કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ન્યૂઝ ચેનલ સાથે સાથે હવે યૂટ્યુબ (Youtube) પર ન્યૂઝ-ઓપિનિયન આપતા ડિજિટલ ન્યૂઝ ચેનલોનો અવાજ બુલંદ થઈ રહ્યો છે. રવિશ કુમાર (Ravish Kumar), પુણ્ય પ્રસૂન વાજપેયી, અજિત અંજુમ, અભિસાર શર્મા, આકાશ બેનર્જી, ધ્રુવ રાઠી (Dhruv Rathee) અને સાક્ષી જોશી આ યૂટ્યુબરોમાંના કેટલાંક નામો છે, જેમની ડિજિટલ ન્યૂઝ ચેનલોના લાખો સબસ્ક્રાઇબર છે. અને તેમના એકએક વિડિયો લાખો લોકો જુએ છે. જેમ જેમ પ્રાઇવેટ ન્યૂઝ ચેનલોમાં સરકારના ગુણગાન ગાવાના શરૂ થયા તેમ યૂટ્યુબ આ બધા પત્રકારોનો અવાજ બુલંદ થતો ગયો. અત્યારે ચૂંટણીના સમયે આ બધા યુટ્યૂબર પોતાના પ્લેટફોર્મ પર સરકાર સામેની વાત બિન્દાસ રીતે મૂકી રહ્યા છે. ભારતમાં આ યૂટ્યુબરોની સંખ્યા સાથે તેમનું ઇફ્લુએન્સ પણ વધી રહ્યું છે. પ્રજામત કેળવવામાં તેમની ભૂમિકા ચૂંટણીમાં હવે અગત્યની જોવામાં આવી રહી છે.
યૂટ્યુબર તરીકે અત્યારે જેનું નામ સૌથી વધુ ચર્ચાય છે તે ધ્રુવ રાઠી છે. 29 વર્ષીય ધ્રુવ જર્મનીમાં રહે છે અને વર્તમાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ તે ટીકા કરતાં વિડિયો બનાવવા માટે જાણીતો છે. હાલમાં તેનો એક વિડિયો ‘ઇઝ ઇન્ડિયા બિકમિંગ અ ડિક્ટેટરશિપ?’ મતલબ કે શું ભારતમાં સરમુખત્યારશાહી આવી રહી છે – આ વિડિયોને અઢી કરોડ લોકોએ જોયો. વિદેશમાં રહીને ભારતના પ્રશ્નો વિશે વિડિયો બનાવતા ધ્રુવ રાઠી હવે ઇન્ફ્લુઅન્સર છે. તેના સબસ્ક્રાઇબરની સંખ્યા એક કરોડ એંસી લાખ છે. દેશમાં અત્યારે 46 કરોડ જેટલાં લોકો યૂટ્યુબના યુઝર્સ છે અને આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા બમણી થશે. અને તેમાં પણ ધ્રુવ રાઠીના પ્લેટફોર્મ પર જે રીતે સબસ્ક્રીબશન વધી રહ્યું છે તે પરથી તો એવાં ન્યૂઝ બની રહ્યા છે કે, ‘શું ધ્રુવ રાઠીની પ્રસિદ્ધી ભાજપ માટે ચિંતાનો વિષય છે?’ આવા ન્યૂઝ બને તેનું કારણ છે કે ધ્રુવ રાઠીની પ્રસિદ્ધી દિવસે ને દિવસે વધી રહી છે. અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિને સુદ્ધા 2023ના નેક્સ્ટ જનરેશન લીડર્સમાં તેનું નામ સામેલ કર્યું છે. હવે ધ્રુવ દેશની પાંચ પ્રાંતીય ભાષા તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી અને કન્નડ ભાષામાં પોતાના વિડિયો ડબ કરીને રજૂ કરશે. ધ્રુવ રાઠી આવાં વિડિયો બનાવવાની શરૂઆત 2013થી કરી હતી. અગાઉના તેના વિડિયોમાં માત્ર ફેક્ટ ચેકીંગ પૂરતા રાજકીય બાબતોને આવરી લેવાતી, પરંતુ પછી ધ્રુવ અનેક વિષયોને સાંકળતો ગયો. છેલ્લા મહિનાઓમાં ધ્રુવે બનાવેલાં કેટલાંક વિડિયો તો કરોડોની સંખ્યામાં જોવાયા છે. જેમ કે, ‘હાઉ મિલિયન્સ ઑફ ઇન્ડિયન્સ વેઅર બ્રેઇનવોશ્ડ’, ‘ઇન્ડિયા નીડ જોબ્સ’, ‘ઇલેક્ટરોલ બોન્ડ સ્કેમ’, ‘ડરા હુઆ ડિક્ટેટર’, ‘ફાર્મસ વિ. મોદી’. ધ્રુવનું કદ ડિજિટલી એટલું વધ્યું છે કે તેની વાત આજે ધ્યાનથી સાંભળવામાં આવે છે. ધ્રુવ જ્યારે હમણાં ભારત આવ્યો ત્યારે કરન થાપર, આકાશ બેનર્જીથી માંડિને રવિશ કુમાર સુધ્ધા તેનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એક તરફ સરકારની આખી મશીનરી છે, જેમાં સરકારના ગુણગાન ગવાઈ રહ્યા છે. ઉપરાંત ગોદી મીડિયા છે; જેમાં મહદંશે સરકાર વિરુદ્ધ કશુંય બોલવામાં નથી આવતું. ત્યારે ધ્રુવ રાઠીનો વન મેન શો સરકારની મશીનરીનો હંફાવી રહી છે.
