વધતાં જતાં શિક્ષણના દરની સમસ્યા આજે સમાજ સામે માથું ઉંચકીને ઊભી છે ત્યારે અમદાવાદની સાબરમતી નદી પર આવેલા આંબેડકર બ્રીજની નીચે એક મધ્યમવર્ગી યુવાન શૈક્ષણિક ક્ષેત્રે એક નવો દીપ પ્રગટાવી રહ્યો છે.
રાજેશ પરમાર નામનો એક યુવાન આ બ્રીજ નીચે કેટલાક વિદ્યાર્થીઓ ને ફ્રીમાં શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. રાજેશ પોતે મેળવેલી વિદ્યા જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચીને માત્ર ખુશી કમાય છે. તે બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાય માનવતાના પાઠ પણ ભણાવી રહ્યો છે. રાજેશે SSC પછી સોફ્ટવેર પ્રોગ્રામિંગનો સર્ટિફાઇડ કોર્સ કર્યો. ઘણી જગ્યાએ નોકરી માટે વલખા માર્યા છતાં દરેક જગ્યાએ નિષ્ફળતા જ સાંપડી. પણ તે નિરાશ થયો નહીં.
રાજેશ અત્યારે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાજેશ જણાવે છે કે, તે રોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી આર્થિક પછાત બાળકોને ભણાવે છે અને ૧ વાગ્યા પછી અલગ અલગ જગ્યાએ છૂટક મજૂરી કરવા જાય છે. રાજેશ પાસે અત્યારે લગભગ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. રાજેશની આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે.
રાજેશને આ વિચાર અંગે પૂછતાં તે જણાવે છે કે, “મારા પિતાના મૃત્યુ પછી મને ભણવામાં ઘણી તકલીફ પડી છે. હું આ બાળકોની મદદ એટલે કરું છું કે, મને જે તકલીફ પડી એ આ બાળકોને ન પડે.”
પોતાની થોડી ઘણી એકત્રિત થયેલી બચતમાંથી રાજેશ અહીંના બાળકો માટે પુસ્તકો અને ભણવા માટે જરૂરી હોય એવી નાની મોટી વસ્તુઓ પણ આપે છે.
આ કાર્ય કરતાં કરતાં રાજેશને સારા અને ખરાબ બંને પ્રકારના અનુભવ થાય છે. કેટલાક સારા માણસો ક્યારેક તેની શાળાની મુલાકાત લે છે અને ત્યાં ભણતા બાળકો માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરે છે. જ્યારે કેટલાક લોકો બાળકોને ભણવાની જગ્યા પર રાત્રીના સમયે કાચ ફોડે છે અને કચરો કરે છે. જે બધું રાજેશ પોતે સાફ કરે છે.પણ બાળકોને ભણાવવાનું ચાલું જ રાખે છે.
રાજેશને આ ઉમદા કામ કરવા માટે બાજુમાં આવેલું દાણીલીમડા પોલીસ સ્ટેશન પણ સહકાર આપે છે.
રાજેશ જેવા વ્યક્તિઓની જરૂરિયાત સમાજમાં શૈક્ષણિક સિવાય પણ અનેક ક્ષેત્રે છે. જે કોઈ જ સ્વાર્થ વગર જરૂરિયતમંદોને મદદ કરવા તત્પર રહે છે.