Thursday, April 30, 2026
HomeGujaratતે દિવસે નરેન્દ્ર મોદીને ખુબ સારી ઉંઘ આવી હશે

તે દિવસે નરેન્દ્ર મોદીને ખુબ સારી ઉંઘ આવી હશે

- Advertisement -

આપણી જાણ બહાર આપણે બધા જ એટલી બધા નકારાત્મકતા આપણા હ્રદય અને મગજમાં ઠોંસી ઠોંસી ભરીએ છીએ કે આપણી પાસે બધુ જ હોવા છતાં કઈક ખુટી રહ્યુ છે તેવુ સતત લાગ્યા કરે છે, આપણે પોતે જે કરીએ છીએ અને જે આપણે વિચારીએ છીએ તે સિવાય બધા જ ખોટુ કરે છે તેવી માન્યતાઓનો આપણે અજાણતા શીકાર થઈ જઈએ છીએ, આપણી હાલત જંગલમાં શીકારીએ બીછાવેલી જાળમાં ફસાયા હોઈએ તેવી છે, જો કે જંગલમાં શીકારીની જાળમાં ફસાયેલા પ્રાણી અથવા પક્ષીને તો તેની પણ ખબર હોય છે કે તેને કોઈ પણ ભોગે શીકારીની ચુંગલમાંથી છટકવુ છે, પરંતુ આપણે નકારાત્મકતાની જાળમાં ફસાઈ ગયા છીએ તેવો અંદાજ પણ આવતો નથી અને રોજ આપણે જે જાળમાં ફસાયા છીએ તે જાળને આપણે જાતે ફંદાની જેમ આપણા ગળામાં મજબુત કરીએ છીએ,જે આપણુ જીવવુ હરામ કરે છે.

જયાં સુધી નકારાત્મકતાનો સવાલ છે ત્યાં સુધી તેમાંથી કોઈ બચી શકયુ નથી,ખાસ કરી પોતાને બુધ્ધીજીવી માનતો વર્ગ આ દલદલમાં રોજ વધુ ખુપતો જાય છે, સોશીયલ મિડીયા ઉપર જુવો તો તમને અંદાજ આવશે કે આપણે કેટલી બધી નકારાત્મકતાને ગળે વળગાડી રહ્યા છીએ, આપણી આસપાસ બધા જ ખરાબ માણસો છે અને બધુ જ ખરાબ થઈ રહ્યુ છે તેવુ નથી, પરંતુ આપણી નજર જાણે ખરાબ જ શોધી રહી હોય તેવી સ્થિતિ છે, નિરાશાજનક બાબત તો એવી છે હમણાંની સ્થિતિમાં જે શિક્ષીત વર્ગે પોતાને સંભાળી બીજાને મદદ કરવાની ક્ષમતા છે તેઓ પોતે પોતાનું નિયંત્રણ ખોઈ બેઠા છે,સોશીયલ મિડીયા ઉપર આપણે જેમને વ્યકિતગત રીતે ઓળખીએ છીએ તેવા મિત્રો પોતાના વિરોધી મતોને જે ભાષામાં જવાબ આપે છે અથવા વિરોધી મત ધરાવતી વ્યકિત સાથે સંવાદ કરે છે,તે જોઈ પોતાને જ પ્રશ્ન પુછવાનું મન છે કે આપણે જે મિત્રને ઓળખતા હતા તે ખરેખર આપણો જ મિત્ર છે કે પછી તે પહેલાથી જ આવો હતો પણ આપણે તેને ઓળખી શકયા ન્હોતા.

- Advertisement -

નકારાત્મકતા આપણને અંદરથી ખતમ કરી રહી છે,એક પત્રકાર તરીકે મારૂ કામ સરકાર અને તંત્રની ચુક શોધી તેમાં સુધારો થાય તેવા પ્રકારનું રીપોર્ટીંગ કરવાનું છે, સરકારની ટીકા કરીએ ત્યારે તેની પાછળનો હેતુ તો લોકોના જીવનમાં સારૂ થાય તેવો જ હોવો જોઈએ, પણ ખરેખર તેવુ થતુ નથી, પત્રકાર પણ અજાણતા માનતો થઈ જાય છે કે ફલાણો નેતા અથવા ફલાણનો રાજકિય પક્ષ સારો અથવા ખરાબ છે પછી પોતાની આ માન્યતાને પોતે જ દ્રઢ કરતો જાય છે, પત્રકારને પણ કોઈ નેતા અથવા પક્ષ પસંદ હોય તેમાં ખોટુ નથી, પણ જે નેતા અથવા પક્ષ સાથે તે સંમત્ત નથી તે આપણો દુશ્મન નથી, પણ સામાન્ય રીતે તેવુ બનતુ નથી, પત્રકાર કલમ રૂપી દંડ લઈ સતત ન્યાય તોળવાની ભુમીકામાં ઉભો રહે છે,તંત્ર અથવા નેતાની ચુક હોય ત્યારે ચોક્કસ શબ્દ દ્વારા સંબંધીતનો કાન પકડવાનો છે, પણ આ જ નેતા અને તંત્ર સારૂ કરે ત્યારે તેમની પીઠ થાબડવાનું કામ પણ થવુ જોઈએ પણ તેવુ થતુ નથી કારણ બધુ જ સારૂ અને બધુ જ ખરાબ થતુ નથી,દરેક વખતે ગુુણ દોષના આધારે વાત કરવી જોઈએ.