યૂટ્યુબ પર આટલા જંગી વ્યૂઅર્સ આવવા લાગ્યા તેનું એક અગત્યનું કારણ જીઓ કંપની દ્વારા 2016માં સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન લાવવામાં આવ્યા તે છે. અને તેનો લાભ આજે યૂટ્યુબર્સને મળી રહ્યો છે. લોકો વધુને વધુ સમય મોબાઈલ ફોનથી યૂટ્યુબ પર વિતાવે છે. તે પછી કોરોના કાળમાં એવરેજ સ્ક્રીન ટાઇમ વધ્યો અને તે કારણે પણ યૂટ્યુબરને વ્યૂઅર્સ મળતાં ગયા. અને એટલે વર્ષોથી ટેલિવિઝન ન્યૂઝ ચેનલનો ચહેરા રવિશ કુમાર પણ યૂટ્યુબના પ્લેટફોર્મ પર આવ્યા. રવિશ કુમારના હાલમાં સબસ્ક્રાઇબર એક કરોડની આસપાસ પહોંચ્યા છે. રવિશ મહદંશે રોજ એક વિડિયો બનાવે છે અને તે વિડિયોના વ્યૂઅર્સ સરેરાશ વીસ લાખની આસપાસ છે. રવિશ કુમારને અગાઉ ‘એનડીટીવી’માં પૂરા દેશભરના વ્યૂઅર્સ મળતાં હતા, પરંતુ હવે સીધાં રવિશના નામે તેની ચેનલ પર આવનારા લોકો છે. એ રીતે રવિશ કુમાર પણ ન્યૂઝ યૂટ્યુબર તરીકે ઇન્ફ્લુએન્સર બન્યા છે. રવિશ કુમારના વિડિયો મહદંશે હવે રાજકીય હોય છે અને તેમાં પણ વર્તમાન સરકારની ટીકા થાય તેવાં વિડિયો મહત્તમ દેખાય છે.
સરકારની ટીકા કરીને આટલાં કરોડો વ્યૂઅર્સ મેળવતાં છતાં તેની અસર પ્રજામતમાં થશે કે નહીં તેવું કોઈ ઠોસ રીતે કહી શકે નહીં. કારણ કે ધ્રુવ રાઠી અને રવિશ કુમારના સબસ્ક્રાઇબરની સંખ્યા અઢી કરોડ સુધી પહોંચે છે અને તેમાં ‘ધ દેશભક્ત’ પ્લેટફોર્મના આકાશ બેનર્જીને સાથે મૂકીએ તો તેમાં બીજા પચાલ લાખ સબસ્ક્રાઇબર ઉમેરવાના થાય. આકાશ બેનર્જી અઠવાડિયે ત્રણ વિડિયો અપલોડ કરે છે અને તે સરેરાશ 25 મિનિટના હોય છે. આકાશ ચાળીસ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યા છે અને છેલ્લા ત્રીસ દિવસમાં તેમના વિડિયોને સાડા ત્રણ કરોડની આસપાસ વ્યૂઅર્સ મળ્યા છે. તેમનો વિડિયો એવરેશ પંદર લાખથી આસપાસ જોવાય છે. આકાશ પણ વર્તમાન કેન્દ્ર સરકારના વિરુદ્ધ ખુલીને બોલે છે અને તેના વિડિયોના વિષય પણ સરકારની પોલ ખુલી પાડનારા હોય છે. આકાશ ઘણાં ઇન્ટર્વ્યૂ પણ કરે છે. છેલ્લે તેમણે સરકારના કડક ટીકાકાર રહેલા ‘આમ આદમી પાર્ટી’ના સાંસદ સંજય સિંઘનો ઇન્ટર્વ્યૂ કર્યો હતો. આ ઉપરાંત, તે અગાઉ તેમણે ‘ઓલ ઇન્ડિયા ત્રિણુમલ કોંગ્રેસ’ના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. આકાશના વિડિયો જોઈએ તો સ્પષ્ટ દેખાશે કે તેઓ સરકાર સાથે ટકરાવ સુધી જવા તૈયાર છે. 15 એપ્રિલના રોજ તેમના એક વિડિયોમાં ‘બિગેસ્ટ લાયર?’ એમ લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર મૂકી છે. ડિવાઇડ એન્ડ રૂલની જે રાજનીતિ દેશમાં ચાલી રહી છે તેના વિરુદ્ધ પણ આકાશ બેનર્જીએ અનેક વિડિયો બનાવ્યા છે.
