કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ચૂંટણીના માહોલમાં વિશ્વગુરુ હોવાનો આપણે જે ગજ વાગી રહ્યા છે તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ હાલમાં વિદેશી મીડિયામાં આવી રહી છે. ‘ઑસ્ટ્રેલિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ (Australian Broadcasting Corporation) દ્વારા એક અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે, બે ભારતીય જાસૂસોને ઑસ્ટ્રેલિયામાંથી દેશનિકાલ આપવામાં આવ્યો છે. આ બંને જાસૂસો ઑસ્ટ્રેલિયાના ડિફેન્સ પ્રોજેક્ટ અને એરપોર્ટ સિક્યૂરિટી અંગે છૂપી રીતે માહિતી મેળવી રહ્યા હતા. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયા સાથે થતાં વેપાર અંગેની પણ કેટલીક માહિતી મેળવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય જાસૂસો ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોનું વલણ પણ તપાસતા હતા અને સાથે સાથે પૂર્વ અને વર્તમાન રાજકીય નેતાઓ સાથે ઘરોબો કેળવી રહ્યા હતા. જોકે, હવે આ બધું ઉઘાડું પડી ચૂક્યું છે અને ‘ઑસ્ટ્રેલિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ તે બાબતે તમામ માહિતી અન્ય મીડિયાને આપી છે.
ઑસ્ટ્રેલિયામાંથી આ ન્યૂઝ આવ્યા તેના એક દિવસ અગાઉ જ અમેરિકાના જાણીતાં અખબાર ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં પણ એક અહેવાલ પ્રકાશિત થયો છે, તેમાં પણ ભારતની જાસૂસી સંસ્થા ‘રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ’[RAW]નું નામ આવ્યું છે. આ અહેવાલ મુજબ ‘RAW’ના વિક્રમ યાદવ નામના એક અધિકારીએ ખાલિસ્તાનના સમર્થક ગુરપંતવતસિંઘ પન્નુનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ ગયા વર્ષની વાત છે અને હત્યા અમેરિકામાં થવાની હતી, પરંતુ અમેરિકાની જાસૂસી સંસ્થાએ આ પ્લાન નિષ્ફળ બનાવ્યો.
જાસૂસીનું કાર્ય સિફતપૂર્વક થાય છે અને તેની જાણ આ રીતે મીડિયામાં વહેતી થતી નથી. ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જ નહીં થોડા વખત પહેલાં ઇંગ્લેન્ડ સ્થિત ‘ધ ગાર્ડિયન’ નામના અખબારે પણ ભારતીય જાસૂસીની પોલ ખુલ્લી પાડી હતી. ‘ધ ગાર્ડિયન’માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 20 લોકોને ટારગેટ બનાવવાનો દિલ્હીથી આદેશ આપવામાં આવ્યો છે. આ પ્લાન પાર પાડવામાં ભારતીય જાસૂસો પૂર્વ યુએએસઆરની ‘કેજીબી’ અને ઇઝરાયલની ‘મોસાદ’ની મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરવાના હતા.
ભારતીય જાસૂસી અંગે જે મુદ્દો દુનિયાભરમાં ચર્ચાયો અને તેમાં દેશનું નામ ખરડાયું તે કેનેડામાં થયેલી ખાલિસ્તાની સમર્થક હરદિપસિંઘ નિજ્જરની હત્યા હતી. જૂન, 2023માં કેનેડામાં હરદિપસિંઘ નિજ્જરની કોઈ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. તેની ભાળ હજુ સુધી મળી નથી, પરંતુ કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતનો તેમાં હાથ હોઈ શકે તેવું નિવેદન આપ્યું હતું. કેનેડા સરકાર તરફથી આવેલાં નિવેદન અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું અને આરોપોને એમ કહીને ફગાવ્યા કે આરોપો ‘રાજકીય પ્રેરીત’ હતા. અને સાથે એમ પણ કહ્યું હતું કે કેનેડા સરકાર આંતકવાદીઓને છાવરી રહી છે.
ભારતીય જાસૂસોની ચર્ચા પશ્ચિમી દેશોમાં છેલ્લા વર્ષોમાં થઈ રહી છે અને તેમાં અત્યારે આપણે બેકફૂટ પર આવી ચૂક્યા છે – તેવા અહેવાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમી દેશો પર ખાસ્સો પ્રભાવ ધરાવે છે તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ અમેરિકા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા ભારતીય જાસૂસોની પોલ ખુલ્લી પાડીને તેની તમામ વિગત મીડિયામાં આપી રહ્યા છે. અમેરિકામાં ભારતીય જાસૂસના વિક્રમ યાદવની વાત લઈએ તો તેની બધી વિગત ‘ધ વોસ્ટિંગ્ટન પોસ્ટ’માં આપવામાં આવી છે. આ અહેવાલમાં એટલે સુધી વાત મૂકવામાં આવી છે કે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક ગુરપંતવતસિંઘ પન્નુનની હત્યા કરવા અંગે ‘RAW’ના ડિરેક્ટર સામંત ગોયલને સુધ્ધા જાણકારી હતી. અને સાથે સાથે તેમાં એ પણ વિગત ટાંકવામાં આવી છે કે સામંત ગોયલ પર કોઈ પણ રીતે ખાલિસ્તાન સમર્થકોને ખતમ કરવાનું દબાણ હતું. આ પૂરા પ્લાનની જાણકારી ‘નેશનલ સિક્યુરિટી એડવાઇઝર’ અજિત દોવલને પણ હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે જ્યારે સામંત ગોયલ અને અજિત દોવલ પાસે આ અંગે ‘ધ વોશ્ટિંગ્ટન પોસ્ટ’ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં.
અમેરિકામાં ખાલિસ્તાનના સમર્થકની હત્યાનો પ્લોટ ઘડાયો તેમાં ભારતીય જાસૂસ વિક્રમ યાદવથી કાચુ કપાયું છે. વિક્રમ યાદવ અને તેની સાથે જોડાયેલી તમામ કડી અમેરિકાની જાસૂસી એજન્સીઓએ શોધી કાઢી છે અને તે પ્લાન શું હતો તેની છાનબીન ચાલી રહી છે. વિક્રમ યાદવ પાસે પૂરતી ટ્રેઇનિંગ નહોતી અને તે કારણે પણ આ પ્લાન ઉઘાડો પડ્યો છે તેવી વિગત ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’એ ટાંકી છે. આવું થવાનું કારણ વિક્રમ યાદવને ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’થી જાસૂસીમાં મૂકવામાં આવ્યા. અત્યાર સુધી ભારતીય જાસૂસીનું કામ પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોમાં વિશેષ રહ્યું છે. અમેરિકા, રશિયા, ચીન કે પશ્ચિમી દેશો સુધી ભારતીય જાસૂસીના હાથ એ રીતે નહોતા પહોંચ્યા કે ત્યાં કોઈ ઓપરેશન પાર પાડી શકાય. વર્તમાન કેન્દ્ર સરકારે એ રીતે જાસૂસીનો દાયરો વધાર્યો છે અને પશ્ચિમી દેશોમાં રહેતાં દેશના દુશ્મનો તરફ કાર્યવાહી થાય તે માટે પ્રયાસ શરૂ કર્યા છે. પરંતુ આ પ્રયાસ કરતાં અગાઉ જે રીતે પશ્ચિમમાં જાસૂસી થવી જોઈએ તેની ટ્રેઇનિંગ મેળવવી રહી. ટ્રેઇનિંગ અગાઉ જ દેશના જાસૂસો ઑસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ગયા છે અને તે કારણે ભારતીય જાસૂસી પકડાયાની ખબર સમયાંતરે આવી રહી છે.
વિક્રમ યાદવના સંબંધમાં અમેરિકાની સરકારે એક એફિડેવિટ કરી છે અને તેમાં નિખીલ ગુપ્તા નામ ખુલ્યું છે. અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોની હત્યા માટે નિખીલ ગુપ્તાને કામ સોંપવામાં આવ્યું હતું. નિખીલ ગુપ્તાની થોડા વખત અગાઉ ચેઝ રિપબ્લિકમાં ધરપકડ થઈ છે અને અમેરિકામાં તેનું પ્રત્યારોપણ થાય તેની રાહ જોવાઈ રહી છે. 52 વર્ષીય નિખીલ ગુપ્તા પર જો ગુનો સાબિત થશે તો તેને વીસ વર્ષની સજા થશે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં આવેલા અહેવાલની અહીં ટૂંકમાં વિગત આપી છે, તે અહેવાલથી એટલો તો ખ્યાલ આવે છે કે આપણી જાસૂસી સંસ્થાની એકેએક કડી અમેરિકાની એજન્સીએ શોધી કાઢી છે.
દેશમાં ચૂંટણીનો માહોલ છે તે કારણે પણ સ્થાનિક મીડિયામાં જાસૂસી કાંડમાં ઉઘાડી પડેલી વિગતોની ચર્ચા થઈ રહી નથી. ભારતીય જાસૂસી સંસ્થાની આ પીછેહઠ છે અને તે અંગે કેન્દ્ર સરકાર પાસેથી નિવેદન આવી રહ્યું છે, પણ તેમાં તથ્યો બહાર આવ્યા નથી. ઇંગ્લેન્ડના ‘ધ ગાર્ડિયન’ને પાકિસ્તાન સંલગ્ન વીસ આંતકવાદીઓને ભારતીય જાસૂસી સંસ્થાએ હત્યા કરવાનો પ્લાન ઘડ્યો છે- તેવા ન્યૂઝ આપ્યા પછી રક્ષા મંત્રી રાજનાથ સિંઘ તરફથી અતિશોયક્તિ લાગે તેવું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં જઈને કોઈ પણ આંતકવાદીને મારવાની ક્ષમતા ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધ્ધા ચૂંટણી રેલીમાં એવું કહી ચૂક્યા છે કે હવે ભારત સરકાર મજબૂત છે અને જે હવે ઘરમાં ઘૂસીને આંતકવાદીઓને મારે છે.
ઑસ્ટ્રેલિયાથી ભારતીય જાસૂસીના જે ન્યૂઝ આવ્યા છે તે અંગે કેન્દ્ર સરકારે આ ન્યૂઝ અહેવાલને શંકાસ્પદ ગણાવ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયા સરકારે આ ન્યૂઝને કોઈ રીતે સમર્થન આપ્યું નથી. છેલ્લા એક દાયકામાં આપણા દેશે અમેરિકા સાથે સારાં સંબંધ વિકસાવ્યા છે અને એક વિશ્વાસ ઊભો કર્યો છે. આ કારણે પણ આપણે આત્મવિશ્વાસથી જાસૂસી ક્ષેત્રમાં આગળ વધ્યા છે. જોકે જાસૂસી સાથે સંકળાયેલા પૂર્વ અધિકારીઓ એવું ઠોસ રીતે માને છે કે અમેરિકા સાથે વેપારી સંબંધો કેટલું પણ આગળ વધાય, પરંતુ જ્યારે વાત તેમના સુરક્ષાની આવે છે ત્યારે તેમાં કોઈ બાંધછોડ થતી નથી. જે રીતે ભારતીય જાસૂસો અમેરિકામાં પ્રવેશ્યા અને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તે અમેરિકાની જાસૂસી સંસ્થાને અને અમેરિકાની સરકારને પસંદ પડ્યું નથી. અને એ કારણે પૂરા પશ્ચિમી જગતમાંથી હવે ભારતીય જાસૂસો પાછાં મોકલવા અંગે ન્યૂઝ આવી રહ્યા છે. આવું થયું તેનું એક કારણ ‘ફાઇવ આઇઝ’ નામની એક જાસૂસી સંસ્થા છે, જેમાં ઑસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે જોડાયેલા છે. આ પાંચેપાંચ દેશો ઇન્ટેલિજન્સ સંસ્થાઓ એકબીજા સાથે સંપર્કમાં છે. હવે જોવાનું એ રહ્યું કે આ નિષ્ફળતા અંગે આપણી સરકાર કેટલી તથ્યો લોકો સમક્ષ મૂકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796