નવજીવન ન્યૂઝ. વિરમગામ: Viramgam News: અમદાવાદના માંડલની (Mandal) રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં 17 દર્દીઓને ઓપરેશન બાદ આંખમાં ઝાંખપ આવવી, આંખના ભાગે સોજો આવી જવો અને આંખમાંથી સતત પાણી નીકળવા જેવી સમસ્યા ઊભી થઈ હતી. ત્યાર બાદ સરકારે આ કેસની તપાસ કરવા માટે એક SITની રચના કરી હતી. આજે SIT દ્વારા આ કેસની તપાસનો રિપોર્ટ કોરટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે.
બનાવની વિગતે વાત કરીયે તો, 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલા 28દર્દીઓના ઓપરેશન બાદ 17 દર્દીઓમાં જે સમસ્યાઓ સામે હતી, તેના પગલે તમામ 17 દર્દીઓને તાત્કાલિક ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 જેટલા દર્દીઓને ગંભીર તકલીફ હોવાથી તેમને આમદવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 12 દર્દીઓને માંડલની જ હોસ્પીટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા અને આ કેસની તપાસ કરવા એક SITની રચના કરવામાં આવી હતી.
SITના 9 નિષ્ણાંત સભ્યોની સમિતિના અહેવાલમાં ટ્રસ્ટની ગંભીર ભૂલો સામે આવી છે. જેમાં ગાઇડલાઇનનું પાલન નહીં થયાની વિગત પણ સામે આવી છે. આ ઉપરાંત માળખાકીય સુવિધાઓ, સક્ષમ સ્ટાફ, રેકોર્ડ જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ સામે આવી છે. ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં પણ ગંભીર ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો છે. ચેપ લાગ્યાની ઘટના બાદ લેવામાં આવેલા પગલામાં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે. તેમજ નેત્ર સર્જન ડૉ. જૈમિન પંડ્યાએ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી ન કરી હોવાનો પણ ખુલાસો અહેવાલમાં થયો છે. જે પછી નેત્ર સર્જન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.