આકાશ બેનર્જી જેટલાં સબસ્ક્રાઇબર ધરાવતાં અને સરકારની ટીકા કરનારા એક બીજા આવાં પત્રકાર અજિત અંજુમ છે. અજિત અંજુમ ‘ન્યૂઝ 24’ અને ‘ઇન્ડિયા ટીવી’માં મેનેજિંગ એડિટરના પદે રહ્યા હતા. 2010ના વર્ષમાં તેઓ પત્રકારત્વના પ્રતિષ્ઠિત સન્માન રામનાથ ગોએન્કા એવોર્ડ મળ્યો હતો. પત્રકારત્વમાં સફળ કારકિર્દી ધરાવનારા અજિત હવે ફૂલટાઇટમ યૂટ્યુબ પરના પત્રકાર છે. તેમની સબસ્ક્રાઇબરની સંખ્યા પચાસ લાખ છે. અજિત અંજુમ પણ અઠવાડિયામાં ત્રણ વિડિયો બનાવે છે અને તેમના એક વિડિયોની સરેરાશ અડધો કલાક જેટલી હોય છે. તેમનો વિડિયો સરેરાશ પાંચ લાખની આસપાસ જોવાય છે. અજિત અંજુમના વિડિયો પણ મહદંશે પોલિટીકલ હોય છે. અજિત અંજુમના છેલ્લા કેટલાંક વિડિયોના વિષયો જોઈએ તો ખ્યાલ આવે કે તેમના વિષયો કેન્દ્ર સરકારની વિરુદ્ધ રહ્યા છે. જેમ કે, ‘મોદી કી ગલત બયાનબાજી ભારી પડેગી?’, ‘ભ્રષ્ટાચાર પર મોદી ફીર બેનકાબ, કબ તક ઝૂઠ બોલેંગે મોદી?’, ‘એક ડરે હુએ પ્રધાનમંત્રી કા બયાન’. અજિત અંજુમની જેમ દિલ્હીના રાજકીય વિષયો પર સ્વતંત્ર રીતે વિડિયો બનાવવાના પત્રકાર અભિષાર શર્મા છે. અભિસાર પચાસ લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા છે. દિવસના બે વિડિયો અપલોડ કરનારા અભિસારના વિડિયોના મથાળામાં મોદીનું નામ વિશેષ દેખાય છે. સાથે સાથે તેમના વિડિયોમાં રાહુલ ગાંધીને મળતાં વધુ પડતા મહત્ત્વને પણ જોઈ શકાય છે. અભિસારનો એક વિડિયોના એવરેજ વ્યૂઅર્સનો આંકડો આઠ લાખ સુધી પહોંચે છે. અત્યાર સુધી જેઓના નામ લીધા તેમાં એક દિવસમાં સૌથી વધુ વિડિયો અભિસાર બનાવે છે. જોકે તેમના વિડિયો પંદર મિનિટથી વધુ હોતા નથી.
યૂટ્યુબર પર પોતાનો એક વર્ગ ઊભો કરનારા આવા એક અન્ય પત્રકાર પુણ્ય પ્રસૂન બાજપેયી છે. ત્રણ દાયકા જેટલો ઇલેક્ટ્રોનિક મીડિયામાં અનુભવ ધરાવતા પુણ્ય પ્રસૂન બાજપેયીએ ‘લોકમત’, ‘ઝી ન્યૂઝ’, ‘એનડીટીવી’ અને ‘જનસત્તા’માં કામ કર્યું છે. તેમના નામે છ પુસ્તકો પણ છે. પુણ્ય પ્રસૂન બાજપેયી પણ આ યૂટ્યુબ પર થઈ રહેલા પત્રકારત્વમાં અગત્યનું નામ છે. તેમના સબસ્ક્રાઇબરની સંખ્યા ચાળીસ લાખ છે. અત્યારે આ તમામ પત્રકારોની તાકાત સરકારને પડકારવામાં લાગી છે. જોઈએ આ ચૂંટણીમાં આ યૂટ્યુબ પર પત્રકારત્વ કરનારાંઓની કેટલી અસર થાય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796