એલએમઇ કોપર વાયદો માર્ચ ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ: આ વર્ષે ભાવ ૧૬ ટકા વધ્યા
શિકાગો વાયદો ૨૧ ટકા વધવાને લીધે કોપર ઉત્પાદકો અને ટ્રેડરો આરબીટ્રાજ નફારૂપી વેચવાલ
ચીનમાં કોપર આયાત પ્રીમિયમ શૂન્ય થયું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): લંડન, શિકાગો અને શાંઘાઇ કોમોડિટી એક્સચેન્જો પર તાંબાના ભાવમાં (Copper Price) મોટા તફાવત સ્થાપિત થતાં રોકાણકારોએ આરબીટ્રાજ (ભાવ તફાવત)નો લાભ લેતા ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. લંડન મેટલ એકસચેન્જ (LME)પર સોમવારે ત્રિમાસિક વાયદો માર્ચ ૨૦૨૨ પછીની નવી ઊંચાઈએ ૧૦,૧૦૧ ડોલર બોલાયો હતો. આ વર્ષે ભાવ ૧૬ ટકા વધ્યા છે, પણ શિકાગો મરકંટાઈલ એક્સચેન્જમાં આ વૃધ્ધિ ૨૧ ટકા જેટલી થઈ છે. આને લીધે કોપર ઉત્પાદકો અને ટ્રેડરો અમેરિકન બજારમાં નફારૂપી વેચવાલ છે.
લેટિન અમેરિકન દેશો જે વિશ્વમાં સૌથી મોટા ઉત્પાદક છે, તેમને અમેરિકામાં કોપર વેચાણ પર ટેક્સ માફી હોવાથી, આ ભાવ તફાવતનો સૌથી વધુ લાભ લઈ રહ્યા છે. આ વિસ્તારના કેટલાંક ઉત્પાદકોને વાહન વ્યવહાર મુશ્કેલ હોવાથી, મર્યાદિત નિકાસ કરી શકતા હોવા છતાં, તેઓ તેમનું મહત્તમ ઉત્પાદન અમેરિકામાં વેચાવા ઉતાવળા થયા છે. કેટલાંક ટ્રેડરો અમેરિકન ગલ્ફ માટે મે મહિનાના શિપમેન્ટ ડિલિવરી માટે ૩૦૦ ડોલર જેટલું પ્રીમિયમ આપવા તૈયાર છે, પણ જહાજો મળતા નથી. શાંઘાઇ કરતાં પણ શિકાગોમાં તેજી વેગીલી બની છે. શિકાગો જુલાઇ વાયદો પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૪.૬૭ ડોલર મુકાયો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં શાંઘાઇ ફ્યુચર એક્સ્ચેન્જ પર ફ્રંટ મંથ કોપર ૧૫ ટકા વધ્યો છે. વર્તમાન ભાવ આરબીટ્રાજનો લાભ લેવા ચીનના ટ્રેડરો મેના આરંભથી કોમેક્સ પર ગુડ ડિલીવરી ગણાતા આયાતી માલ પણ હવે રીએક્સપોર્ટ કરવા લાગ્યા છે. ચીનમાં પાવર ગ્રીડ અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની વધતી કોપર માંગ અને જાગતિક પુરવઠા અછતની આગાહીઓ થવા લાગતાં, ભાવમાં વૃધ્ધિ શરૂ થઈ હતી.
ગત શુક્રવારે વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદક ચિલીની સરકારી માલિકીની કોડાલકો કંપનીમાં માર્ચ ઉત્પાદન ૧૦.૧ ટકા ઘટીને ૧,૦૭,૩૦૦ ટન આવ્યાના અહેવાલ, કોપર કમિશન કોચીલકોએ આપ્યા હતા. અલબત્ત, દેશની અન્ય ખાણો ઇસ્કોનડીદા હસ્તકની બીએચપીમાં ઉત્પાદન ૯.૭ ટકા વધી ૧,૦૧,૪૦૦ ટન થયું હતું. ચિલીનું કૂલ એકત્રિત ઉત્પાદન ૦.૭ ટકા ઘટીને ૪,૩૩,૩૦૦ ટન થયું હતું.
જોકે એનાલિસ્ટો કહે છે કે ચીનમાં માંગ નીચલા સ્તરે ગઈ હોવાથી, વર્તમાન તેજી ટકાઉ સાબિત નહીં થાય. આમ પણ કોપરને ચીનની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહ્યો છે. કોવિદકાળ પછીથી લેવામાં આવી રહેલા સાવચેતીના પગલાઓને લીધે વિશ્વની બીજા નંબરની ઈકોનોમી ગણાતા ચીનમાં એનાલિસ્ટઓ માને છે તેટલી ઝડપથી સુધારો નથી થયો. અલબત્ત, લાંબાગાળાની માંગના ટેકારૂપ ફંડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર નથી થયા. જોકે ટૂંકાગાળામાં ચીન સરકાર ટકાઉ રાહત પેકેજ જાહેર નહીં કરે અથવા ચીનની સ્મેલટરો ઉત્પાદન કાપ જારી રાખશે તો ભાવ પર ઘટવાનું દબાણ વધશે.
ચીનના શાંઘાઇ એક્સ્ચેન્જના વેરાઉસમાં પડેલો સ્ટોક વધીને ૩ લાખ ટન ઉપર જતો રહ્યો છે, જે કોરોના મહામારી પહેલાના ચાર વર્ષ અગાઉ જોવાયો હતો. શાંઘાઇ મેટલ માર્કેટમાં ડેટા સાચવવાનું ૨૦૧૭માં શરૂ થયું ત્યાર પછી પહેલી વખત ગયા મહિને ચીનમાં કોપર આયાત પ્રીમિયમ શૂન્ય થયું હતું. આટલું અધૂરું હોય તેમ ચીનની સ્થાનિક માંગ પણ નબળી પડી છે, વધતાં સ્ટોકનુ મૂળ કારણ પણ રિફાઈન્ડ કોપરનું વધતું ઉત્પાદન છે. કેટલીક આગેવાન સ્મેલટરો, એલએમઇ વેરહાઉસ ખાતે, મે મહિનામાં જ ૪૦થી ૫૦ હજાર ટન રિફાઈન્ડ કોપર નિકાસ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796