પત્રકારો જેવી જ સ્થિતિ રાજનેતાની છે, લોકશાહીમાં કોઈ એક જ પક્ષને સત્તા કરવાનો અધિકાર મળે છે અને બીજાને વિરોધ પક્ષમાં બેસવાનો પ્રજા અધિકાર આપે છે, સત્તાઓ આવતી જતી રહી છે, પણ રાજનેતાઓને ખબર નથી કે તેમને ઈશ્વરે એક જ જીંદગી આપી છે, રાજકારણ સિવાયની પણ એક જીંદગી હોય છે,કારણ કોઈ રાજનેતા તરીકે જન્મ લેતુ નથી,એટલે સત્તા નહીં હોય તો પણ જીંદગી ચાલવાની છે, આ સ્થિતિ સમજાતી નથી એટલે રાજનેતા બીજાને નિષ્ફળ અથવા નકામો સાબીત કરી જીતવા માગે છે, સત્તા સુધી પહોંચવા અથવા સત્તામાં ટકી રહેવા કદાચ આ જરૂરી છે પણ ચોવીસ કલાક વિરોધી મત ધરાવતી વ્યકિત માટે નકારાત્મક વિચારવુ અથવા બોલતા રહેવુ પોતાની માટે કેટલુ ધાતક છે તેનો તેમને અંદાજ આવતો નથી, વિરોધ પક્ષમાં રહેલા નેતાએ સરકારની ભુલો શોધવાની સાથે સરકારે સારૂ શુ કર્યુ તે પણ જોવુ જોઈએ અથવા સરકાર કેવી રીતે સારૂ કામ કરી શકે તે માટે મદદરૂપ થવા સરકાર તરફ હાથ પણ લંબાવવો જોઈએ.

આવુ જ સરકારમાં બેઠેલા નેતાઓ પણ કરી શકે, જે વિરોધ પક્ષમાં બેઠા છે તેઓ આપણા દુશ્મન નથી, વિરોધ પક્ષને રોજ ભાંડવાને બદલે પ્રજાને મદદરૂપ થવા માટે વિરોધ પક્ષને કઈ રીતે સામેલ કરી શકાય તે દિશામાં સરકારમાં બેઠેલા નેતાઓએ પણ એક પગલુ આગળ વધુ જોઈએ.ભાજપ અને કોંગ્રેસ વિરોધી વિચારધારા છે, પણ તેઓ એકબીજાના દુશ્મન નથી, સરકારી નિર્ણયોમાં તેઓ એકબીજાના ટીકાકાર હોઈ શકે પણ માણસ તરીકે તેઓ મિત્ર રહી શકે છે પણ તેવુ થતુ નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદ સાથેના સારા સંસ્મરણો સંસદમાં વાગોળ્યા ત્યારે તે રડી પડયા હતા, આખી જીંદગી એકબીજાની ટીકા કરતા નરેન્દ્ર મોદીએ માણસ તરીકે આઝાદના વખાણ કર્યા ત્યારે આઝાદની આંખો પણ રડયા વગર રહી શકી નહીં, મને લાગે છે કે કોંગ્રેસની સતત ટીકા કરતા મોદીએ જે દિવસે સંસદમાં આઝાદના વખાણ કર્યા મને લાગે છે કે તે રાત્રે નરેન્દ્ર મોદીને ખુબ સારી ઉંઘ આવી હશે.જેમ આપણા શરીરમાં ગુડ એન્ડ બેડ કોલોસ્ટ્રેલ હોય છે તેમ આપણા જીવનમાં પણ માણસ તરીકે ગુડ કોલોસ્ટ્રોલ વઘે નહીં તો વાંધો નહીં પણ ઘટે નહીં તેની કસરત પણ આપણે કરવી પડશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular