબ જલદીથી જીવનમાં સ્થિર પણ કર્યા; અને પોતે સ્થિર થતાં ગયા તેમ ઊંડે ઊંડે સમાજસેવાની જે ભાવના હતી તેને પ્રવૃત્તિમાં લઈ આવ્યા. એ રીતે પહેલાં એમ જ સેવા કરી અને પછી વિધિવત્ રીતે રાહી ફાઉન્ડેશન ઊભું કર્યું. હવે તો તેઓ જીવનના અંતિમ ક્ષણ સુધી આ સેવાનો ધોધ પોતાના થકી વહેવાવા માંગે છે.

- Advertisement -

રાહી ફાઉન્ડેશન અમદાવાદના પાલડી વિસ્તારમાં રામકૃષ્ણ ડે કેર નામની મેન્ટલી ચેલેન્જડ બાળકો માટે શાળા ચલાવે છે. આ સ્કૂલમાં પાંચથી ત્રીસ વર્ષના બાળકોને ભણાવવામાં આવે છે. રામકૃષ્ણ ડે કેરમાં શિક્ષણ, બુદ્ધિનો વિકાસ, વસ્તુઓ ઓળખતા શિખવું, હેન્ડિક્રાફ્ટ અને અન્ય સ્કીલ ડેવલપમેન્ટ જેવા કાર્યો શીખવાડાય છે. અહીંયા અભ્યાસ કરનારા આવનારા બાળકો મહદંશે ગરીબ પરિવારમાંથી આવે છે. અત્યારે તેમની પાસે 35 વિદ્યાર્થીઓ છે. શાળામાં બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને સાથે-સાથે તેઓને ભૂગોળ, સંગીત અને અન્ય સાધનો દ્વારા તેમના જીવમાં રંગ પરોવાયા તેવો સતત પ્રયાસેય થાય છે.

રાહી ફાઉન્ડેશનનું જેમ એક કાર્ય મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને શિક્ષણ આપવાનું છે; તો બીજી તરફ તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે પણ કાર્ય કરે છે. આ માટે તેઓ અમદાવાદમાં અલગ-અલગ સ્થળે જૂના કપડાં એકત્રિત કરવાના વીસ સેન્ટર ચલાવે છે. અહીંયા આવનારાં કપડાંને અલગ કરીને જે સારાં કપડાં હોય તેને આદિવાસી વિસ્તારોમાં, દરિયા કાંઠે અગરિયાઓને અથવા તો જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. અન્ય જે કપડાં બચે છે તેને અપંગ મંડળના સિવણ યુનિટના મદદથી કાપડની થેલી બનાવાય છે. આ થેલીની કિંમત 20 રૂપિયા સુધીની હોય છે અને અત્યાર સુધી રાહી ફાઉન્ડેશન દ્વારા 7000 થેલીઓનું વેચાણ થયું છે. કપડાંની થેલીઓના કારણે મોટા પાયે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટે તેવો રાહી ફાઉન્ડેશનનો ઉદ્દેશ છે.

- Advertisement -

કોરોનકાળમાં રાહી ફાઉન્ડેશન દ્વારા માસ્ક બનાવી પણ અલગ-અગલ વૃદ્ધાશ્રમમાં, ફાયર બ્રિગેડના કર્મચારીઓને, એસટીના ડ્રાઇવર-કન્ડક્ટરોને અને સફાઈ કર્મચારીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. હાલમાં જ આ ફાઉન્ડેશન દ્વારા ખારાઘોડા વિસ્તારના અગિયારાઓને સો જોડી કપડાં આપવામાં આવ્યા છે અને સાથે સો ધાબડાનું પણ વિતરણ ત્યાં કરવામાં આવ્યું છે.

જયેશભાઈનું આ કાર્ય ઉમદા છે અને જો તેમના કાર્યને બિરદાવીને આપણે પણ મદદનો સંકલ્પ કરીએ તો તેમનું કાર્ય વિસ્તરશે અને અનેક લોકો તેનો લાભ લઈ શકશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular